There are so many benefits of living and beautifying water
  • Home
  • Featured
  • જીવનદાયક અને સૌંદર્યવર્ધક પાણીના છે આટલા બધા ફાયદા

જીવનદાયક અને સૌંદર્યવર્ધક પાણીના છે આટલા બધા ફાયદા

 | 11:31 am IST

હેલ્થ ટોક । મમતા પંડયા

વિશ્વનું શ્રેષ્ઠ સૌંદર્યવર્ધક સાધન કયું છે. તે શું તમે જાણો છો ? આ સાધનનું નામ જળ છે. નળમાંથી વહેતું પાણી કેટલું ઉપયોગી છે તે જાણવા માટે તેમાના તત્ત્વોને જાણવા જરૂરી છે. નરમ પાણી સખત પાણી ક્ષારવાળું પાણી, મીઠું પાણી દરેક પ્રકારના પાણીમાં વિભિન્ન પ્રકારના ક્ષારતત્ત્વો અને રસાયણો હોય છે. જે આપણી ત્વચા અને શરીર પર વિભિન્ન પ્રકારની અસરો કરે છે.

નરમ પાણી (સોફ્ટ-વોટર) : નરમ પાણીમાં નજીવા પ્રમાણમાં ખનિજ તત્ત્વો હોય છે. ત્વચાને ધોવા માટે આવું પાણી ઉપયોગી છે. નરમ પાણીમાં સારું ફીણ થતું હોવાથી સારી સ્વચ્છતા મળે છે.

ખારું પાણી : સોડિયમ અને પોટેશ્યિમ ક્લોરાઈડ નામના બે સંયોજનો ધરાવતું ખારું પાણી લાલાશ અને ત્વચાની નાની તકલીફોમાં રાહત આપે છે. સમુદ્રના ખારા પાણીથી હાનિકારક તત્ત્વો ધોવાઈ જાય છે. ખારું પાણી ત્વચાના કોષોની વૃદ્ધિમાં ઉપયોગી છે.

પહાડી કે ઝરણાનું પાણી : બળતરા કે ખંજવાળવાળી ત્વચા પર આવા પાણીથી રાહત મળે છે. તે લાલાશ તેમજ બળતરાને શાંત કરે છે. આ પાણીને ત્વચા પર છાંટીને તેમ જ તેને પીને આ લાભ મેળવી શકાય છે.

સખત પાણી : સખત પાણી અને તેમાં રહેલા લોહ અને જસત જેવા તત્ત્વો કોષોના બંધારણને હાનિ પહોંચાડીને સૂકાપણું લાવે છે.

સુંદર ત્વચા મેળવવા નીચે દર્શાવેલી, ‘સ્પા’માં પ્રયોજાતી પાણીની સારવાર કરો.

  • શાવરમાં તમારા શરીરને ભીનું કરો. ત્યાર બાદ કુદરતી સમુદ્રી લવણ અને શાવર જેલને સમાન ભાગે મિક્સ કરો. આ મિશ્રણને આખા શરીર પર ઘસો. ખરબચડા ભાગો પર વધારે ધ્યાન આપો. મીઠું એક્સફોલિયેટરનું કામ કરે છે. ત્વચાના મૃતકોષો દૂર થવાને કારણે મોઇશ્ચરાઈઝર અંદર સુધી ઊતરે છે. મિશ્રણ ઘસ્યા બાદ શરીરને સારી રીતે ધોઈ લો. ઉનાળામાં નહાતા પહેલાં પાણીમાં થોડાં તેલના ટીપાં નાંખો. નાહ્યા બાદ મોઇશ્ચરાઈઝર લગાવો.
  • પાંચ ગ્રામ સુખડનું ચૂર્ણ ૧ ચમચી ચાઈના કલે (તેમાં કેઓલિન સારા પ્રમાણમાં હોય છે) લઈને તેને ઠંડા દૂધણાં મિક્સ કરો. આ મિશ્રણને ચેરા પર લગાવીને દસથી પંદર મિનિટ સુધી રાખો. ઠંડા દૂધનું પોતું થપથપાવો પછી બરફ જેવા ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. રોજના ક્લીન્ઝિંગ ટોનિંગમાં ગુલાબ જળનો ઉપયોગ કરો. ચહેરાની ત્વચાને ભીનાશ આપવા એક ચમચી મધથી માલિશ કરો. પછી ધોઈ લો.
  • સ્નાનના પાણીમાં ૪૦૦ મિ.લી. જેટલું ઓર્ગેનિક નાળિયેર-પાણી ઉમેરો. તેમાં દસથી પંદર મિનિટ સુધી બેસો. થપથપાવીને લૂછી લો. ઓર્ગેનિક નાળિયેર-પાણીમાં ત્વચાને નરમ બનાવતી ચરબી હોય છે. સ્નાન કર્યા બાદ ત્વચા થોડી ભીની હોય ત્યારે જ ક્રીમ લગાવી દો.

