હરિયાણાના મારુતિ-સુઝુકી હિંસા કેસમાં હત્યાના ૧૩ આરોપીને આજીવન કેદ

28

ચંડીગઢ :

માનેસર ખાતેના મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે થયેલી હિંસા અને રમખાણમાં થયેલી હત્યાના કેસમાં શનિવારે ૧૩ આરોપીને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.

આ કેસમાં ચાર અન્ય આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા ફરમાવી હતી. રમખાણ કેસના વધુ ૧૪ આરોપીઓને દંડ કરીને છોડી મુકાયા હતા.

જે ચાર આરોપીઓને પાંચ વર્ષની કેદ ફરમાવી છે તે પૈકીના મોટાભાગના આરોપી ચાર વર્ષની કેદની સજા ભોગવી ચૂૂક્યા છે.  અધિક જિલ્લા અને સેશન કોર્ટના ન્યાયાધીશ આર. પી. ગોયેલે વર્ષ ૨૦૧૨ના આ કેસમાં સજા ફરમાવી હતી. અદાલતે શુક્રવારે ફરિયાદી અને બચાવપક્ષની દલીલો સાંભળ્યા પછી ચુકાદો શનિવાર સુધી અનામત રાખ્યો હતો. બચાવપક્ષના વકીલોએ રજૂઆત કરી હતી કે તેઓ ચુકાદાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકારશે.

આ કેસમાં ૧૦મી માર્ચે ૩૧ કામદારોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ૧૧૭ને દોષમુક્ત છોડી મૂકાયા હતા. ૩૧ પૈકી ૧૩ આરોપીઓને હત્યા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ૧૮ને રમખાણ તેમજ વિવિધ કલમો હેઠળના ગુના બદલ દોષિત ઠેરવાયા હતા.

કેસ શું હતો

૧૮ જુલાઈ, ૨૦૧૨ના રોજ ગુરગાંવથી નજીકનાં અંતરે આવેલા કારના પ્લાન્ટમાં કામદારો દ્વારા સર્જાયેલી હિંસામાં મારુતિ સુઝુકીના જનરલ મેનેજર (માનવસંસાધન) અવિનાશકુમાર દેવને બાળી દેવામાં આવ્યા હતા અને સંખ્યાબંધ અધિકારીઓને ઈજા પહોંચી હતી. હત્યાના કેસમાં પોલીસે ૧૪૮ કામદારોની ધરપકડ કરી હતી, જે ૬૨ની ધરપકડ નહોતી થઈ તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.