Heavy rain fall across Maharashtra
  • Home
  • Featured
  • મુંબઇમાં વરસાદ દે-ધનાધન વરસતા જનજીવન ખોરવાયું, અતિવૃષ્ટિની આગાહી

મુંબઇમાં વરસાદ દે-ધનાધન વરસતા જનજીવન ખોરવાયું, અતિવૃષ્ટિની આગાહી

 | 8:22 pm IST

દેશનાં અનેક રાજ્યોમાં વિનાશકારી પૂરની પરિસ્થિતિ છે. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે પડી રહેલા વરસાદને કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. મુંબઈમાં શુક્રવારે સવારે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધીમાં તો દે-ધનાધન વરસવા માંડયો. આ સિલસિલો શનિવાર-રવિવારે પણ ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને પગલે સાયન, ભાંડુપ, હિંદમાતા સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. હવામાનખાતાએ આગામી 48 કલાક દરમિયાન મુંબઈ, કોંકણ સહિત ઉત્તર કોંકણ, દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર-મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં અતિવૃષ્ટિની આગાહી કરી છે. મુંબઈમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તળ મુંબઈમાં 50 મિ.મી., પૂર્વના ઉપનગરમાં 133 મિ.મી. અને પશ્ચિમનાં ઉપનગરમાં 111 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ટ્રેનો અનિયમિત દોડતી હોવાથી પ્રવાસીઓની હાલાકીમાં વધારો થયો હતો.

વાહનવ્યવહારથી ધમધમતા મુંબઈના ત્રણ પુલ વાહનો માટે બંધ કરાતાં શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ જોવા મળ્યા હતા. સૌપ્રથમ અંધેરી પૂર્વ-પિૃમને જોડતા ગોખલે ફ્લાયઓવરનો ફૂટપાથનો હિસ્સો ગયા સોમવારે તૂટી પડતાં વાહનો માટે બંધ કરાયો હતો જે રવિવારે આંશિક રીતે ખુલ્લો મુકાયો હતો, જ્યારે ગ્રાન્ટ રોડ અને ઘાટકોપરના બ્રિજને રેલવે અને પાલિકાના એન્જિનિયરોએ ચકાસણી કર્યા બાદ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લા મુકાયા હતા.

રવિવારે સવારથી જ મુંબઈ-થાણે વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી પાટા પર પાણી ભરાવાની શરૃઆત થઈ હતી. આમેય ટ્રેનો મોડી દોડી રહી હતી અને એમાં બ્લોકને પગલેે પ્રવાસીઓની હાલાકીમાં વધારો ન થાય એ માટે મધ્ય રેલવેએ મેગાબ્લોક કેન્સલ કર્યો હતો, જોકે પિૃમ રેલવે અને હાર્બર લાઇનમાં મેગા બ્લોક હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પિૃમ રેલવેમાં ભાયંદરથી અંધેરી સુધી પહોંચતાં દોઢથી પોણા બે કલાક જેટલો સમય લાગતો હતો.

હાલાકી વચ્ચે મુંબઈગરાં માટે રાહતના સમાચાર
ગયા વરસે તળાવ વિસ્તારમાં સારો વરસાદ પડવાને કારણે મુંબઈગરાંનું પાણીનું ટેન્શન દૂર થયું હતું, પરંતુ આ વરસે જૂન મહિનામાં શહેરને પાણી પૂરું પાડતાં સાતેય સરોવર વિસ્તારમાં વરસાદે દેખા ન દેતાં પાણીનું સંકટ ઊભું થવાની શક્યતા હતી, પરંતુ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં સરોવર વિસ્તારમાં વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં પડી રહેલા વરસાદને કારણે તળાવની સપાટીમાં સારોએવો વધારો થતાં મુંબઈગરાં પરનું પાણીનું સંકટ હળવું થયું છે. હાલ સાતેય સરોવર મળી 4.50 એમએલડી(31 ટકા) જેટલો પાણીનો જથ્થો છે, જોકે ગયા વરસે જુલાઈ મહિનામાં 45 ટકા જેટલો પાણીનો જથ્થો જમા થયો હતો.

મુંબઈમાં એક મહિનામાં 34 વ્યક્તિએ જીવ ગુમાવ્યા
અંધેરી પુલદુર્ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલી અસ્મિતા કાટકર(35) શનિવારે મૃત્યુ પામ્યાં હતાં. ચોમાસું શરૂ થયાના એક મહિનામાં 34 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ગયા વરસની તુલનાએ મૃત્યુની ઘટનામાં 30 ટકા જેટલો વધારો થયો છે, જ્યારે પાલિકાના જણાવ્યા મુજબ 1 જૂનથી અત્યાર સુધીમાં ઘર પડવાની, તણાઈ જવાની, ઝાડ પડવા તથા શોર્ટ સર્કિટટની કુલ 1700 જેટલી ઘટનાઓ બની છે.

મહારાષ્ટ્રનાં ભિવંડીનાં લોકો પરેશાન
મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાગપુર બાદ હવે વરસાદે ભિવંડીમાં કેર વર્તાવ્યો છે. મુંબઈથી વીસેક કિલોમીટર દૂર આવેલાં ભિવંડીમાં ભારે વરસાદે પૂરા શહેરની સિકલ બગાડી દીધી છે. ભિવંડીમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ગટરનું ગંદું પાણી રસ્તા પર આવી ગયું છે. ભિવંડીથી પસાર થતી કામવાર નદી પણ બે કાંઠે વહી રહી છે.