સ્નાન કરવાની યોગ્ય રીત

  • ગરમ પાણીથી સ્નાન કર્યા બાદ એક્સફોલિયેટ કરવા માટે નરમ બોડી સ્ક્રબનો ઉપયોગ કરો. સી-સોલ્ટ-સ્ક્રબ આ પ્રકારનો સ્ક્રબ છે. તે વાપરવાથી ત્વચામાંના હાનિકારક તત્ત્વો નીકળી જાય છે.
  • લૂફાનો ઉપયોગ કરો તે વાપરવાથી ત્વચા મોઇશ્ચરાઈઝ થાય છે અને શરીરમાં રક્ત-પરિભ્રમણ સુધરે છે. લૂફાની અસર એક્યુપ્રેશર જેવી હોય છે.
  • ત્વચા પરના વાળ કાઢયા બાદ તરત ક્યારેય ગરમ પાણીનો ઉપયોગ ના કરશો. ધોવા માટે હૂંફાળું પાણી વાપરો અને ઠંડા પાણીના ભીના પોતાથી ત્વચાને લૂછી લો. તેનાથી ખુલ્લાં છિદ્રો બંધ થઈ જશે.
  • બરછટ વાળમાં હેર-કંડિશનર વાપરવું જરૂરી છે. કંડિશનર વાળ માટે હોય છે. તેથી તેને માથાની ત્વચા પર ના લગાવશો. વાળના મૂળથી છેડા સુધી કંડિશનર લગાવો. વાળમાં આંગળા ફેરવી દો અથવા કાંસકો ફેરવી દો. ત્રણ-ચાર મિનિટ બાદ વાળને ધોઈ લો.

ન્હાવાના પાણીનું ઉષ્ણતામાન : દરેક ચિકિત્સામાં પાણીનું તાપમાન ભિન્ન હોય છે. કયા પ્રકારનું તાપમાન કયા હેતુ માટે ઉપયોગી છે તે જોઈએ.

અત્યંત શીત (આઈસકોલ્ડ) : ખૂલી ગયેલા છિદ્રોને બંધ કરવામાં આ પ્રકારનું પાણી ઉપયોગી છે. સ્ટીમ કે માલિશ લીધા બાદ બરફ જેવા ઠંડા પાણીના પોતા મૂકવા જરૂરી છે.

ઠંડું પાણી (કોલ્ડ) : વાળ ધોયા બાદ ચહેરો ધોયા બાદ ઠંડું પાણી રેડવું જરૂરી છે. તેનાથી છિદ્રો નાના બને છે. લાલાશ ઓછી કરવા માટે ઠંડું પાણી જરૂરી છે. તે રક્તવાહિનીઓને સંકોચે છે. જેથી રક્તપ્રવાહ થોડો ધીમો પડે છે.

કોકરવરણું પાણી (ટેપિડ-વોટર) : બધી જ ઋતુઓમાં આ પ્રકારનું પાણી વાપરી શકાય છે. વાળ ધોવા માટે પણ આ પાણી યોગ્ય છે. તેનાથી વાળના ક્યુટિકલ્સ બંધ થઈને વાળ લીસાં અને ચમકતા બને છે.

હુંફાળું (વોર્મ કે લ્યુક્વોર્મ) : હૂંફાળા પાણીનું સ્નાન સારું છે. વધારે પડતું ગરમ પાણી ત્વચાને રક્ષતા આવરણનો નાશ કરે છે.

ગરમ પાણી (હોટ વોટર) : ત્વચાને ઊંડાણથી સાફ કરવામાં ઉપયોગી છે. શેવિંગ પહેલાં વાળને નરમ બનાવવા ત્વચા પર ગરમ પાણી લગાવો.

જો તમે પૂરતું પાણી પીતાં હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. જો તમારો પેશાબ ઓછા પીળો હોય તો તેનો અર્થ એ કે તમે પૂરતું પાણી પીઓ છો. શરીરને અંદર તેમ જ બહારથી સ્વચ્છ કરનાર પાણી સાચે જ ત્વચાનું અમૃત છે. પૂરતા પાણીનું સેવન ત્વચાને નરમ રાખે છે. ત્વચાની ભીનાશ જાળવે છે અને કરચલી-રેખાઓને દૂર રાખે છે. ત્વચાના કોષોને પાણી આપવા માટે ફળો અને શાકભાજી ખાઓ. તેમાના એન્ટિ-ઓક્સિડન્ટ્સ ત્વચાને ભીની અને નરમ રાખવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન