સ્વસ્થ રહેવું હોય તો સુખ મેળવતા રહો - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સ્વસ્થ રહેવું હોય તો સુખ મેળવતા રહો

સ્વસ્થ રહેવું હોય તો સુખ મેળવતા રહો

 | 3:17 am IST

કન્ટેમ્પરરીઃ એમ .એ.ખાન

આ યુગને ફિટનેસનો યુગ કહીએ તો ખોટું નથી. જેને જુઓ તેને એકવડા થવું છે, ફિટ થવું છે, ખડતલ બનવું છે. એ માટે એ પોતાની દોડધામભરી જિંદગીમાંથી ખાસ સમય કાઢીને નિયમિત કસરત કરે છે. જિમ જાય છે અથવા કસરતના સાધનો ઘરમાં વસાવી લે છે. ખોરાકના નિષ્ણાત (ડાયેટ્રિશયન) પાસેથી પોતે કયો કયો ખોરાક કેટલો ખાવો જોઈએ. કઈ કઈ વાનગીઓ બિલકુલ ન ખાવી જોઈએ એનું લિસ્ટ બનાવડાવી લે છે અને પછી તેને ચોક્સાઈથી ફોલો કરે છે. આ બધાનું ચુસ્ત રીતે પાલન કરવા છતાં લોકો કાયમી ફિટનેસ મેળવી શકતા નથી. નાની નાની વાતે એમને શરીરના અંગ જકડાઈ જાય છે, જરાક સીઝન બદલાય તો માંદા પડી જવાય છે, શરદી તો જાણે બારેય મહિના રહે છે.

નિષ્ણાતોને પણ આ વાતની નવાઈ લાગે છે, વ્યસનો છોડી દીધા હોય, આડું-અવળું ખાવાનું છોડી દીધું હોય, નિયમિત કસરત થતી હોય, ઊંઘવાના અને સવારે જાગવાના સમયમાં ચોક્સાઈ લાવી દીધી હોય તો પછી વ્યક્તિનું આરોગ્ય ટકોરાબંધ થઈ જવું જોઈએ. એના નખમાંય રોગ પ્રવેશ કરી જ ન શકે. એને બદલે એ નાની નાની વાતે રોગમાં કેમ સપડાઈ જાય છે. એનું શરીર ખડતલ દેખાતું હોવા છતાં નાનકડી વાતેય ખોટકાઈ કેમ જાય છે?

મેડિકલ પ્રેક્ટિસ કરનાર તબીબોને જુદા પ્રકારનું આૃર્ય થતું હતું. એક માણસને કોઈ રોગના લક્ષણ દેખાયા પછી એને કોઈ દવા આપવાથી એ તરત સાજો થઈ જાય અને બીજા માણસમાં એવા જ રોગના લક્ષણો દેખાય અને તેની રહેણીકરણી વગેરે બધું સરખું હોય છતાં એને એ જ દવા આપવાથી એ માણસ તરત સાજો નથી થતો! આવું કેમ? એમાં બાલ કી ખાલ ઉતારની… કહેવત મુજબ ખુબ ઝીણું ઝીણું કાંતિને તપાસકરી તો જાણવા મળ્યું કે માણસે માણસે શરીરની પ્રકૃતિ જુદી હોવાથી આવું થાય છે. પરંતુ એકસરખી પ્રકૃતિના માણસો પર પ્રયોગ કર્યા તો એમાંય ઘણાને તરત રોગ મટી જતો હતો અને ઘણાને અઠવાડિયાઓ નીકળી જતા હતા. ત્યાર પછી આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે જે દર્દીને ડોક્ટર પર શ્રદ્ધા હોય તેને ઝડપથી રોગ મટતો હતો અને જેને શ્રદ્ધા ઓછી હોય તેને રોગ મટવામાં વધારે સમય લાગતો હતો. શ્રદ્ધા જેટલી ઓછી એટલો રોગ મટવામાં વધારે સમય લાગે! એકસરખી શ્રદ્ધા ધરાવતા દર્દીઓમાં પણ બધાને તરત રોગ મટતો નહોતો. એ તથ્યમાંથી એક હકીકત ધ્યાનમાં આવી કે રોગ મટાડવામાં મનની સ્થિતિ ખુબ મહત્ત્વની ભુમિકા ભજવે છે.

તરત જ આ વિષય પર પ્રયોગો આરંભાયા અને એમાં સાચું કારણ બહાર આવ્યું. જે દર્દીઓ આનંદમાં રહેતા હતા એ દર્દીઓ વહેલા સાજા થતા હતા. જ્યારે આ હકીકત ફિટનેસ માટે કામ કરનાર ટ્રેનરો અને ડાયેટિશિયનોના ધ્યાનમાં આવી તો એક નવું જ વિજ્ઞાાન વિકસ્યું. આનંદ એટલે કે ખુશી એટલે કે સુખ શરીરને નીરોગી અને ફિટ તથા ખડતલ રાખવામાં અનિવાર્ય છે. જે લોકો આનંદી સ્વભાવના છે એ લોકોના શરીરમાં લોહીનું દબાણ હંમેશાં મર્યાદામાં રહે છે. આનંદના કારણે ડોપામાઈન રસાયણ લોહીમાં ઝરે છે. એના કારણે લોહીનું દબાણ મર્યાદામાં જ રહે છે. એટલે કે એમના હૃદયના ધબકારા ધીમા રહે છે. લોહીનું દબાણ સતત એકધારૃં અને મર્યાદામાં રહેવાથી એમની ઊંઘમાં ખલેલ પડતી નથી. એક જ ઊંઘમાં સવાર પડી જાય છે. રાત્રે આંખ મળી નથી કે સીધી સવારના જ આંખ ઊઘડે છે. પુરતી ગાઢ ઊંઘ આનંદમાં વધારો કરે છે. એના પરિણામે વ્યક્તિનું વજન વધતું નથી, ટાઈપ ટુ ડાયાબીટીશ થવાનું જોખમ સર્જાતંુ નથી. હાઈ બીપી કરનાર કર્ટિસોલ હોર્મોન લોહીમાં વધતું જ નથી. એટલે રક્તનળીઓમાં અને હૃદયમાં અડચણ ઊભી કરનાર પ્લાઝમાના જથ્થા જામતા જ નથી.

આવા લોકોને શરદી-સળેખમ પણ થતા નથી. શરદીના વાયરસ શરીરમાં પ્રવેશે તો પણ શરીરનું રોગપ્રતિકાર તંત્ર એમને મારી ભગાવે છે. કારણ કે આનંદમાં રહેવાથી વ્યક્તિમાં આશાવાદ જન્મે છે આશાવાદના કારણે વ્યક્તિનું રોગપ્રતિકાર તંત્ર અને હૃદય વધુમાં વધુ કાર્યક્ષમ બને છે. ફિટનેસ અને આનંદ વ્યક્તિને સતત કાર્યશીલ રાખે છે. વ્યક્તિને થાક વર્તાતો નથી. એ આખો દિવસ ઉત્સાહથી કામ કરી શકે છે. દરેક વાતે સામેવાળાનો વિચાર કરે છે અને નિયમ તથા કાયદાનું પાલન કરવા પ્રેરાય છે. જરાય હતાશા કે પલાયનવાદનો અનુભવ થતો નથી એટલે કોઈ જાતના વ્યસનમાં સપડાતા નથી. આખો દિવસ આનંદ જળવાઈ રહેતો હોવાથી એ લોકો પોતાના પરિવારના લોકો તથા દોસ્તો સાથે સમય પસાર કરવા પ્રેરાય છે. દોસ્તોમાં કે પરિવારમાં બેસે તો ઉત્સાહજનક વાતો કરીને બધાને ખુશ કરી દે છે. એટલે લોકો એમને આવકારવા લાગે છે. બધાનો આવકાર મળતાં વ્યક્તિ વધારે આનંદ અને ઉત્સાહ અનુભવે છે. એના કારણે એમને આસપાસના લોકોની મદદ કરવાની ઈચ્છા જાગે છે. મદદ કરવાથી સામેવાળાને આનંદ મળે તો એમને સારૃં લાગે છે. એમનો આનંદ વધે છે. એમને સુખનો અનુભવ થાય છે. એમના વિશ્વાસપાત્ર દોસ્તો, ઓળખિતા અને સંબંધીઓનું વર્તુળ મોટું થતું જાય છે.

બધાનું શક્ય એટલું મનોરંજન કરો, અન્ય લોકોનું દુખ-દર્દ સમજો, એમને ઉત્સાહ આપો તો તમારી લોકચાહના વધશે અને એનાથી તમને અપાર સુખનો અનુભવ થશે. બસ, સ્વસ્થ અને ફિટ જીવનની આજ ગુરૂચાવી છે જે વિજ્ઞાાનીઓએ લેટેસ્ટ સંશોધનો પછી શોધી લીધી છે. ગુરૂચાવી લાગુ કરવાનો ગુરૂમંત્ર છે, હરીફાઈમાંથી બહાર નીકળી જાઓ અને પછી એજ કામ નિરાંતે કરતા રહો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન