આરોગ્ય અને આર્થિક પ્રગતિ માટે ધનુર્માસ - Sandesh
 • Home
 • Supplements
 • Nakshatra
 • આરોગ્ય અને આર્થિક પ્રગતિ માટે ધનુર્માસ

આરોગ્ય અને આર્થિક પ્રગતિ માટે ધનુર્માસ

 | 12:12 am IST

ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં દિવસ-માસ-વર્ષ વગેરે સમય માપનના એકમોની વ્યાખ્યા ખાસ સમજપૂર્વક કરવામાં આવી છે. તેનો સાચો અર્થ જાણવાથી ખગોળશાસ્ત્ર તથા આકાશીય પરિસ્થિતિનું ચોક્કસ પ્રકારનું માનચિત્ર (નકશો) આપણા માનસપટલ ઉપર ઉપસી આવે છે.

આપણે ત્યાં પંચાંગ ગણિતમાં ચાંદ્ર માસ-સાવન માસ- સૌર માસ- અધિક માસ તથા સંક્રાંતિ માસ એમ વિવિધ પ્રકારે મહિનાની સમજ જોવા મળે છે. મુહૂર્ત શાસ્ત્ર- હવામાન શાસ્ત્ર- ફળ જ્યોતિષ- મેદનીય જ્યોતિષ- બજારોની તેજી-મંદીની આગાહી વગેરેમાં તેનો યથાયોગ્ય ઉપયોગ જોવા મળે છે.

– સૂર્ય સંક્રાંતિને અનુલક્ષીને આપણે ત્યાં ખાસ કરીને ‘ધનુર્માસ’ (ધનાર્ક) તથા ‘મીનમાસ’ (મીનાર્ક) નો વિશેષ માહિમા જોવા મળે છે.

ધનુર્માસ ક્યારે આવે?  

સૂર્ય એક રાશિમાં લગભગ ત્રીસ દિવસ (એક મહિનો) રહે છે. રાશિ ચક્રની નવમી રાશિ- ધનુ રાશિમાં સૂર્ય ભ્રમણ કરે તે એક માસનો સમય ‘ધનુર્માસ’ ગણાય છે. સામાન્ય રીતે દર વર્ષે તા.૧૬ ડિસેમ્બરથી તા.૧૪ જાન્યુઆરી સુધી હોય છે. ધનુ રાશિમાં એક માસના ભ્રમણ પછી સૂર્યનારાયણ જ્યારે મકર રાશિમાં આવે તે મકર સંક્રાંતિના દિવસે ધનુર્માસની સમાપ્તિ થાય છે.

– આ વર્ષે માગશર સુદ ૯ (નવમી)ને રવિવાર તા.૧૬ ડિસેમ્બરે ધનુર્માસ શરૂ થાય છે. પોષ સુદ-૮ (આઠમ)ને સોમવાર તા.૧૪ જાન્યુઆરી (મકર સંક્રાંતિ)ના દિવસે ધનુર્માસ સમાપ્ત થાય છે.

રાશિ મંડળની સમજ

પૃથ્વી પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ સતત ભ્રમણ કરે છે. પૃથ્વી ઉપરથી જોનાર વ્યક્તિને આકાશમાં સૂર્ય-ચંદ્ર-ગ્રહો-નક્ષત્રો-તારક સમૂહો પૂર્વ ક્ષિતિજ તરફથી પશ્ચિમ તરફ ખસતાં જણાય છે, સૂર્યનો આ કાયમી ભ્રમણ માર્ગ નિશ્ચિત પથરેખા ઉપર હોય છે. આ ભ્રમણમાર્ગ વર્તુળાકાર છે. વળી આ ભ્રમણમાર્ગ આકાશમાં એક ચોક્કસ નક્ષત્રના તારા પાસેથી શરૂ થઈને વર્ષના અંતે એ જ જગ્યાએ પૂર્ણ થાય છે. આમ સૂર્યનો ભ્રમણ માર્ગ સ્થાયી હોવાથી આકાશ અન્ય ગ્રહોની ગતિ સ્થિતિનું માપ તે માર્ગને અનુલક્ષી શોધવામાં આવે છે જે પંચંગોમાં અપાય છે.

આ ક્રાંતિવૃત્તને જ્યોતિષશાસ્ત્રમાં રાશિચક્ર-ભચક્ર-રાશિ મંડળ- આકાશ ચક્ર- ઝોડિયાક સર્કલ વગેરે નામથી ઓળખવામાં આવે છે.

આ ક્રાંતિ વૃત્તના ત્રીસ-ત્રીસ અંશના બાર સરખા કાલ્પનિક ભાગ કરવામાં આવ્યા છે. દરેક ભાગ રાશિ તરીકે ઓળખી દરેક રાશિમાં રહેલાં જે તે તારક સમૂહોની આકૃતિને આ તે રાશિના નામ પાડવામાં આવ્યા છે. વિશ્વની તમામ સંસ્કૃતિઓ આ બાર રાશિના નામ- આકાર- બાબતે એક છે. તે બાબત ખગોળ જ્યોતિષની શ્રધ્વેયતા સાબિત કરે છે.

માગશર માસના પ્રારંભે સૂર્ય વૃશ્ચિક રાશિમાં હોય છે. તેથી માગશર માસ દરમિયાન સુદ ત્રીજ-ચોથ પછીના દિવસોમાં ધનુસંક્રાંતિ આવે છે. આમ ધનુર્માસ હંમેશાં ગુજરાતી માગશર અને પોષ માસ દરમિયાન આવે છે. સૌની જાણીતી અને માનીતી મકરસંક્રાંતિ હંમેશાં પોષ માસમાં જ આવે છ.

એક સાદો નિયમ ખેડૂતો, ગંજ બજારના વેપારીઓ તથા મુહૂર્તશાસ્ત્રના અભ્યાસીઓમાં પ્રચલિત છે કે માગશર માસમાં ધનુર્માસના વધુમાં વધુ દિવસો આવે તે જમાપાસુ ગણાય. આમ થાય તો જ મકર સંક્રાંતિ પોષ માસમાં વહેલી આવે. ‘પોષ માસમાં મકર સંક્રાંતિ જેટલી વધારે ભોગવાય તેટલું વર્ષ સારું’ તેવી સાદી સમજ ગ્રામ્ય સંસ્કૃતિમાં જોવા મળે છે.

એક રાશિમાં સવા બે નક્ષત્ર સમાય છે. તે ન્યાયે ધનુ રાશિમાં મૂળ નક્ષત્ર- પૂર્વાષાઢા નક્ષત્ર તથા ઉત્તરાષાઢાનું પ્રથમ ચરણ સમાય છે. અંશાત્મક રીતે જોઈએ તો ધનુ રાશિના ત્રીસ અંશમાં પ્રથમ ૧૩ અંશ-૨૦ કળાનો ભાગ મૂળ નક્ષત્રમાં સમાય છે. બીજો ૧૩ અંશ-૨૦ કળાનો ભાગ પૂર્વાષાઢા નક્ષત્રમાં આવે છે અને ત્રીજો ૩ અંશ-૨૦ કળાનો ભાગ (ઉત્તરાષાઢા નક્ષત્રનું પ્રથમ ચરણ) પણ ધનુ રાશિમાં સમાય છે.

 • રાશિચક્ર અને નૈર્સિગક કુંડળીનો સમન્વય કરવામાં આવે તો રાશિચક્રની નવમી રાશિ (ધનુ રાશિ) નૈર્સિગક કુંડળીના નવમા સ્થાને (ભાગ્ય ભુવનમાં) આવે છે. પ્રાચીન સમયથી જ્યોતિષ શાસ્ત્રમાં ધનુર્માસ (ધનાર્ક) અને મકર સંક્રાંતિના દિવસોનો ઉપયોગ પુરુષાર્થ વધારીને પ્રારબ્ધ પામવા માટે થયો હોવાનું જાણવા મળે છે.
 • આરોગ્ય અને આયુર્વેદની દ્રષ્ટિએ ધનુર્માસમાં વહેલી સવારે ઊઠીને સ્નાન કરી-ઈષ્ટદેવની ભક્તિ – સમૂહ પ્રર્થના-ધૂનનું વિશેષ મહત્ત્વ છે. જે શારીરિક તથા માનસિક બાબતે ઊર્જા મેળવવા માટે યોગકારક બની રહે છે. આ કારણે જ મંદિરોમાં ધનુર્માસ દરમિયાન વહેલી સવારે- ધૂન-આરતી-પ્રાર્થના-સત્સંગ સભાનું આયોજન ઘણાં સ્થળે થાય છે.
 • હવામાન જ્યોતિષના ગ્રંથોમાં સૂર્યની ધનુ સંક્રાંતિ જે વારે થતી હોય તે વારનો સ્વામી ધાન્યેશ બને છે. શિયાળામાં-શીતકાળ દરમિયાન પાકતાં ધાન્ય-કઠોળ જેવાં કે ઘઉં-ચણા- જુવાર- અડદ- મઠ- બાજરી વગેરેની ઊપજ અંગે પૂર્વાનુમાન (આગાહી) માટે ધાન્યેશ વગેરે વર્ષના દસ અધિકારીઓ નક્કી કરવામાં આવે છે.

ધનુર્માસમાં બારેય રાશિવાળાએ શું કરવું જોઈએ?

 • મેષ રાશિના જાતકોને સૂર્ય ભાગ્ય સ્થાને આવતો હોવાથી એક માળા સૂર્યમંત્રની તથા એક માળા પોતાના રાશિસ્વામી મંગળના મંત્રની કરવાથી ભાગ્યોદયમાં આવતા અવરોધ દૂર થાય. ઉપરી અધિકારી- માલિક સાથે આત્મીયતા વધી શકે.
 • વૃષભ રાશિના જાતકોને આ સૂર્ય આઠમા સ્થાને આવે છે. આરોગ્ય ખાસ સાચવવું. એક માળા સૂર્યમંત્રની તથા એક માળા પોતાના રાશિસ્વામી શુક્રના મંત્રની કરવી જોઈએ. આરોગ્ય બાબતે અનુકૂળતા મેળવી શકાય.
 • મિથુન રાશિના જાતકોને આ સૂર્ય સાતમા સ્થાને આવે છે. સૂર્યમંત્રની એક માળા તથા પોતાના રાશિસ્વામી બુધના મંત્રની એક માળા કરવાથી દાંપત્યજીવનમાં અનુકૂળતા વધે.
 • કર્ક રાશિવાળાને આ સૂર્ય છઠ્ઠા સ્થાને આવે છે. સ્પર્ધાત્મક બાબતે અનુકૂળતા વધારવા માટે સૂર્યમંત્રની તથા ચંદ્ર મંત્રની એક એક માળા કરવી. જૂના દર્દોમાં રાહત રહે.
 • સિંહ રાશિવાળાને આ સૂર્ય પાંચમા વિદ્યા-સંતાન સ્થાને આવે છે. સૂર્યની એકમાળા તથા ઈષ્ટદેવની ભક્તિ કરવાથી અનુકૂળતા વધે. જ્ઞાનપ્રાપ્તિ-એકાગ્રતા- વિદ્યાભ્યાસ માટે લાભદાયી નીવડે.
 • કન્યા રાશિવાળાને આ સૂર્ય ચોથા સ્થાને આવે. સ્થાવર સંપત્તિ-મિલક્તના પ્રશ્નોમાં અવરોધ આવી શકે. સૂર્યમંત્રની એક માળા તથા પોતાના રાશિસ્વામી બુધમંત્રની એક માળા કરવાથી રાહત રહે. અનુકૂળતા વધે.
 • તુલા રાશિવાળા જાતકોને આ સૂર્ય ત્રીજા સ્થાને આવે છે. મહેનતનું સારું ફળ મળે. નવા સંપર્કનો લાભ મળી શકે. સૂર્યમંત્રની એક માળા તથા શુક્ર મંત્રની એક માળા કરવી જોઈએ.
 • વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ સૂર્ય બીજા સ્થાને આવે છે. જે ક્ષણિક આર્થિક અવરોધ લાવી શકે. સૂર્યમંત્રથી એકમાળા તથા મંગળના મંત્રની એક માળા કરવી જોઈએ.
 • ધનુ રાશિવાળાને આ સૂર્ય પ્રથમ સ્થાને (દેહ સ્થાને) આવે છે. આરોગ્ય પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્નોથી સારો લાભ થાય. સૂર્યમંત્રની તથા ગુરુમંત્રની એક-એક માળા કરી શકાય.
 • મકર રાશિવાળાને આ સૂર્ય વ્યય સ્થાને આવે છે. ધનખર્ચ તથા આંખો બાબતે કાળજી રાખવી. વાદવિવાદમાં પરાજય થાય. સૂર્યમંત્રની તથા શનિના મંત્રની એક એક માળા કરવી હિતાવહ છે.
 • કુંભ રાશિવાળા જાતકોને આ સૂર્ય લાભ સ્થાને આવે છે. મહેનતનું શુભ ફળ મળે. નવીન આયોજન આગળ વધી શકે. સૂર્યમંત્રની એક માળા કરવાની સલાહ છે.
 • મીન રાશિવાળાને આ સૂર્ય દસમા સ્થાને આવે છે. જાહેરજીવનમાં તથા વ્યવસાયલક્ષી બાબતોમાં ખાસ સાચવવું પડે. પોતાના રાશિસ્વામી ગુરુના મંત્રની એક માળા તથા સૂર્યના મંત્રની એક માળા કરવી જોઈએ.

ખાસ નોંધ : ધનાર્ક દરમિયાન નર્મદા નદીથી ઉત્તર દિશાના વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં લગ્ન-જનોઈ-વાસ્તુના મુહૂર્ત લેવાતાં નથી. દક્ષિણ ગુજરાત-મુંબઈ-મહારાષ્ટ્રમાં ધનાર્કનો બાધ હોતો નથી.

 •  ભૂપેન્દ્ર ધોળકિયા

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન