સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ: સેંકડો ગામડામાં પાણી ભરાયા, હજારો ફસાયેલા લોકો ભગવાન ભરોસે - Sandesh
NIFTY 11,404.30 -30.80  |  SENSEX 37,763.64 +-88.36  |  USD 70.2950 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ: સેંકડો ગામડામાં પાણી ભરાયા, હજારો ફસાયેલા લોકો ભગવાન ભરોસે

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ: સેંકડો ગામડામાં પાણી ભરાયા, હજારો ફસાયેલા લોકો ભગવાન ભરોસે

 | 8:55 pm IST

સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સોરઠ, અમરેલી, સહિતના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા આઠ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ડોળાસામાં 13 ઈંચ, ખંભાળીયામાં 12.5 ઈંચ અને કોડીનાર તથા માણાવદરમાં વધુ 12 ઈંચ વરસાદ પડયો છે. 8 દિવસમાં 30થી 40 ઈંચ સુધી વરસેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતા આજે ત્રણ-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં પાણી ઘૂસી ગયા છે. હજારો ગ્રામજનો પૂરમાં અટવાયા છે ત્યારે તેમના સુધી પહોંચવામાં તંત્ર વધુ એક વખત નિષ્ફળ પુરવાર થયું છે.જેના કારણે અતિવૃષ્ટિથી ગ્રામજનો માટે ઉપર આભ અને નીચે પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે.

અધિકારીઓ અને નેતાઓ ડેમોમાં નવા નીરના વધામણા કરે છે પરંતુ ગીર, સોરઠ, ઘેડ કે રાજુલા, જાફરાબાદ પંથકના પૂરગ્રસ્ત ગામોમાં ફસાયેલા લોકોની મદદે કોઈ પહોંચતું નથી. આ ગામોમાં વીજ સેવા, ફોન સેવા અને એસટીની સેવા ઠપ થઈ ગઈ છે. લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે. પૂરના પાણી ઓસરે અને કોઈ મદદે આવે તેની રાહ લોકો જૂએ છે પરંતે નથી વરસાદ અટકતો કે નથી નેતાઓ દેખાતા.

માણાવદરમાં 700નું સ્થળાંતર
માણાવદરમાં આભ ફાટયું હોય તેમ 12 ઈંચ વરસાદથી સમગ્ર પંથક જળબંબાકાર બની ગયો હતો. 700થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડયું હતું. તાલુકાના શેરડી ગામે 8 ઈંચ વરસાદથી નદીમાં પૂર આવ્યા હતા. આ જ રીતે કોડીનારમાં પણ વધુ 12 ઈંચ વરસાદથી તારાજીનો આંક વધી રહ્યો છે.

કેશોદમાં પાંચ ઈંચ: ભારે તારાજી
કેશોદમાં આજે વધુ 5 ઈંચ સાથે મોસમનો કુલ વરસાદ 24 ઈંચ થયો છે. અહીં ઓઝત, સાંબલી નદી પર ડેમના દરવાજા ખોલાતા કેશોદ તાલુકાના નદી કાંઠાના ગામડામાં જળબંબાકાર સર્જાયો છે. કેશોદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાની વેઠવી પડી છે. વેપારીઓને વરસાદથી તારાજી સહેવી પડી છે.

સૂત્રપાડામાં 8 દિવસમાં 51 ઈંચ
ગીર સોમનાથ પંથકમા આજે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વેરાવળમાં વધુ 6 ઈંચથી જનજીવન પ્રભાવિત થયું છે. સૂત્રાપાડા તાલુકાના લોઢવા પંથકમાં 8 દિવસમાં 51 ઈંચ વરસાદથી ખેતરો ધોવાઈ ગયા છે. તાલાલામાં વધુ દોઢ ઈંચ સાથે નવ દિવસમાં 29 ઈંચ વરસાદ પડતા કમલેશ્વર ડેમમાં 29.5 ફુટ પાણી આવ્યા છે.

કાલાવાડમાં 6, જામનગરમાં પાંચ ઈંચ
જામનગર ઉપર આખરે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ખંભાળીયામાં 12.5 ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું હતું. લાલપુર, કાલાવડમાં 6, જામનગરમાં 5, ધ્રોલમાં અઢી જ્યારે નિકાવામાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. કાલાવડ અને ધ્રોલના ગ્રામ્ય પંથકમાં 5 થી 8 ઈંચ વરસાદ પડયો છે. ગ્રામ્ય પંથક મળી 8થી 12 ઈંચ સુધી વરસાદ વરસ્યાના વાવડ છે.

જાફરાબાદમાં સાડા ત્રણ ઈંચ
અમરેલી જિલ્લામાં જાફરાબાદ પંથકમાં વધુ સાડા ત્રણ ઈંચ સાથે મેઘરાજાનું જોર ઘટયું હતું. આમ છતાં નદીઓમાં પૂરને કારણે અનેક ગામડામાં પાણી ભરાયા છે. જિલ્લામાં વડીયામાં ૩, રાજુલા-લાઠીમાં દોઢ, અમરેલીમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમરેલીના નાના આંકડીયા ગામમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા.

રાજકોટમાં ચોવીસ કલાકમાં આઠ ઈંચ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું સામ્રાજ્ય હવે ચોમેર વિસ્તર્યુ હોય તેમ અત્યાર સુધી જ્યાં ઓછો વરસાદ હતો તેવા રાજકોટ શહેરમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર પંથકમાં 5 થી 12 ઈંચ સુધી, પોરબંદર પંથકમાં 6થી 8 ઈંચ સુધી સચરાચર વરસાદ થયો છે.

ક્યાં કેટલા ઈંચ વરસાદ
ડોળાસા – 13
ખંભાળિયા – 12.5
કોડીનાર – 12
માણાવદર – 12
નિકાવા – 10
રાજકોટ – 8
રાણાવાવ – 8
પોરબંદર – 7
વેરાવળ – 6
લાલપુર – 6
જામનગર -5
કેશોદ – 5
જાફરાબાદ -3