હેઝલવૂડ, કમિન્સ પાક. સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હેઝલવૂડ, કમિન્સ પાક. સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા

હેઝલવૂડ, કમિન્સ પાક. સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા

 | 2:59 am IST

। મેલબર્ન ।

ઝડપી બોલર પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડ યુએઈમાં પાકિસ્તાન સામે ઓક્ટોબરમાં યોજાનાર ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાંથી બહાર થઈ ગયા છે. કમિન્સ અને હેઝલવૂડ બંને ઈજાગ્રસ્ત છે અને સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. આ કારણે બંનેને સિરીઝમાં સામેલ કર્યા નથી. આ ઉપરાંત ટીમના અનુભવી બેટ્સમેન સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પણ પ્રતિબંધને કારણે નહીં રમી શકે. ટીમ પેનની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયાની ટીમને આ સંજોગોમાં ઘણા અનુભવી ખેલાડીઓ વિના જ પાકિસ્તાન સામે સિરીઝ રમવા ઉતરવું પડશે.

ઓસ્ટ્રેલિયન ટીમના ફિઝિયો ડેવિડ બીકલેએ કહ્યું કે, પેટ અને જોશ બંને ઈજાને કારણે બોલિંગ કરી શકે તેમ નથી. તેમની ફિટનેસ ટેસ્ટ લેવલની નથી. જોકે, ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક સ્વસ્થ થતાં આ સિરીઝમાં ટીમ સાથે જોડાશે. આ સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર નવેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે જેની પ્રથમ મેચ ચાર નવેમ્બરે પર્થમાં યોજાશે. આ વન-ડે સિરીઝ બાદ ભારત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ ટી-૨૦, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે.