Heavy Rain in Kerala, 6 Death in landslide in rivers
  • Home
  • Featured
  • કેરળમાં બારે મેઘ ખાંગા, નદીઓમાં ઘોડાપૂર-ભૂસ્ખલનમાં 6નાં મોત

કેરળમાં બારે મેઘ ખાંગા, નદીઓમાં ઘોડાપૂર-ભૂસ્ખલનમાં 6નાં મોત

 | 9:10 am IST
  • Share

  • કેરળે એરફોર્સની મદદ માગી, NDRFની 12 ટુકડી તહેનાત

  • સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કન્નુર તથા વાયનાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયાં હતાં.   

  • પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, 7જિલ્લામાં ઓરેન્જ અને બે જિલ્લામાં યલો એલર્ટ

 

કેરળમાં શુક્રવાર રાતથી બારે મેઘ ખાંગા થતાં રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કારણે કેરળમાં શનિવારે પણ અતિભારે વરસાદ જારી રહેતાં મોટાભાગના બંધો છલકાઈ ગયાં હતાં જેને પગલે સત્તાવાળાઓને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતાં નદીઓમાં પૂર આવ્યાં હતાં. શનિવારે કોટ્ટયમ જિલ્લાના કુટ્ટીકલ ગામના પ્લાપલ્લી ખાતે બે સ્થળે ભૂસ્ખલન થતાં 6 વ્યક્તિનાં મોત થયાં હતાં અને અન્ય 11 લાપતા બન્યાં હતાં.

રાજ્ય સરકારે બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ માગી હતી. સીએમઓના જણાવ્યા અનુસાર કોટ્ટયમ જિલ્લાના કુટ્ટીકલ ખાતે બનેલી ભૂસ્ખલનની ઘટનાઓના કારણે કેટલાંક પરિવારો ફસાઈ ગયાં હોવાથી તેમના બચાવ માટે એરફોર્સની મદદ માગવામાં આવી છે.

કોટ્ટયમ જિલ્લામાં જ રાજ્ય પરિવહન નિગમની એક બસ પૂરનાં પાણીમાં ફસાઈ જતાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બસમાં ફસાયેલા તમામ પ્રવાસીઓને બચાવી લેવાયાં હતાં.  ભારતીય હવામાન વિભાગે કેરળના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ, અન્ય સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કન્નુર તથા વાયનાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયાં હતાં.   રાજ્યના મહેસૂલ પ્રધાન કે. રાજને ભૂસ્ખલનના જોખમવાળા વિસ્તારોમાંથી લોકોને રાહત છાવણીઓમાં ખસેડવાની સૂચના આપી જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં રાહત અને બચાવ માટે એનડીઆરએફની 12 ટુકડીઓ તહેનાત કરાઈ છે.

શબરીમાલાના શ્રદ્ધાળુઓને પમ્પા નદીમાં સ્નાન ન કરવા ચેતવણી

કેરળમાં ભારે વરસાદને પગલે સંખ્યાબંધ ડેમ છલકાતાં દરવાજા ખોલવાની ફરજ પડી છે. સરકારે શબરીમાલાના શ્રદ્ધાળુઓેને પમ્પા નદીમાં સ્નાન નહીં કરવાની ચેતવણી જારી કરી હતી. ઇડુક્કી જિલ્લામાં 21 ઓક્ટોબર સુધી નાઇટ ટ્રાન્સપોર્ટ પર રોક લગાવી દેવાઈ છે. ટૂરિસ્ટ એરિયાઓમાં કાયાકિંગ પર પ્રતિબંધ મુકાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો