હાટકેશ્વર મંદિર : વડનગર - Sandesh

હાટકેશ્વર મંદિર : વડનગર

 | 1:02 am IST

શ્રદ્ધા-યાત્રા

ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લાના વડનગર નગરમાં હાટકેશ્વર દાદાનું મંદિર આવેલું છે. ગુજરાતમાં હાટકેશ્વર મંદિર વિસનગર, જૂનાગઢ,  ભૂજ, વડોદરા વગેરે શહેરોમાં છે. તે ઉપરાંત રાયપુર-છત્તીસગઢ, અલ્હાબાદ, હરિયાણા વગેરે જેવાં ભારતનાં અન્ય રાજ્યોના શહેરોમાં હાટકેશ દાદાનું મંદિર છે. અન્ય મંદિરો કરતા ગુજરાતના વડનગર ખાતે આવેલા મંદિરને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે, કારણે આ મંદિરનું શિવલિંગ સ્વંયભુ છે. તો આવો વિસનગરના હાટકેશ દાદાના મંદિરનું સ્થાપત્ય, નિર્માણ, ધાર્મિક કથા, આરતીનો સમય વગેરેની માહિતી મેળવીએ.

પૌરાણિક કથા

હાટકેશ મંદિર બે હજાર વર્ષ જૂનું છે. પૌરાણિક વાત એવી છે કે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવ પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપસ્યા કરી હતી. ભક્ત બોલાવે ને ભોળાનાથ આવે નહીં તેવું બને નહીં. ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે,’વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાની લીંગની સ્થાપના કરજે. હું સ્વયંભૂ પ્રગટ થઈશ.’ ત્યાર બાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા.

લોકકથા

૧૭મી સદીમાં બનાવેલું તીર્થસ્થળ હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. હાટકેશ્વર મંદિરનું નિર્માણ ભારતીય શાસ્ત્રીય શૈલીમાં કરવામાં આવ્યું છે.

હાટકેશ મંદિરને આશરે ૧૮૦૦ વર્ષ થયા છે. હાટકેશ્વર મંદિરની પ્રમુખ મૂર્તિ ભગવાન શિવની છે.  તે ઉપરાંત માનવામાં આવે છે કે મંદિર નાગ રાજા હરિરાજ નાઇક  દ્વારા બનાવવામાં આવ્યું હતું.

કિંવદન્તી અનુસાર, નાગ રાજા જેઓએ હાટકેશ્વર મંદિર બનાવ્યું હતું. તે રાજા બાબૂરાવના દાદા હતા. તથા એક માન્યતા એમ છે કે રાજા બાબુરાવે પિતાને અર્જુનને વડનગર શહેરમાં હાટકેશ્વર મંદિર બનાવા માટે સહાય કરી હતી.

મંદિરનું સ્થાપત્ય

હાટકેશ્વર મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદભુત છે. જોનારને મંત્રમુગ્ધ કરી દે તે શૈલીમાં નવ ગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિંદુ દેવી-દેવતાઓ, સમગ્ર દેવમંડળ, રામાયણ અને મહાભારતનાં પ્રેરકપ્રસંગો, પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર આકૃતિઓને કંડારવામાં આવી છે.

નિર્માણ

આ પૌરાણિક મંદિર છે, સમયની સાથે તેનો જીર્ણોદ્ધાર થયો છે. મંદિરમાં આવેલ શિવલિંગ બે હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલું છે. ભોળાનાથ નાગરોના કુળદેવતા તરીકે બિરાજમાન થયેલા છે.

મંદિરનાં મુખ્ય આકર્ષણો

હાટકેશ્વર મંદિરના પરિસરમાં જ અનેક ગૌણ મંદિરો પણ છે. જેમાં કાશી વિશ્વનાથનું મંદિર વધુ પૌરાણિક છે. ઉપરાંત દાનેશ્વર, તારકેશ્વર, રવેશ્વર, ચમકેશ્વર, સોમનાથ, પાતાળેશ્વર, જાકેશ્વર, મુક્તેશ્વર પંચનાથ મહાદેવ અને અંબાજીનાં મંદિરો વિધ્યમાન છે.

વિશેષ ઉજવણી

– હાટકેશ જયંતિ ધામ ધુમથી ઉજવવામાં આવે છે. આ દિવસે હાટકેશ દાદાની પાલખી નગરયાત્રા નીકળે છે.

– શિવરાત્રીના દિવસે શિવપુજાનું આયોજન કરવામાં આવે છે.

આરતીનો સમય

સવાર ૭:૩૦ વાગે

સાંજે ૭:૧૫ વાગે

દર્શનનો સમય

સવારે ૭:૩૦થી સાંજે ૭:૩૦ વાગ્યા સુધી

કેવી રીતે જશો?

વડનગર ગુજરાતના મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે. વડનગર રેલ્વે જંક્શન રાજ્ય અને દેશના અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે. વડનગર હાટકેશ્વર મંદિર જવા માટે મહેસાણાથી ૪૭ કિમી, અને અમદાવાદથી ૧૧૧ કિમી દૂર આવેલું છે. તમે  એસ.ટી બસ કે પ્રાઇવેટ વાહનો દ્વારા વડનગર જઇ શકો છો.

આસપાસનાં સ્થળો

  • અજપાલ કુંડ
  • કિર્તી તોરણ
  • તાનારીરીની સમાધિ
  • વડનગર મ્યુઝિયમ
  • આમથેર માતા મંદિર
  • સ્વામીનારાયણ મંદિર
  • જૈન દેરાસર(હાથીદેરા)
  • દાનેશ્વર મહાદેવ
  • આશાપુરા માતાનું મંદિર
  • કાશી વિશ્વેશ્વર મંદિર

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન