Health the basic nutrients of Indian cuisine
  • Home
  • Featured
  • જાણી લઈએ, ભારતીય ભોજનનાં મૂળભૂત પોષકતત્વો

જાણી લઈએ, ભારતીય ભોજનનાં મૂળભૂત પોષકતત્વો

 | 8:13 am IST

ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર

ચાલો, પ્રામાણિકપણે જણાવો. ભારતીય ભોજન વિશે વિચાર કરતી વખતે તમારા મનમાં સૌથી પહેલી વાત શું આવી ? તીખું, મસાલેદાર, તૈલી, ભારે, ચરબીયુક્ત, રાંધવામાં અઘરું અને સમય આપવો પડે તેવું, કંઈક એવું કે જેમાં ગરમ મસાલા અને ખાંડ હોય અને મહદ્ અંશે તળવાની રીતોથી બનતું? તમે આમાંનું કંઈ પણ કહી શકો છો. ભારતીય ભોજન જોકે ખૂબ વિખ્યાત હોવા છતાં ઘણું વગોવાયેલું છે. કેટલાક કિસ્સાઓ ભારતીય ભોજનની અખિલતા સમજવા માટે અને તેને નમૂનારૂપ ગણવા માટે પૂરતા નથી. આ ભોજન હજારો વર્ષોની ઉત્ક્રાંતિ અને મેળવણીનું ભવ્ય પરિણામ છે. ભારતની અન્ય ચીજોની માફ્ક ભારતીય ભોજનમાં પણ વિભિન્ન સંસ્કૃતિઓની અસર અથવા છાંટ જોવા મળે છે, પરંતુ તેમ છતાં તે ચીજોને પોતાની આગવી રીતે જુદું રાખવા સમર્થ બન્યું છે.

તે વિશિષ્ટ,આરોગ્યવર્ધક, પૌષ્ટિક અને કેટલીક વાર અઘરું લાગે છે, પરંતુ હંમેશાં સ્વાદિષ્ટ તો છે જ. ભારત તેના વિવિધ મસાલેદાર અને સ્વાદિષ્ટ ખોરાક માટે પ્રચલિત છે. તે માત્ર તેના સ્વાદ માટે જ નહીં બલકે તેની સુગંધ માટે પણ અદ્વિતીય છે. તમારા ઘરમાંથી તમે જાણી શકો છો કે તમારા પાડોશીના ઘરમાં શુ રંધાય છે, ફ્ક્ત તે વાનગીની સોડમ વડે. તેનું કારણ છે દરેક વાનગીમાં થતો વિશિષ્ટ મસાલાનો ઉપયોગ. મોટાભાગનાં ભારતીય ઘરોમાં આખા વર્ષ માટે મસાલા ભરવામાં આવે છે, મુખ્યત્વે રાઈ,હળદર, તજ, ઈલાયચી, લવિંગ, જીરું, તમાલપત્ર, આમલી, કોકમ, આખાં લાલ મરચાં, મેથી અને આખા ધાણા, લસણ, આદું, મીઠો લીમડો, કોપરું અને બીજી ઘણી સામગ્રી તાજી જ વાપરવામાં આવે છે. દેશના દરેક રાજ્યની મસાલાની મેળવણીની આગવી રીત હોય છે જેને ‘ગરમ મસાલો’ કહેવામાં આવે છે, જે રોજની વાનગીમાં વપરાય છે. આખા દેશમાં તમને ઉપર જણાવેલા મસાલાનું અલગઅલગ મિશ્રણ જોવા મળશે. જેમ કે, મહારાષ્ટ્રીયન વ્યંજનો માટે ગોડા મસાલો, દક્ષિણ ભારતીય વાનગી માટે સંભાર મસાલો, હૈદરાબાદી સ્વાદ માટે બિરયાની મસાલો, પંજાબી વાનગી માટે છોલે મસાલો, વગેરે વગેરે.

રસોઈનું બીજું મહત્ત્વનું અંગ છે રાંધવાનું માધ્યમ, જે બધી જ વાનગીઓને વિશિષ્ટ સ્વાદ બક્ષે છે. તેલ અથવા ઘી જ પહેલી વસ્તુ હોય છે કે જે વાસણમાં રેડવામાં આવે અને સરસ વાનગી બનાવવામાં તે જરૂરી છે. તેલના ઉપયોગમાં જુદાં જુદાં રાજ્યોમાં પણ તેના પ્રાંત, સંસ્કૃતિ અને આબોહવા અનુસાર ફેરફર હોય છે. ઉત્તર ભારતમાં દા.ત રાઈનું તેલ પ્રચલિત છે, જ્યારે સીંગતેલ અને સૂરજમુખીનું તેલ પિૃમ ભારતની રોજની રસોઈમાં વપરાય છે.

પૂર્વ ભારતના ભોજનમાં તલનું તેલ સ્વાદ-સોડમ આપે છે, જ્યારે દક્ષિણ ભારતમાં રસોઈનું સામાન્ય માધ્યમ નારિયેળનું તેલ છે. કેટલીક વાનગીઓમાં ઘીની માંગ રહે છે, ખાસ કરીને શીરો અને જુદાજુદા પ્રકારના લાડુ માટે. ‘ડાલડા’ તરીકે જાણીતું હાઈડ્રોજનેટેડ વેજિટેબલ તેલ, એક અન્ય પ્રચલિત માધ્યમ છે. જોકે તે પોતાની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તેની આરોગ્ય પર ખરાબ અસરો થાય છે. દૂધ અને દૂધની બનાવટો, જેવી કે દહીં, છાશ, મલાઈ, ચીઝ અને પનીર આખા ભારતમાં મોટા પાયે વપરાય છે. દૂધ, મલાઈ અને કેટલીક વાર દહીં પણ શાકની ગ્રેવીમાં, ચોખાની વાનગીઓમાં અને મીઠાઈઓમાં વપરાય છે.

જુદાંજુદાં ભારતીય ભોજનનાં મુખ્ય અંગ છે અનાજ, જેવાં કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, રાગી અને કઠોળ જેવાં કે રાજમા, છોલે, મગ, મઠ, ચોળા, તુવેર, અને શાક, ફ્ળ, સૂકા મેવા અને તેલીબિયાં. ભારતીય આહારની બહોળી વિવિધતા છે કે પ્રાંત સંસ્કૃતિ, આબોહવા અને ભૌગોલિક સ્થાનની અસર હેઠળ જોવા મળે છે. ભારતીય ખાણાનાં સ્વાદ રંગ, સ્વરૂપ, અને રાંધવાની રીતો, તમે જે પ્રાંતમાં હોવ તે મુજબ બદલાતાં રહે છે, પરંતુ મુખ્ય ઘટકો તો લગભગ સરખા જ રહે છે. અનાજ, કઠોળ, ફ્ળો, શાક, મસાલા, ચરબી, સૂકા મેવા અને તેલીબિયાં. ભારતીય આહાર હજારો વર્ષોમાં વિકાસ પામ્યો છે અને તે પ્રતીક છે તે બાબતનું કે ભારતીય સંસ્કૃતિમાં અન્ય દેશોના પ્રભાવને ગ્રહણ કરવાની અને સાથેસાથે પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાની ક્ષમતા છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન