હૃદયના દવાવાળા સ્ટેન્ટનો ભાવ ઘટાડીને રૂ. ૨૮,૦૦૦ કરાયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • હૃદયના દવાવાળા સ્ટેન્ટનો ભાવ ઘટાડીને રૂ. ૨૮,૦૦૦ કરાયો

હૃદયના દવાવાળા સ્ટેન્ટનો ભાવ ઘટાડીને રૂ. ૨૮,૦૦૦ કરાયો

 | 4:56 am IST

નવી દિલ્હી :

દવાઓના ભાવ નક્કી કરતી નેશનલ ફાર્માસ્યૂટિકલ ઓથોરિટી (NPPA) દ્વારા દવાવાળા સ્ટેન્ટનાં ભાવ ઘટાડીને રૂ.૨૮,૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આને કારણે હ્યદય રોગની સારવાર હવે વધારે સસ્તી થશે. NPPA દ્વારા ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા અન્ય મેડિકલ સાધનો જેવા કે કેથેટર, બલૂન અને ગાઈડ વાયરની કિંમત અંગે પણ માર્ગરેખાઓ નક્કી કરવામાં આવી છે. NPPA દ્વારા સોમવારે ડ્રગ એલુથિંગ સ્ટેન્ટ (DES)નાં ભાવમાં વધુ રૂ.૨,૩૦૦નો ઘટાડો કરાયો હતો. આમ સ્ટેન્ટની નવી કિંમત હવે રૂ.૨૮,૦૦૦ કરતા પણ ઓછી થઈ ગઈ છે. જો કે બેર મેટલ સ્ટેન્ટનાં ભાવમાં રૂ.૨૬૦નો વધારો કરાયો છે આથી તેની કિંમત રૂ.૭,૪૦૦થી વધીને રૂ.૭,૬૬૦ થઈ ગઈ છે. એનપીપીએ દ્વારા નક્કી કરાયેલા સ્ટેન્ટનાં ભાવમાં જીએસટીનો સમાવેશ કરાયો નથી. તેના પર અલગથી જીએસટી લાગશે. ભારતમાં હાર્ટનાં રોગોની સારવારમાં ૯૫ ટકા ડ્રગ એલુથિંગ સ્ટેન્ટનો વપરાશ થાય છે. ભાવમાં ઘટાડા પછી હાર્ટનાં દર્દીઓને ઘણી રાહત મળશે .

બિલમાં અન્ય ઈક્વિપમેન્ટનાં ભાવ લખવા પડશે

હોસ્પિટલમાં હાર્ટનાં ઓપરેશન તેમજ એન્જિયોપ્લાસ્ટી માટે ઉપયોગમાં લેવાતા કેથેટર, બલૂન અને ગાઈડ વાયરની વાજબી કિંમત કરતા વધારે ભાવ લેવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો પછી બિલમાં તેનાં ભાવ લખવાનું નક્કી કરાયું છે. આવા મેડિકલ સાધનોની આયાત પડતર કરતા ડોક્ટરો અને હોસ્પિટલો ૧૫૦થી ૪૦૦ ટકા નફો વસૂલતા હોવાનું જાણવા મળ્યું છે. આથી આવા સાધનો પર ૫ ટકા જીએસટી સાથે કેથેટર, બલૂન અને ગાઈડ વાયરના ભાવ અલગથી લખવા નક્કી કરાયું છે.

;