Heavy Rainfall In South Gujarat, 3 Dead
  • Home
  • Featured
  • દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ : કુલ ત્રણનાં મૃત્યુ

દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ : કુલ ત્રણનાં મૃત્યુ

 | 7:50 am IST

 અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડું આજે વધારે તીવ્ર બન્યું છે. કાંઠા વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકવાની દહેશત વચ્ચે મંગળવારે મહુવાના જંગલોમાં તોફાની પવન સાથે વરસાદ પડયો હતો. દક્ષિણ ગુજરાતમાં બપોર બાદ ખાસ કરીને વિસ્તારના તાપી, ડાંગ, વલસાડ અને સુરત જિલ્લામાં ઠેર ઠેર ભારે પવન સાથે છૂટાછવાયા તોફાની વરસાદે કેર વર્તાવ્યો હતો.

જ્યારે વાવાઝોડાના કેરને કારણે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિસ્તારમાં ડાંગ જિલ્લામાં તોફાની વરસાદને પગલે અનેક સ્થળોએ મકાનોના પતરાં ઊડી ગયા હતા. જ્યારે બપોર બાદ એકાએક આવેલા તોફાનને કારણે ત્રણ બાળકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

 જ્યારે મહુવા તાલુકામાં નોંધાયેલા એક મોતના બનાવમાં દેદવાસણ ગામના ખેડૂત ગુલાબભાઈ ઢોડિયા પટેલ ખેતરેથી પરત ફરી રહ્યા હતા એ સમયે વસરાઈ ગામની સીમમાં ગુલ મહોરનું એક તોતિંગ વૃક્ષ તૂટીને તેમની ઉપર પડતાં તેઓ બાઈક સાથે દબાઈ જતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. વાવાઝોડું હાલમાં મુંબઈથી અંદાજે ૩૦૦ અને વેરાવળથી ૬૦૦ કિલોમીટરની દૂર છે અને તે પ્રતિ કલાક છ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે.
વાયુ વાવાઝોડું ગુજરાતના કાંઠે વેરાવળ અને દીવની વચ્ચે પોરબંદર અને મહુવા પાસે પ્રતિ કલાક ૧૩૦ કિ.મી.ની ઝડપના પવન સાથે લેન્ડ ફોલ કરવાની શકયતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાયુને કારણે આગામી ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી થઈ છે.  
આ સિસ્ટમની અસરને કારણે આજે સુરતમાં પણ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ રિવ્યુ મિટિંગ કરી હતી અને તકેદારીના ભાગ રૂપે સુરતના ઓલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકાના ૩૨ ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે સહેલાણી માટે માનિતા ગણાતા સુંવાલી, ડુમસ તેમજ ગણેશ ચોપાટી (ડુમસ) બીચને આગામી તા. ૧૫મી સુધી બંધ કરી દેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન