આરોગ્ય અને ઐશ્વર્યની વૃધ્ધિ માટે ઉપયોગી પર્વ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • આરોગ્ય અને ઐશ્વર્યની વૃધ્ધિ માટે ઉપયોગી પર્વ

આરોગ્ય અને ઐશ્વર્યની વૃધ્ધિ માટે ઉપયોગી પર્વ

 | 12:12 am IST

મકરસંક્રાંતિ  :- કવર સ્ટોરી

દર વર્ષે તા. ૧૪મી જાન્યુઆરીનો દિવસ ભારતના મોટા ભાગના વિસ્તારમાં ‘મકરસંક્રાંતિ’  પર્વ તરીકે ઉજવાય છે. મકરસંક્રાંતિ એટલે પતંગ પર્વ એવો ખ્યાલ સૌ લોકો ધરાવે છે. આ દિવસનું ભારતીય ખગોળ, જ્યોતિષ, ભૌગોલિક, ધાર્મિક, આધ્યાત્મિક તથા આરોગ્યશાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે તેની જાણ બહુ ઓછા લોકોને હશે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.

ખગોળ જ્યોતિષની પરિભાષામાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તેને ‘સંક્રાંતિ’ કહે છે.

જ્યોતિષશાસ્ત્રમાં સંક્રાંતિ શબ્દ  જુદા જુદા બે અર્થમાં પ્રચલિત થયેલ છે.

(૧) સૂર્ય મેષ, વૃષભ, મિથુન એમ બારેય રાશિમાં પ્રવેશ કરે તે ઘટનાને સંક્રાંતિ કહે છે. એક વર્ષમાં સૂર્યની ૧૨ સંક્રાંતિઓ આવે છે.

(૨) મુહૂર્તશાસ્ત્ર તથા હવામાન- કૃષિ વ્યાપાર જ્યોતિષ વગેરેમાં સૂર્ય જે રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોય તેને (એક માસના સમયગાળાને) પણ સંક્રાંતિ કહે છે.

આપણે અત્રે સંક્રાંતિ અંગે ઉપર પ્રથમ સૂચવેલો અર્થ સમજવાનો છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે. રાશિચક્રની બારેય રાશિઓમાં ભ્રમણ કરવા માટે ૧૨ માસ (એક વર્ષ) નો સમય લે છે. આ એક વર્ષના સમયગાળાને ‘સૌર વર્ષ’ કહે છે.

સૂર્યની મકરસંક્રાંતિ ક્યારે આવે?

રાશિચક્રની સૌ પ્રથમ મેષ રાશિમાં સૂર્ય દર વર્ષે તા. ૧૪ એપ્રિલથી ૧૪ મે સુધી રહે છે. મકર રાશિ દસમા ક્રમાંકે હોવાથી દર વર્ષે તા.૧૪ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી રહે છે. સૂર્યની સૂક્ષ્મ ગતિ (વાસ્તવમાં પૃથ્વીની ભ્રમણ ગતિ) ના કારણે દર વર્ષે લગભગ ૬ કલાકનો ઉમેરો થતો રહે છે, જે દર ચોથા વર્ષે લીપ વર્ષમાં સરભર થઇ જાય છે.

આ વર્ષે તા. ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પોષ સુદ આઠમને સોમવારે ભારતીય સ્ટા. ટાઇમ મુજબ ક. ૧૯-૫૦ સમયે સૂર્ય નિરયન મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે અમદાવાદનો સૂર્યોદય ક. ૦૭-૨૪ અને સૂર્યાસ્ત ક. ૧૮-૧૪ છે. આમ સૂર્યની મકરસંક્રાંતિ સાંજે  સૂર્યાસ્ત પછી હોવાથી સંક્રાંતિ પછી દાન પુણ્યકરવાનો સમય (સંક્રાંતિનો પુણ્યકાલ)  બીજે દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન કરવાનો ધર્મશાસ્ત્રમાં સૂચવવામાં આવ્યું છે.

આરોગ્યશાસ્ત્ર (આયુર્વેદ) અને ધર્મશાસ્ત્રનો સમન્વય કરીને આત્મવિશ્વાસ, આરોગ્ય અને ઐશ્વર્યની વૃધ્ધિ માટે મકરસંક્રાંતિનો એક માસનો સમયગાળો વિશેષ ફ્ળદાયી બની રહે છે. સૂર્યપૂજા આ તહેવારનું મુખ્ય હાર્દ છે. આપણે પૃથ્વી ઉપર ઉત્તર ગોળાર્ધમાં રહેતા હોવાથી કુદરતી રીતે ઉત્તરાયણમાં સૂર્યના ઉપયોગી કિરણો વધારે મળે છે.

ઉત્તરાયન અને મકરસંક્રાંતિ વચ્ચે તફવત છે.

અત્રે એ યાદ આપવું ખાસ જરૂરી છે કે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વચ્ચે સૈધ્ધાંતિક તફવત છે. ઉત્તરાયણ એટલે સૂર્યનો  સાયન મકર રાશિમાં પ્રવેશ. જ્યારે મકર સંક્રાંતિ એટલે સૂર્યનો નિરયન મકર રાશિમાં પ્રવેશ. ખગોલીય ભાષામાં કહીએ તો સાયન રાશિ અને નિરયન રાશિ વચ્ચેનું અંશાત્મક અંતર એટલે અયનાંશ. સાયન રાશિ-અંશ-કલા-વિકલામાંથી અયનાંશનો તફવત બાદ કરવાથી આવેલ ખગોલીય રાશિ-અંશ-કલા-વિકલાને નિરયન કહેવાય છે. આ અયનાંશ દર વર્ષે સૂક્ષ્મ ગતિથી વધતો જાય છે. હાલમાં અયનાંશ ૨૪ અંશ-૦૭ કલા-૦૮ વિકલા છે. ઉત્તરાયન દર વર્ષે ૨૨ ડિસેમ્બરે થાય છે. મકરસંક્રાંતિ આ ઉત્તરાયનની ખગોલીય ઘટના પછી ૨૪ દિવસે થાય છે. એક સાદી ગણતરી મુજબ દર ૭૨/૭૩ વર્ષે અયનાંશમાં એક અંશનો વધારો થાય છે તેથી આશરે ૭૨/૭૩ વર્ષ પછે મકર સંક્રાંતિ એક દિવસ મોડી આવે છે. એક રસપ્રદ વિગત જાણવી જરૂરી છે કે ભૂતકાળમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસે (તા. ૧૨-૦૧-૧૮૬૩) મકરસંક્રાંતિનો દિવસ હતો.

આપણા શતાયુ વિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીના શાળાકીય દિવસોમાં મકર સંક્રાંતિનો દિવસ ૧૩ જાન્યુઆરીએ આવતો હતો. આ વાત જૂના પંચાંગ અને દફ્તર તપાસવાથી સમજાય છે. હાલમાં ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ આવે છે.  હવે નજીકના ભવિષ્યમાં મકરસંક્રાંતિનો દિવસ ૧૫ જાન્યુઆરીએ આવશે તે ખગોળ અને પંચાંગસિધ્ધ સત્ય છે.

મકરસંક્રાંતિના વિવિધ નામ

ભારતીય જ્યોતિષના ગ્રંતોમાં મકરસંક્રાંતિના પ્રવેશ સમયને અનુલક્ષીને અમુક ચોક્કસ વાર, નક્ષત્ર, યોગ અને કરણ જેવી વિગતોને આધારે દેશકાળનું તથા મેદનીય ભવિષ્ય ફ્ળકથનના નિર્દેશ મળે છે. જે તે વારે આવતી મકર સંક્રાંતિને તેના ચોક્કસ નામ આપેલ છે. મકરસંક્રાંતિ રવિવારે થાય તો ધોરા, સોમવારે થાય તો ધ્વાંક્ષી, મંગળવારે થાય તો મહોદરી, બુધવારે થાય તો મંદાકિની, ગુરુવારે હોય તો નંદા, શુક્રવારે હોય તો મિશ્ર અને શનિવારે મકરસંક્રાંતિ આવતી હોય તો રાક્ષસી નામ જાણવું. ધર્મસિંધુ નામના પ્રમાણભુત ગ્રંથમાં જણાવ્યું છે કે મકરસંક્રાંતિના પુણ્યકાલમાં તલનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવો જોઇએ. શિવાલયમાં તલના તેલના દિવા પ્રગટાવવા. સૂર્યનારાયણને દૂધનો અર્ઘ્ય આપવો જોઇએ. મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણની પૂજા, અર્ચના, ભક્તિ કરવી જોઇએ. આપણે આ દિવસે પતંગ ચઢાવીએ છીએ તેમાં પણ સૂર્ય પૂજાનો સંકેત રહેલો છે.

આ એજ સૂર્યનારાયણ છે કે જેમણે પાંડવોને વનવાસ દરમિયાન સારી રીતે જીવવા માટે અક્ષયપાત્ર આપ્યું હતું. પારપારિકતાને બાજુએ રાખીએ તો પણ લગભગ સમગ્ર ભારતમાં અનાજની મોસમની ઉજવણી રૂપે આ તહેવાર જોવા મળે છે.

તામિલનાડુમાં મકરસંક્રાંતિનું મહત્વ વિશેષ નોંધપાત્ર છે. તામિલ માસ થાઇ (્રટ્ઠૈ) ના પ્રથમ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ પ્રસંગે ચાર દિવસનો પોંગલ  (ઁર્હખ્તટ્ઠઙ્મ) નો તહેવાર ઉજવાય છે. જેમાં સૂર્યપૂજા કેન્દ્રસ્થાને છે.

મકર સંક્રાંતિ દરમિયાન વિદ્યાભ્યાસ, મંત્ર સાધના, ઉપાસના, સ્પર્ધાત્મક પ્રવૃતિ, આર્થિક આયોજન, બચત, રોકાણ, નૂતન ધાન્યનો પ્રસાદ તરીકે ઉપયોગ, ઔષધ માટે ઉપયોગી વનસ્પતિનો ઉછેર વગેરે કામકાજ કરવાનો વિશેષ મહિમા છે.

મકરસંક્રાંતિ દરમિયાન  બારેય રાશિવાળી વ્યક્તિઓએ શું કરવું જોઇએ?

  • જેથી આત્મવિશ્વાસ, આરોગ્ય અને ઐશ્વર્યમાં વધારો થાય. સારી સફ્ળતા મળે.
  • મેષ અને વૃશ્ચિક રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે મંગળના મંત્રની એક એક માળા કરવી.
  • વૃષભ અને તુલા રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે શુક્રના મંત્રની એક એક માળા કરવી.
  • મિથુન અને કન્યા રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે બુધના મંત્રની એક એક માળા કરવી.
  • કર્ક રાશિવાળાએ ચંદ્રના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી.
  • સિંહ રાશિવાળાએ સૂર્યના મંત્રની બે માળા કરવી.
  • ધનુ અને મીન રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે ગુરુના મંત્રની એક એક માળા કરવી.
  • મકર અને કુંભ રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે શનિના મંત્રની એક એક માળા કરવી જોઇએ.
  • ભૂપેન્દ્ર ધોળકિયા

[email protected]