આરોગ્ય અને આત્મવિશ્વાસની વૃદ્ધિ કરનાર આજનું પર્વ મકરસંક્રાંતિ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • આરોગ્ય અને આત્મવિશ્વાસની વૃદ્ધિ કરનાર આજનું પર્વ મકરસંક્રાંતિ

આરોગ્ય અને આત્મવિશ્વાસની વૃદ્ધિ કરનાર આજનું પર્વ મકરસંક્રાંતિ

 | 1:38 am IST
  • Share

કવર સ્ટોરી

ભારતના મોટા ભાગના વિસ્તારમાં દર વર્ષે તા. ૧૪મી જાન્યુઆરીનો આજનો દિવસ ‘મકરસંક્રાંતિ’ પર્વ તરીકે ઉજવાય છે. મકરસંક્રાંતિ એટલે દાન અંને પતંગનું પર્વ એવો ખ્યાલ મહદ અંશે લોકો ધરાવે છે. આ દિવસનું ભારતીય ખગોળ, જ્યોતિષ, ભૌગોલિક, ધાર્મિક, આધ્યાત્મિક તથા આરોગ્યશાસ્ત્રની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. આજે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉનાળાની સ્વિચ ઓન કરે છે.

ખગોળ જ્યોતિષની પરિભાષામાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તેને ‘સંક્રાંતિ’ કહે છે.

જ્યોતિષશાસ્ત્રમાં સંક્રાંતિ શબ્દ જુદા જુદા બે અર્થમાં પ્રચલિત થયેલ છે.

(૧) સૂર્ય દર મહિને મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન એમ બારેય રાશિમાં પ્રવેશ કરે તે ઘટનાને સંક્રાંતિ કહે છે. એક વર્ષમાં સૂર્યની ૧૨ સંક્રાંતિઓ આવે છે.

(૨) મુહૂર્તશાસ્ત્ર તથા હવામાન – કૃષિ વ્યાપાર જ્યોતિષ વગેરેમાં સૂર્ય જે રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોય તેને (એક માસના સમયગાળાને) પણ સંક્રાંતિનો માસ કહે છે.

અહીં આપણે સંક્રાંતિ અંગે ઉપર પ્રથમ જણાવેલ અર્થ સમજવાનો છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે. રાશિચક્રની બારેય રાશિઓમાં ભ્રમણ કરવા માટે ૧૨ માસ (એક વર્ષ)નો સમય લે છે. આ એક વર્ષના સમયગાળાને ‘સૌર વર્ષ’ કહે છે.

સૂર્યની મકરસંક્રાંતિ ક્યારે આવે?  

રાશિચક્રની સૌપ્રથમ મેષ રાશિમાં સૂર્ય દર વર્ષે તા. ૧૪ એપ્રિલથી ૧૪ મે સુધી રહે છે. મકર રાશિ દસમા ક્રમાંકે હોવાથી દર વર્ષે તા.૧૪ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી રહે છે. સૂર્યની સૂક્ષ્મ ગતિ (વાસ્તવમાં પૃથ્વીની ભ્રમણગતિ) ના કારણે દર વર્ષે લગભગ ૬ કલાકનો ઉમેરો થતો રહે છે, જે દર ચોથા વર્ષે લીપ વર્ષમાં સરભર થઇ જાય છે.

આ વર્ષે તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પોષ સુદ એકમ ને ગુરુવારે ભારતીય સ્ટા. ટાઇમ મુજબ સવારે ક. ૦૮-૧૫ સમયે સૂર્ય નિરયન મકર રાશિમાં પ્રવેશ કરે છે. સંક્રાંતિ પછી દાન-પુણ્ય કરવાનો સમય (સંક્રાંતિનો પુણ્યકાલ) સવારે ક. ૦૮- ૧૫ થી સૂર્યાસ્ત સુધી રહેશે એમ ધર્મશાસ્ત્રમાં સૂચવેલ છે.

આરોગ્યશાસ્ત્ર (આયુર્વેદ) અને ધર્મશાસ્ત્રનો સમન્વય કરીને આત્મવિશ્વાસ, આરોગ્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ માટે મકરસંક્રાંતિનો એક માસનો સમયગાળો વિશેષ ફ્ળદાયી બની રહે છે. સૂર્યપૂજા આ તહેવારનું મુખ્ય હાર્દ છે. આપણે પૃથ્વી ઉપર ઉત્તર ગોળાર્ધમાં રહેતા હોવાથી કુદરતી રીતે ઉત્તરાયણમાં સૂર્યનાં ઉપયોગી કિરણો વધારે મળે છે.

ઉત્તરાયન અને મકરસંક્રાંતિ વચ્ચે તફવત છે.

અત્રે એ યાદ આપવું ખાસ જરૂરી છે કે ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ વચ્ચે સૈદ્ધાંતિક તફવત છે. ઉત્તરાયણ એટલે સૂર્યનો સાયન મકર રાશિમાં પ્રવેશ. જ્યારે મકરસંક્રાંતિ એટલે સૂર્યનો નિરયન મકર રાશિમાં પ્રવેશ. ખગોલીય ભાષામાં કહીએ તો સાયન રાશિ અને નિરયન રાશિ વચ્ચેનું અંશાત્મક અંતર એટલે અયનાંશ. સાયન રાશિ-અંશ-કલા-વિકલામાંથી અયનાંશનો તફવત બાદ કરવાથી આવેલ ખગોલીય રાશિ-અંશ-કલા-વિકલાને નિરયન કહેવાય છે. આ અયનાંશ દર વર્ષે સૂક્ષ્મ ગતિથી વધતો જાય છે. હાલમાં અયનાંશ ૨૪ અંશ-૦૮ કલા-૪૮ વિકલા છે. ઉત્તરાયન દર વર્ષે ૨૧ કે ૨૨ ડિસેમ્બરે આરંભ થાય છે. મકરસંક્રાંતિ આ ઉત્તરાયનની ખગોલીય ઘટના પછી ૨૪ દિવસે થાય છે. એક સાદી ગણતરી મુજબ દર ૭૨/૭૩ વર્ષે અયનાંશમાં એક અંશનો વધારો થાય છે તેથી આશરે ૭૨/૭૩ વર્ષ પછી મકર સંક્રાંતિ એક દિવસ મોડી આવે છે. એક રસપ્રદ વિગત જાણવી જરૂરી છે કે ભૂતકાળમાં સ્વામી વિવેકાનંદના જન્મદિવસે એટલે કે (તા. ૧૨-૦૧-૧૮૬૩)ના રોજ મકરસંક્રાંતિનો દિવસ હતો.

આપણા શતાયુ વિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીના શાળાકીય દિવસોમાં મકરસંક્રાંતિનો દિવસ ૧૩ જાન્યુઆરીએ આવતો હતો. આ વાત જૂના પંચાંગ અને દફ્તર તપાસવાથી સમજાય છે. હાલમાં ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ આવે છે. હવે નજીકના ભવિષ્યમાં મકરસંક્રાંતિનો દિવસ ૧૫ જાન્યુઆરીએ આવશે તે ખગોળ અને પંચાંગસિદ્ધ સત્ય છે.

મકરસંક્રાંતિનાં વિવિધ નામઃ

ભારતીય જ્યોતિષના ગ્રંથોમાં મકરસંક્રાંતિના પ્રવેશ સમયને અનુલક્ષીને અમુક ચોક્કસ વાર, નક્ષત્ર, યોગ અને કરણ જેવી વિગતોને આધારે દેશકાળનું તથા મેદનીય ભવિષ્ય ફ્ળકથનના નિર્દેશ મળે છે.

જે તે વારે આવતી મકરસંક્રાંતિને તેનાં ચોક્કસ નામ આપેલાં છે. મકરસંક્રાંતિ રવિવારે થાય તો ધોરા, સોમવારે થાય તો ધ્વાંક્ષી, મંગળવારે થાય તો મહોદરી, બુધવારે થાય તો મંદાકિની, ગુરુવારે હોય તો નંદા, શુક્રવારે હોય તો મિશ્ર અને શનિવારે મકરસંક્રાંતિ આવતી હોય તો રાક્ષસી નામ જાણવું.

ધર્મસિંધુ નામના પ્રમાણભૂત ગ્રંથમાં જણાવ્યું છે કે મકરસંક્રાંતિના પુણ્યકાલમાં તલનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવો જોઇએ. શિવાલયમાં તલના તેલના દીવા પ્રગટાવવા. સૂર્યનારાયણને દૂધનો અર્ધ્ય આપવો જોઇએ. મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણની પૂજા, અર્ચના, ભક્તિ કરવી જોઇએ. આપણે આ દિવસે પતંગ ચઢાવીએ છીએ તેમાં પણ સૂર્ય પૂજાનો સંકેત રહેલો છે.

આ એ જ સૂર્યનારાયણ છે કે જેમણે પાંડવોને વનવાસ દરમિયાન સારી રીતે જીવવા માટે અક્ષયપાત્ર આપ્યું હતું. પારંપારિકતાને બાજુએ રાખીએ તો પણ લગભગ સમગ્ર ભારતમાં અનાજની મોસમની ઉજવણી રૂપે આ તહેવાર જોવા મળે છે.

તામિલનાડુમાં મકરસંક્રાંતિનું મહત્ત્વ વિશેષ નોંધપાત્ર છે. તામિલ માસ થાઇ (્રટ્વૈ) ના પ્રથમ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે. આ પ્રસંગે ચાર દિવસનો પોંગલનો તહેવાર ઊજવાય છે. જેમાં સૂર્યપૂજા કેન્દ્રસ્થાને છે.

સંક્રાંતિનું વાહન તથા અન્ય શાસ્ત્રાર્થઃ  

આ વર્ષે સંક્રાંતિનું વાહન સિંહ છે. ઉપવાહન હાથી છે. સફેદ વસ્ત્ર ધારણ કર્યું છે. કપાળે કસ્તુરીનું તિલક છે. ઉંમરમાં બાલ્યાવસ્થા છે. બેઠેલી સ્થિતિમાં છે. દેવ જાતિની છે. અનાજનું ભોજન કરે છે. આભૂષણમાં પ્રવાલ ધારણ કરેલ છે. વાર નામ નંદા છે. ૩૦ (ત્રીસ) મુહૂર્ત મૂર્તિની સંક્રાંતિ છે. પશ્ચિમમાંથી આવીને પૂર્વ તરફ જાય છે. મુખ ઉત્તરમાં છે અને અગ્નિ ખૂણા તરફ દૃષ્ટિ કરે છે. આના આધારે ખેતી, ગંજબજાર અને પશુપાલન ક્ષેત્રે અર્થસભર પૂર્વાનુમાન કરવામાં આવે છે.

મકરસંક્રાંતિ દરમિયાન વિદ્યાભ્યાસ, મંત્રસાધના, ઉપાસના, સ્પર્ધાત્મક પ્રવૃત્તિ, આર્થિક આયોજન, બચત, રોકાણ, નૂતન ધાન્યનો પ્રસાદ તરીકે ઉપયોગ, ઔષધ માટે ઉપયોગી વનસ્પતિનો ઉછેર વગેરે કામકાજ કરવાનો વિશેષ મહિમા છે.

મકરસંક્રાંતિ દરમિયાન બારેય રાશિવાળી વ્યક્તિઓએ શું કરવું જોઈએ તે ઉપર સૂચવ્યું છે.  આજના દિવસે આટલું કરશો તો આત્મવિશ્વાસ, આરોગ્ય અને ઐશ્વર્યમાં વધારો થશે

(૧) મેષ અને વૃશ્ચિક રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે મંગળના મંત્રની એક માળા કરવી.

(૨) વૃષભ અને તુલા રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે શુક્રના મંત્રની એક માળા કરવી.

(૩) મિથુન અને કન્યા રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે બુધના મંત્રની એક માળા કરવી.

(૪) કર્ક રાશિવાળાએ ચંદ્રના મંત્ર તથા સૂર્યના મંત્રની એક એક માળા કરવી.

(૫) સિંહ રાશિવાળાએ સૂર્યના મંત્રની બે માળા કરવી.

(૬) ધનુ અને મીન રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે ગુરુના મંત્રની એક માળા કરવી.

(૭) મકર અને કુંભ રાશિવાળાએ સૂર્યના મંત્રની સાથે શનિના મંત્રની એક માળા કરવી જોઇએ.

– ભૂપેન્દ્ર ધોળકિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન