Heat up politics in the run up to Rajkot Municipal Corporation elections
  • Home
  • Gujarat
  • રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણી નજીક આવતા રાજકરણમાં ગરમાવો, વિરોધપક્ષે લગાવ્યો ગંભીર આરોપ

રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણી નજીક આવતા રાજકરણમાં ગરમાવો, વિરોધપક્ષે લગાવ્યો ગંભીર આરોપ

 | 5:18 pm IST

રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણી નજીક આવતા રાજકારણ શરૂ થયું છે. વિરોધપક્ષનાં નેતા વસરામ સાગઠિયાએ પાંચ વર્ષનાં બજેટનાં આંકડા જાહેર કર્યા હતા અને પાંચ વર્ષમાં માત્ર 25 ટકા જ વિકાસ કામો કર્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે એમાં પણ અનેક પ્રોજેક્ટો તો વર્ષોથી અધુરા હોવાથી રીવાઇઝ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે સાશક પક્ષે કોંગ્રેસનાં આરોપોને ફગાવીને રાજકોટ વિકાસની હરણફાળ ભરતું હોવાનો દાવો કર્યો હતો.

રાજકોટ મહાનગરપાલીકામાં ભાજપની વર્તમાન ચુંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદ્દત પૂરી થઇ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતાએ આંકડાકિય માહિતી જાહેર કરી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલીકાનાં સાશકોએ પાંચ વર્ષમાં 12032.31 કરોડ મંજૂર કરી લોકોને ખ્વાબ દેખાડ્યા હતા. જોકે ખરા અર્થમાં બજેટમાંથી માત્ર પગાર સહિતનો ખર્ચ જ કર્યો છે અને માત્ર 5 કરોડનાં વિકાસ કામો જાહેર કર્યા હતા. જે પણ અધુરા છે. પાંચ વર્ષમાં રાજકોટ મહાનગપાલીકાએ 25 ટકા જ વિકાસ કામ કર્યા હોવાનો વિરોધપક્ષનાં નેતા વસરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો હતો.

ક્યાં પ્રોજેક્ટ છે વર્ષો થી અધુરા?

(1) આજીનદી રીવર ફ્રન્ટ: રાજકોટની આજીનદી પર રીવર ફ્રન્ટ બનાવવાની જાહેરાત ત્તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. જોકે વર્ષો થી આજીનદી રીવર ફ્રન્ટની કામગીરીની બજેટમાં જોગવાઇ થાય છે પરંતુ કામ શરૂ થયું નથી.

(2) રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ: આજીનદીનાં પટ્ટમાં આવેલું સ્વયંભુ રામનાથ મહાદેવનું મંદિર પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે કોન્ટ્રાક્ટરને ગ્રાન્ટ ન ફાળવવામાં આવતા કામ અટવાય ગયું છે.

(3) સાત બ્રિજ: રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા સાત ઓવર અને અન્ડર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2017-18માં કે.કે.વી હોલ ચોકમાં અન્ડરપાસ બનાવવાની જાહેરાત બાદ વર્ષ 2020-21માં ઓવરબ્રિજનો નિર્ણય કરાયો. જ્યારે આમ્રપાલી ફાટક અન્ડર બ્રિજ અને લક્ષ્મીનગર રેલવે અન્ડર બ્રિજનું કામ શરૂ થયું છે જ્યારે સિવિલ હોસ્પિટલ ચોકમાં ટ્રાઇ-એન્ગલ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે.

(4) 24 કલાક પાણી વિતરણ: રાજકોટ મહાનગપાલીકા દ્વારા રાજકોટવાસીઓને 24 કલાક પાણી વિતરણ કરવાની જાહેરાત કરી હતી અને એડીબી લોન આધારીત પાણી વિતરણની યોજના ઘડી હતી. જોકે આ યોજનાને એક વર્ષ વિતવા આવ્યું છતાં હજું માત્ર કાગળ પર છે. આવી તો અનેક યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે.

રાજકોટ મહાનગરપાલીકાનાં મેયર બિનાબેન આચાર્યએ કહ્યું હતું કે, ચુંટણી નજીક આવતા કોંગ્રેસે આરોપો લગાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસની કેન્દ્ર સરકારે દેશનાં કેટલાય શહેરો પર ધ્યાન નહોતું આપ્યું. જોકે રાજકોટ શહેર ગ્રીન હાઉસ એવોર્ડ, ફાઇવ સ્ટાર મેળવીને ગાર્બેઝ ફ્રી સીટી થયું છે. કોંગ્રેસનાં આરોપ બરોબર નથી કારણ કે, રાજકોટ મહાનગરપાલીકાનું અંદાજપત્ર પ્રમાણે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી વિકાસ કાર્યો કરવામાં આવે છે.

વાસ્તવિકતા એ છે કે, રાજકોટ મનપા દર વર્ષે ઉંચી રકમનું સરેરાશ 2 હજાર કરોડનું બજેટ ઘડતા રહે છે. પરંતુ જ્યારે વર્ષ પૂરૂ થવા આવે છે ત્યારે અધિકારીઓ અને પદાધીકારીઓ બન્ને હવે ફરી નવા વર્ષમાં આટલું કરીશું તેમ કહીને ફરી બે હજાર કરોડનું બજેટ જાહેર કરી નાખે છે. જોકે વર્ષ પહેલાનાં બજેટમાં કેટલા કરોડનો કાપ મુકવામાં આવ્યો તે માર્ચ એન્ડીંગમાં જાહેરકરાતું નથી. એ હકિકત છે કે, જાહેર કરેલા બજેટમાં 40 થી 45 ટકાનો કાપ મુકાતો રહે છે અને માર્ચનાં બે માસ પહેલા રીવાઇઝડ બજેટ જાહેર થાય તેમાં પણ પચીસ-ત્રીસ ટકાનો કાપ મુકાતો રહ્યો છે. ત્યારે હવે રાજકોટ મનપાની ચુંટણી પહેલા કોંગ્રેસે સાશકોનાં લેખા-જોખા ખોલ્યા છે ત્યારે હવે રાજકોટવાસીઓને કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું.

આ વીડિયો પણ જુઓ: રાજકોટથી મહત્વના સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન