તંદુરસ્ત બાળક માટે સફળ પ્રસૂતિ - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • તંદુરસ્ત બાળક માટે સફળ પ્રસૂતિ

તંદુરસ્ત બાળક માટે સફળ પ્રસૂતિ

 | 1:13 am IST

બાળઉછેરઃ ડૉ. હર્ષદ કામદાર

પ્રસૂતિ માટેની જગ્યા કઈ રીતે પસંદ કરવી જોઈએ?, હોસ્પિટલ કે ઘેર? કોના દ્વારા કરાવવી?, સામાન્ય રીતે દૂરના ગામડાંની બહેનોને આ પ્રશ્ન મૂંઝવતો હોય છે.

નીચે મુજબ જણાવેલ સંજોગોમાં હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાનું જરૂરી છેઃ

પ્રથમ સુવાવડ.

નવ મહિના કરતાં વહેલી સુવાવડ થવાની સંભાવના હોય.

માતાનું વજન શરૂ કરતાં ઓછું વધ્યું હોય અથવા ગર્ભમાંનું બાળક નબળું લાગતું હોય.

નવ મહિના દરમિયાન ક્યારેક રક્તસ્ત્રાવ થયો હોય.

બાળક ઓછું ફરક્તું હોય.

વારંવાર કસુવાવડ કે અધૂરા મહિને સુવાવડ થઈ જતી હોય.

બાળક આડું હોય કે ઊંધું હોય.

બાળક ગર્ભમાં મૃત્યુ પામેલું હોય.

પ્રસૂતિનું દર્દ શરૂ થતાં પહેલાં ગર્ભજળ (પાણી) પડવાનું શરૂ થઈ ગયું હોય.

અગાઉની ડિલિવરી, પેટ પર ચીરો (સિઝેરીયન ઓપરેશન) કરીને કરવામાં આવેલી હોય તો, ત્યાર પછીની બધી ડિલિવરીઓ હોસ્પિટલમાં કરાવવી જરૂરી છે.

શરીર પર ખૂબ સોજા થઈ જાય, ફિકાશ વધારે હોય, શ્વાસ ચડતો હોય, અસહ્ય માથાનો દુખાવો થાય, આંખે ઝાંખપ આવે, કમળો થયો હોય વગેરે.

પ્રસૂતિ ઘરે કરાવતી વખતે શી તકેદારીઓ જરૂરી છે?

પ્રસૂતિ કરાવનાર બહેને દાયણની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ.

પ્રસૂતિ માટે મમતા કીટમાં હાથમાં પહેરવાના મોજા, એક નવી બ્લેડ, ચોખ્ખો કરેલો નાડ પર બાંધવાનો દોરો, રૂ વગેરે હોય છે જે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળે છે.

પ્રસૂતિ દરમિયાન વપરાતાં સાધનો જીવાણુ જંતુમુક્ત કરવાના હોય છે.

પ્રસૂતિ પહેલાં અને બાદમાં નવશેકા પાણીમાં ડેટોલ નાખીને બાહ્ય પ્રજનન અંગો સાફ કરવામાં આવે છે.

નાડ કાપવા માટે નવી બ્લેડનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો તે ન હોય તો ગરમ પાણીમાં ઉકાળેલી છરી કે કાતર વાપરી શકાય. કાટ ખાધેલા કે માટીવાળું દાતરડું કે છરી ન જ વાપરવાં.

બાળકની નાડ બાંધવા માટે ચોખ્ખો દોરો હોવો જરૂરી છે.

જો ઉપરની તકેદારીઓ ન રાખવામાં આવે તો બાળક અથવા માતાને ધનુરવા થવાની શક્યતા રહે છે.

બાળકના જન્મ પછી ઓળ બહાર આવી ગયા બાદ ગર્ભાશયને હળવા હાથે મસાજ કરવી જોઈએ. જેથી તેની અંદરનો બગાડ બહાર નીકળી જાય અને તેની સંકોચવાની પ્રક્રિયાને વેગ મળે.

પ્રસૂતિ બાદ યોનિમાર્ગ ડેટોલવાળા નવશેકા ગરમ પાણીથી સાફ કરીને, ચોખ્ખા કપડાંમાં વચ્ચે રૂ મૂકીને તેનું પેડ જેવું બનાવીને આપવાથી પ્રસૂતિ પછીના વધુ રક્તસ્ત્રાવને તેમાં સમાવી શકાય છે. શરૂઆતમાં રોજ ત્રણથી ચાર પેડ બદલવાં પડે છે જે સામાન્ય છે. જો આના કરતાં પણ વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થાય તો ડોકટરી સલાહની જરૂર પડે છે. (ક્રમશઃ)