હસમુખ અઢિયાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવશે - Sandesh
  • Home
  • India
  • હસમુખ અઢિયાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવશે

હસમુખ અઢિયાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવશે

 | 1:12 am IST

। નવી દિલ્હી ।

દેશમાં જીએસટી અને અન્ય કરવેરા મુદ્દે ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે જીએસટીના અમલીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢિયાને ત્રણ મહિનાનું એક્સટેન્શન અપાયાની ચર્ચાઓ જોર પકડયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦ નવેમ્બરના રોજ હસમુખ અઢિયાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. સૂત્રોના મતે તેમણે જાતે જ પોતાના કાર્યકાળને લંબાવવા માટે અરજી તૈયાર કરીને ફાઈલ પીએમઓ પાસે મોકલી આપી છે. બીજી તરફ એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર પોતાનું અંતિમ બજેટ રજૂ કરશે. આ બજેટની રચના અને મોનિટરિંગ માટે અઢિયાની હાજરી મહત્ત્વની છે. તેના કારણે કેન્દ્ર સરકાર પણ તેમનો કાર્યકાળ લંબાવવા વિચારણા કરી રહી છે. અરુણ જેટલીને મદદ મળી રહે તે માટે તેમના કાર્યકાળમાં વધારો કરવાની કવાયત ચાલી રહી હોવાનું પણ તારણ છે. નાણામંત્રાલયના સૂત્રોના મતે હસમુખ અઢિયાના કાર્યકાળમાં ૩ મહિનાનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.

હજી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી : સૂત્રો

કચેરીઓ અને નાણામંત્રાલયમાં અઢિયાના એક્સટેન્શન અંગે ધમધમાટ ચાલી રહ્યો છે. બીજી તરફ કેટલાક સૂત્રો એવું પણ માને છે કે, ક્યાંક પણ કોઈ બદલી કે બઢતીના અણસાર દેખાતા નથી. આ અંગે નાણામંત્રાલય કે પીએમઓ કાર્યાલય દ્વારા કોઈ સુચના કે જાહેરાત જારી કરવામાં આવ્યા નથી.  બીજી તરફ જેટલીએ ફાઈલ આગળ વધારી હોવાના પણ અહેવાલોની ચર્ચા છે.