Heavy Rain Fall in Kerala-rain-flood-rescue-operation-idukki-dam-water-level
  • Home
  • India
  • કેરળમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી ભયાનક પૂર, આગામી 24 કલાક વધુ કપરાં

કેરળમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી ભયાનક પૂર, આગામી 24 કલાક વધુ કપરાં

 | 10:37 pm IST

કેરળમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ઇડુક્કી જળાશય છલોછલ થતાં તમામ પાંચ દરવાજા ખોલી સેકંડના પાંચ લાખ લિટર પાણી છોડાતાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. ભારે વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરહોનારતથી અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. કેરળના વાયાનાડ, ઇડુક્કી, અલાપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, પલક્કડ, મલ્લાપુરમ, કોઝિકોડ, કોલ્લમ, પથાનામ્થિટ્ટા અને કોલ્લમ એમ 11 જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે.

શુક્રવારે અનરાધાર વરસાદને કારણે ઇડુક્કી જળાશયના તમામ પાંચ દરવાજા ખોલાતાં પેરિયાર અને ચેરુથોની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં. નદીઓમાં ઘોડાપૂરને કારણે રાજ્યના ૨૪ બંધના દરવાજા ખોલી નાખવામાં આવ્યાં છે. સૌથી વધુ વિનાશ પેરિયાર નદીનાં પૂરે વેર્યો છે. પેરિયારના કાંઠાવિસ્તારોમાંથી 10,000 લોકોને સ્થળાંતર કરાવાયું છે.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની ચેતવણી જારી કરી છે. એર્નાકુલમમાં પેરિયારના કિનારાવિસ્તારોમાંથી 4000 લોકોને ખસેડવામાં આવ્યાં છે. એર્નાકુલમમાં 6500 અને ઇડુક્કીમાં 7500 પરિવાર પૂરથી પ્રભાવિત થયા છે.

ઇડુક્કીના ચેરુથોની શહેરમાં પૂરનાં પાણી ઘૂસી જતાં સમગ્ર શહેર ખાલી કરાવી દેવાયું છે. સમગ્ર રાજ્યમાં 17,000 કરતાં વધુ લોકો પૂરને કારણે વિસ્થાપિત થયાં છે. સરકાર દ્વારા તેમના માટે 260 રાહત કેમ્પ શરૂ કરાયા છે.

શાળા-કોલેજો અને કચેરીઓમાં રજા જાહેર કરાઈ
કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં શાળા-કોલેજો અને કચેરીઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. એર્નાકુલમ અને થ્રિસૂરમાં બપોર બાદ તમામ ઓફિસો બંધ કરી દેવાના આદેશ અપાયા હતા. એર્નાકુલમ જિલ્લા કલેક્ટર મોહમદ સફિરુલ્લાએ જણાવ્યું હતું કે, અમે તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે.

કેરળમાં 13 થી 15 ઓગસ્ટ અતિ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારથી વરસાદનું જોર ઘટશે પરંતુ 15 થી 15 ઓગસ્ટ વચ્ચે કેરળ, કર્ણાટક અને તામિલનાડુના પર્વતીય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. કેરળના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે વાયાનાડમાં 14મી ઓગસ્ટ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે આલાપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, પલક્કડ, મલાપ્પુરમ અને કોઝિકોડમાં 11 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 337 ટકા વધુ વરસાદ થયો છે.

વાંચો: કેરળમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી, મુન્નારમાં વિદેશી સહિત 60 લોકો ફસાયા