HDFC બેન્કના VP સિદ્ધાર્થ સંઘવી લાપતા   - Sandesh
  • Home
  • Mumbai
  • HDFC બેન્કના VP સિદ્ધાર્થ સંઘવી લાપતા  

HDFC બેન્કના VP સિદ્ધાર્થ સંઘવી લાપતા  

 | 1:28 am IST

। મુંબઈ ।

મુંબઈગરા અને ખાસ કરીને મુંબઈના ગુજરાતી સમાજને ખળભળાવી મૂકે એવી ઘટનામાં એચડીએફસી બેંકના વાઈસ પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવી છેલ્લા ચાર દિવસથી ગૂમ છે. એચડીએફસી બેંકની પરેલસ્થિત કમલા મિલ્સ શાખામાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સિદ્ધાર્થ સંઘવીના અચાનક ગૂમ થવાથી એમનો પરિવાર ચિંતા અને શોકમાં ગરકાવ થઈ ગયો છે. રોજિંદા ક્રમ મુજબ સંઘવી કમલા મિલ્સની પોતાની ઓફિસમાં બુધવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ ફરજ પર હાજર થયા હતા. સાંજે ૮ વાગ્યાના સુમારે તેઓ પાર્કિંગ લોટમાંથી કારમાં બહાર જતા નજરે પડયા હતા. પરંતુ, ત્યારબાદ તેઓ ઘરે નહોતા પહોંચ્યા. બુધવારે મોડી રાત સુધી તેઓ ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમનો ફોન પણ સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ફોન પર એમનો સંપર્ક ન થઈ શકતા બીજા દિવસે સવારે સંઘવી પરિવારે એનએમ માર્ગ પોલીસ સ્ટેશનમાં એમના ગૂમ થવાની ફરિયાદ નોંધાવી હતી.  પોલીસને પ્રથમ દૃષ્ટિએ આ કિડનેપીંગનો કેસ જણાઈ રહ્યો છે. છતાં પોલીસ દરેક એન્ગલથી આ ચકચારભર્યા બનાવની તપાસ કરી રહી છે. પોલીસને સિદ્ધાર્થની કાર નવી મુંબઈના કોપર ખેરણે પાસેથી મળી આવી છે. કારની પાછલી સીટ પર લોહીના ધાબા છે. એને પગલે આ કેસ વધુ સંદિગ્ધ બની ગયો છે.

પોલીસે તપાસ માટે અનેક ટીમ બનાવી  

હાલ પોલીસ સિદ્ધાર્થના મોબાઈલના લોકેશન અને એમના કોલ રેકોર્ડની તપાસ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બીજું, પોલીસ સમગ્ર વિસ્તારના સીસી ટીવી ફૂટેજ પણ જોઈ રહી છે. એસીપી સુરેન્દ્ર શિસવેએ જણાવ્યું હતું કે, અમે આ મામલામાં દરેક એન્ગલથી તપાસ કરી રહ્યાં છીએ. પોલીસ જલદી સિદ્ધાર્થ સંઘવીની ભાળ મેળવી લેશે એવો અમને વિશ્વાસ છે. સંઘવીની કારમાં મળેલા લોહી ધાબા એમને ઈજા થઈ હોવાનો નિર્દેશ કરે છે. એક સીસી ટીવી ફૂટેજમાં પોલીસને સિદ્ધાર્થ સંઘવી સાથે કારમાં બે શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી છે. એ બે વ્યક્તિ કોણ હતી એ જાણવા પોલીસ ભરસક પ્રયાસ કરી રહી છે.

સંઘવી પરિવાર એકદમ મિલનસાર હોવાનો પાડોશીઓનો મત  

મલબાર હિલ જેવા પોશ વિસ્તારમાં રહેતો સંઘવી પરિવાર એકદમ મિલનસાર હોવાનું તેમના પાડોશીઓનું કહેવું છે. એમણે ક્યારેય કોઈ સાથે ઝઘડો કર્યો હોવાનું પાડોશીઓને યાદ નથી. સિદ્ધાર્થને છ વરસનો પુત્ર છે અને એમના પિતા શેરબજારનું કામકાજ કરે છે. આ પહેલા સંઘવી પરિવાર મલબાર હિલના જ રીજ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. એ વખતે પણ એમના પાડોશીઓ સાથે ખૂબ સારા સંબંધો હતા. સમગ્ર પરિવાર ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે અને પાડોશીઓએ સિદ્ધાર્થને પણ કદી ઊંચા અવાજે બોલતા સાંભળ્યો નહોતો.

;