હાર્દિકના સમર્થનમાં પાટીદાર યુવાનો ઉપવાસમાં જોડાયા - Sandesh
  • Home
  • Mehsana
  • હાર્દિકના સમર્થનમાં પાટીદાર યુવાનો ઉપવાસમાં જોડાયા

હાર્દિકના સમર્થનમાં પાટીદાર યુવાનો ઉપવાસમાં જોડાયા

 | 12:51 am IST

। મહેસાણા, વિજાપુર, ઊંઝા, ખેરાલુ,વિસનગર ।

પાટીદાર અનામત અને ખેડૂતોનાં દેવાં માફીનાં મુદ્દે આઠ દિવસથી આમરણાંત અનશન ઉપર ઉતરેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં ઠેર-ઠેર પાટીદારો જોડાઈ રહ્યા છે. અનામતની માગણી સાથે છેલ્લા સપ્તાહથી અમદાવાદ ખાતે ઉપવાસ કરી રહેલા પાસના નેતા હાર્દિક પટેલના સમર્થનમાં વિજાપુર તાલુકાના પીરોજપુરા ગામના યુવાનો પણ શનિવારના રોજ એક દિવસ માટે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસમાં જોડાયેલા યુવાનોમાં વિશાલ પાટીદાર, જીગો પાટીદાર અને ઉત્સવ પાટીદારે એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને હાર્દિકને સમર્થન આપ્યુ હતુ. જ્યારે મોતીપુરા ગામના યુવાનો દ્વારા ગતરાતે હાર્દિકના સમર્થનમાં રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો. બંને ગામમાં પ્રતિક ઉપવાસ અને રામધૂના કાર્યક્મમાં મહિલાઓ પણ જોડાઈ હતી. જ્યારે ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે શનિવારના દિવસે સવારે ૯થી ૧૧ કલાક બે કલાકના પ્રતીક ઉપવાસ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ હાર્દિકના ઉપવાસને સમર્થન આપવા સતલાસણામાં એસ.પી.જી. દ્વારા માલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.તો બીજી બાજુ વિસનગરમાં  હાર્દિક  પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપવા માટે પાટીદાર મહિલાઓ  મામલતદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ કરવાની હોવાના મેસેજ  સોશીયલ મિડીયામાં વાયરલ થતા મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈગઈ હતી.

મહેસાણા જિલ્લાનાં વિવિધ ખેડૂત સંગઠનોએ હાર્દિક પટેલની માંગણી તાકીદે સંતોષાય તેવી માંગણી કરી છે અને તેના આમરણાંત ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું છે. તેની તંદુરસ્તી માટે ઉત્તર ગુજરાતમાં રામધૂન જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. જોટાણા ખેડૂત હિતરક્ષક સમિતિના અગ્રણી પી.કે. સોલંકીએ જણાવ્યું છે કે, હાર્દિકને આંચ આવશે તો તેના ઘેરા પ્રત્યાઘાત પડશે, સરકારના જડ વલણનો ભોગ ખેડૂત જગત બની રહ્યું છે. વિવિધ સમાજના અગ્રણીઓએ હાર્દિકને સ્વાસ્થ્ય જાળવવા પણ અપીલ કરી છે. કારણ કે, સાત-સાત દિવસના ઉપવાસ છતાં પણ સરકારના પેટનું પાણી હાલ્યું નથી અને યોગ્ય માંગણીઓ સંદર્ભે સરકાર તરફથી કોઈ નિવેદન પણ આવ્યું નથી. જો કે, હાર્દિક પટેલે સ્વામીના હસ્તે જલપાન કરતાં મહેસાણા જિલ્લામાં ખેડૂત જગતની ચિંતા હળવી બની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એસ.પી.સ્વામીની વિનંતી બાદ જલપાન કરતાં પાટીદારો સહિત ખેડૂત જગતમાં સંતોષની લાગણી ફેલાઈ છે. કારણ કે સાત દિવસના ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિક પટેલે અન્નનો એક દાણો પણ ન લેતાં સાત કિલો વજન ગુમાવી દીધું છે અને તબિયત નાજુક બની રહી હતી. જિલ્લામાંથી અગ્રણીઓ તેની મુલાકાત માટે પણ રવાના થયા છે.

તો બીજી બાજુ ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે શનિવારના દિવસે સવારે ૯થી ૧૧ કલાક બે કલાકના પ્રતીક ઉપવાસ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા પાટીદારોનું એપી સેન્ટર હોવાથી છેલ્લા આઠેક દિવસથી શહેર તથા ઊંઝા પંથકમાં એસઆરપી સહિત મોટી સંખ્યામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે તેમ છતાંય ટુંડાવ ગામે આજે સવારે ૯થી ૧૧ કલાક સુધી બે કલાકનો પ્રતીક ઉપવાસ અને રામધૂન કરાઈ હતી. આ રામધૂનમાં ધારાસભ્ય આશાબહેન પટેલ પણ જોડાયા હતા. રામજી મંદિરના ચોકમાં મંડપ બાંધીને રામધૂન કરતા હતા તે સમયે ઊંઝા પી.આઈ. એ. બી. વાળંદ તથા તેમના પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને રામધૂન કરતા પાટીદારોને કહેવા લાગ્યા કે તમે રામજી મંદિરમાં જાઓ નહીંતર અમારે ધરપકડ કરવી પડશે. પછી પાટીદારો સહિત ધારાસભ્ય આશાબહેન પટેલે મંદિરમાં જઇને રામધૂન શરૂ કરી તાલુકાના બ્રાહ્મણવાડા, રણછોડપુરા ગામે પણ હાર્દિકના સમર્થનમાં રામધૂન યોજાઇ હતી. આ સમયે જય પાટીદાર જય સરદારના નારા પણ લગાવ્યા હતા અને સરકાર તેરી દાદાગીરી નહીં ચલેગી નહીં ચલેગી ભગવાન સરકારને સદ્બુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. જ્યારે બીજી બાજુ વિસનગર મામલતદાર કચેરી કંમ્પાઉન્ડમાં પાટીદાર મહિલાઓ  પ્રતિક ઉપવાસ આંદોલન છેડવાની હોવાનો સોશીયલ  મિડીયામાં મેસેજ વાયરલ થતાં શનિવારે સવારથી જ પોલીસ  બેડામાં દોડધામ મચી જવા પામી હતી. વિસનગર મામલતદાર  કચેરીના દરવાજા પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં  આવ્યો હતો. મોડી સાંજ સુધી કોઈ જ ન ફરકતાં તંત્રએ રાહતનો  શ્વાસ લીધો હતો.

પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર વિસનગરમાં હાર્દિક  પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપવા માટે પાટીદાર મહિલાઓ  મામલતદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ કરવાની હોવાના મેસેજ  સોશીયલ મિડીયામાં વાયરલ થયા હતા. જે મેસેજ અનુસંધાને  વિસનગર પોલીસ દ્વારા મામલતદાર કચેરી ખાતે શનિવારે વહેલી  સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  શહેર પી.આઈ વી.પી. પટેલ, પીએસઆઈ ભુવા સહિત પોલીસ  જવાનો અને મહિલા પોલીસ ખડકી દેવામાં આવી હતી. ઓફીસ  સમય થતાં જ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, સિટી સર્વે કચેરી  અને ટેજરી કચેરીમાં કામ અર્થે આવતા અરજદારો તથા  કર્મચારીઓનાં ઓળખપત્રો તથા કામની વિગતો ચકાસી તાલુકા  સેવા સદનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મામલતદાર  કચેરીના દરવાજા પાસે જ પોલીસ કાફલો તથા ફાયર બ્રિગેડના  વાહનો ખડકી દેવાતાં શહેરમાં અવનવી ચર્ચાઓ જાગી હતી. શહેર  પોલીસ ઈન્સપેક્ટર વી.પી. પટેલ દ્વારા મહિલાઓના ઉપવાસના  મેસેજને પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે  એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને હાજર રાખવામાં આવ્યા હતા. દિવસભરનો  સમય વિતતાં કોઈ ઉપવાસ માટે ન ફરકતાં પોલીસ સહિત સરકારી  તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વિસનગર મામલતદાર એ.એન. સોલંકીએ જણાવ્યું હતું કે  તાલુકા સેવા સદનના કંમ્પાઉન્ડમાં પાટીદાર સમાજની મહિલાઓના  ઉપવાસ અંગે કોઈ અરજી કે રજુઆત મળી નથી. જ્યારે પોલીસમાં  પણ કોઈ જાણ કરવામાં આવી નથી. સોશીયલ મિડીયામાં વાયરલ  થયેલા મેસેજથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વિસનગર શહેર પીઆઈ વી.પી. પટેલે જણાવ્યું હતું કે આવા  કાર્યક્રમ અંગે વૉટ્સએપ પર મેસેજ ફરતો થયો હતો. જેના  આધારે સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો  હતો.

સતલાસણામાં SPG દ્વારા મામલતદારને આવેદન અપાયું  

સતલાસણા પાટીદાર સમાજના એસ.પી.જી. ના પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા વિશાળ સંખ્યામાં પાટીદાર સમાજના સભ્યો તથા અગ્રણીઓએ પાટીદાર સમાજના હિતમાં અને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં મામલતદાર સતલાસણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને વધુમાં જણાવ્યું હતુકે આવનાર દિવસોમાં ઉપરોકત બાબતે જો સરકાર પાટીદારોની હિત વિચારશે નહી તો સતલાસણા તાલુકામાં પણ સરકારની મંજુરી લઈ સરદાર પટેલ સેવાદળના સભ્યો ઉપરવાસ ઉપર બેસવાનો નિર્ણય લેવામાં આવશે.