Health Breastfeeding a newborn and a meal provided after six months
  • Home
  • Featured
  • નવજાતને સ્તનપાન તથા છ મહિના બાદ અપાતું ભોજન

નવજાતને સ્તનપાન તથા છ મહિના બાદ અપાતું ભોજન

 | 10:00 am IST

હેલ્થ :- ડો. મેખલા ગોયલ

કુદરતે દરેક સસ્તન પ્રાણીની માદાના શરીરમાં નવજાત બાળકને પોષણ મળી રહે એ માટે દૂધ બનાવનાર ગ્રંથિઓ અને બાળકને સ્તનપાન કરાવવા માટે વિશિષ્ટ અવયવ આપ્યા છે. માણસોની માદા એટલે કે મહિલાઓમાં પણ કુદરતે એવી જ ગોઠવણ કરી છે. માટે દરેક માતાએ બાળકને સ્તનપાન અચૂક કરાવવું જોઈએ. કુદરતનું આયોજન ખૂબ જ ચોકસાઈભર્યું જોવા મળે છે.

જન્મ પછી તરતનું દૂધ જરૂરી 

નવજાત બાળકને જન્મ પછીના થોડા કલાક સુધી સૌથી વધુ પોષણની જરૂર હોય છે. એટલે કુદરતે એવું આયોજન કર્યું છે કે બાળકને જન્મ આપ્યા પછી મહિલાને જે દૂધ આવે છે એ વધારે ઘટ્ટ અને રંગે જરાક પીળાશ પડતું હોય છે. એમાં જન્મ પછી તરત નવજાતને જે પ્રકારનું પોષણ ભરપૂર પ્રમાણમાં જોઈએ એ બધાં જ પોષકતત્ત્વો હોય છે. ઘણા લોકો મહિલાનું એ પ્રથમ દૂધ બાળકને પીવડાવતા નથી, પંપ કરીને ફેંકી દે છે.

વાસ્તવમાં બાળકને એ દૂધની ખાસ જરૂર હોય છે. જન્મ પછી તરત એને જે પોષણ જોઈએ એ કુદરતે ખાસ એ દૂધમાં મૂક્યું હોય છે એટલે નવજાત બાળકના જન્મ પછી જન્મના એક કલાકની અંદર, માતાનું ઘાટું, પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) બાળકને આપવું જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. માતાનું પ્રથમ દૂધ જરૂરી એટલા માટે પણ છે કે તે બાળકને તાત્કાલિક જરૂરી પોષણ આપવાની સાથેસાથે તેના પાચનતંત્રને પણ તૈયાર કરે છે. હવે પછી આવનારા કેટલાક દિવસોમાં બાળકને એની માતા તરફથી જે પરિપક્વ દૂધ મળવાનું છે એને પચાવવાની જરૂરી ગોઠવણ પાચનતંત્રમાં ગોઠવાય છે. રસાયણની રીતે જોઈએ તો માતાનું પ્રથમ દૂધ ધાતુ (ઝિન્ક), કેલ્શિયમ તથા વિટામિન્સ જેવા પોષણથી ભરપૂર હોય છે એટલે તેણે જન્મની પ્રક્રિયામાં કરેલા શ્રમની ભરપાઈ થઈ શકે.

છ મહિના સુધી કોઈ ખોરાક ન આપો 

જન્મ બાદના પ્રથમ છ મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ આપવું જોઈએ બીજું કશું જ નહીં, પાણી પણ નહીં. બાળકને બીજા કોઈ પદાર્થની જરૂર હોતી નથી અને બીજું કશું પાચન કરવા માટે એનું પાચનતંત્ર તૈયાર પણ હોતું નથી. છ મહિના માટે માત્ર સ્તનપાન કરાવવાથી બાળકને નાની ઉંમરે થનાર ડાયેરિયા તથા ન્યૂમોનિયા જેવી સામાન્ય બીમારીઓથી રક્ષણ મળે છે. માતાના દૂધ ઉપર જ રહેવાથી એનું રોગપ્રતિકાર તંત્ર એટલું મજબૂત થઈ ગયું હોય છે કે શરદી જેવો સામાન્ય રોગ માનો કે ચેપ લાગી જાય તો બાળક એ રોગ ઉપર સરળતાથી વિજય મેળવી લે છે. તેની શરદી વહેલી મટી જાય છે. તેને કોઈ દવાની જરૂર પડતી નથી. અન્ય બીમારી દરમિયાન પણ ઝડપી સુધારો લાવવામાં મદદ કરે છે. સરવાળે બાળકને કોઈ રોગ નબળો પાડી શકતો નથી અને બાળમરણની શક્યતા ઘટી જાય છે. માત્ર માતાનું દૂધ જ પીવડાવવાના કારણે!

સાતમા મહિનાથી પૂરક આહાર જરૂરી 

સાતમા મહિનાથી શિશુની પોષણની જરૂરિયાતોને પૂરી કરવા માતાનું દૂધ પૂરતું રહેતું નથી. હવે બાળકને માતાના દૂધ સાથે જુદું-જુદું ભોજન પણ થોડુંથોડું આપતા રહીને તેને મળતા પોષણને સંતુલિત કરો. તેને વધારાના ખોરાક તરીકે તાજાં ફળનો તાજો રસ, મરીમસાલા વગરની દાળ, ક્રશ કરેલાં સફરજન, શક્કરિયાં, બટાકા, ટામેટાં વગેરે આપી શકાય. તેને ક્રશ કરતાં પહેલાં ત્રણ-ચાર વખત સાદા પાણી વડે ધોઈ લેવું.

આવો પૂરક આહાર દિવસમાં ચારેક વખત નિયમિત આપવાનું રાખો. સાથે જ સ્તનપાન પણ ચાલુ રાખવું. એમ કરવાથી બાળકનો સુગઠિત વિકાસ થાય છે. છઠ્ઠા મહિના બાદ બાળકને દિવસમાં ઓછામાં ઓછા ૩થી ૪ વખત ખવડાવવું જોઈએ અને સ્તનપાન કરાવવાનું પણ ભૂલતા નહીં.

પૂરક આહારમાં આ પણ આપી શકાય 

પૂરક આહાર તરીકે બહુ તીવ્ર ન હોય એવાં શાકભાજીનો સૂપ પણ આપી શકાય. પૂરક આહાર સામાન્ય રીતે એક ટંકમાં બે-ચાર ચમચીથી વધારે ન આપવો જોઈએ. જેમ ઉંમર વધે એમએમ ચમચીનું પ્રમાણ વધારી શકાય. ઘણાં માતા-પિતા છ-આઠ મહિનાના બાળકને બિસ્કિટ ખવડાવે છે, પરંતુ બિસ્કિટ મોટેભાગે મેંદાનાં બનેલાં હોય છે અને બેકરીમાં પકવેલા હોય છે. તેને પચાવવાની ક્ષમતા હજી બાળકના પાચનતંત્રએ કેળવી નથી હોતી. માટે બને ત્યાં સુધી બાળક એક વર્ષ ઉપરનું ન થઈ જાય ત્યાં સુધી તેને નક્કર આહાર બિલકુલ ન આપવો જોઈએ.

(તસવીર પ્રતીકાત્મક છે)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન