Heavy Rain Prediction in Gujarat, NDRF's Team is ready for unpredictable weather
  • Home
  • Featured
  • આગામી 48 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે, સુરત, ભરૂચ અને ગાંધીનગરમાં NDRFની ટીમો તૈનાત

આગામી 48 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે, સુરત, ભરૂચ અને ગાંધીનગરમાં NDRFની ટીમો તૈનાત

 | 2:16 pm IST

રાજ્યમાં હવામાન વિભાગે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ સતર્ક છે. જેના કારણે સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદની આગાહી કરી છે. તેના સિવાય સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે સુરત, ભરૂચ અને ગાંધીનગરમાં NDRFની ટીમો તૈનાત કરી દીધી છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મંગળવારે પડેલા વરસાદમાં અંકલેશ્વર, ભરૂચમાં ભારે તારાજી સર્જી હતી. ભરૂચના દાંડિયા બજાર વિસ્કારોમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. ભરૂચના ગોરા ખાતે ડૂબાડૂબ ડેમ પણ ભયજનક સ્થિતિમાં છે.

મંગળવારે રાજ્યના 31 જિલ્લાના 184 તાલુકામાં સાડા પાંચ ઇંચ સુધી મેઘ મહેર રહી હતી. આ વર્ષે જૂન મહિનાથી શરૂ થતી ચોમાસાની સિઝનથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013 પછી એટલે કે 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદમાં સિઝનના કુલ વરસાદ કરતાં 4 ટકા વરસાદ ઓછો પડ્યો છે.

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 6.5 લાખ ક્યૂસેક પાણીને કારણે ભરૂચનાં ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 30 ફૂટે પહોંચી ગઇ છે. જેને પગલે નર્મદા નદી કાંઠા અને આલિયાબેટ પરથી અત્યાર સુધીમાં આશરે 250 જેટલા લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર નર્મદા ડેમની ફરી એકવખત ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. મધ્યપ્રદેશમાં (MP)ના ઓમકારેશ્વર ડેમમાંથી 6 લાખ 40 હજાર ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે આજે ડેમની ઐતિહાસિક સપાટી વટાવી છે. હાલ ડેમ ની સપાટી 136.74 મીટર છે અને નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં 8 .39 લાખ ક્યુસેક પાણીના આવક છે. જ્યારે નર્મદા નદીમાં 8.10 લાખ ક્યુસેક પાણી છોડાતા બે કાંઠે વહી રહી છે. હાલ કેવડિયાનો ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પણ જિલ્લાનાં 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમમાં એક કલાકમાં પાણીની આવકમાં 1,80,000 ક્યૂસેકનો વધારો થયો છે અને એક કલાકમાં ડેમની સપાટી 9 સે.મી.નો વધારો થઇ રહ્યો છે. જેને પગલે કેવડિયાના ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 29.40 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 5153 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

નર્મદા નદીના પૂરના પાણી ભરૂચના નીચાણવાળા વિસ્તારો જેમકે ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી, બહુચરાજીનો ઓવારો, દાંડિયાબજાર, ભૃગુઋષી મંદિર, ફુરજા વિસ્તાર સહિતમાં પૂરના પાણી ભરાયા છે. જેને પગલે તંત્રએ તુરંત એકશનમાં આવી વિસ્તારના 240થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે દશાન, શુક્લતિર્થ, તવરા સહિતના ગામોમાં પણ અસરગ્રસ્તોના સ્થળાંતરની કવાયત હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં સરેરાશ 109.99 ટકા વરસાદ થવાથી રાજ્યના 204 જળાશયોમાં પાણીનો સંગ્રહ 81.54 ટકા થયો છે. રાજ્યના 72 જળાશયો છલકાયા છે. 62 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયાં છે. જ્યારે 23 જળાશયો 50 થી 70 ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ 304888.52 એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના 91.26 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, રાજ્યના 21 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 156 તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.

આ પણ જુઓ વીડિયો: અમરેલીના વડિયામાં કાર પાણીમાં તણાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન