Heavy rains forecast in Gujarat for next 48 hours, rainy weather in the entire state including Ahmedabad from early morning
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની વકી, અ’વાદમાં વાતાવરણ પલટાયું, અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની વકી, અ’વાદમાં વાતાવરણ પલટાયું, અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ

 | 9:30 am IST

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 30મી જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અને વીજળીના કડાકા શરૂ થયા છે.

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત અનેક શહેરોમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જો આજે વરસાદ પડે તો લોકોને ગરમીથી રાહત મળી શકે છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યનાં 6 શહેરમાં પારો 39 ડિગ્રી પાર કરી જતાં બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું.

હવામાન વિભાગનું માનીએ તો આજથી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજથી નવસારી, ભાવનગર, વલસાડ,દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોડી શકે છે. 30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.

અમરેલીના ખાંભા પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમરેલીના ખાંભા પથકમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. હાલ નાનુડી, પીપળવા, ખડાધારમાં વરસાદ પડી રહ્યો છે. આ સિવાય ડેડાણ, પચપચીયા, ભાડમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી અને લોકોએ હાશકારો અનુભવ્યો છે. પાંચ દિવસના વિરામ બાદ વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થયો છે.

પંચમહાલ જિલ્લામાં પણ આજે વરસાદ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. શહેરા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સમગ્ર પંથકમાં મેઘ મહેર થતા જગતનો તાત ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ઉનામાં પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ઉનામા વહેલી સવારથી વરસાદનુ આગમન થયું હતું. અગાઉ વરસાદ ખેંચાતા અસહ્ય ગરમી અને ઉકળાટ થતો હતો. ત્યારે વરસાદના આગમનથી શહેરીજનો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.

સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં વરસાદ છે.ચાંપલાનાર, રૂપાલ, બીલપણકંપ, રાયગઢ, ખેડ, ગાંધીપુરામાં પણ વરસાદ પડી રહ્યો છે. હિંમતનગરના ગાંભોઈ પંથકમાં વરસાદનું આગમન થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારે હિંમતનગરમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો છે.

સુરત શહેરના પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વરાછા, રાંદેર, અઠવાગેટમાં વરસાદ જોવા મળ્યો છે. અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.

દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં દાહોદ, ઝાલોદ, લીમડીમાં વરસાદ પડી રહ્યો છે. સંજેલી તાલુકામાં પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે બફારામાંથી લોકોને રાહત મળી છે.

અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મેઘરજ, માલપુર, જીતપુર,ઈસરી,રેલ્લાવાડામાં વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી લોકોને રાહત મળી છે. આ સિવાય મેઘરજ માલપુર પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમય બાદ વરસાદ થતાં મકાઈ મગફળી અને તુવેરના પાકને જીવતદાન મળ્યું છે.

મહિસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા,ખાનપુર,કડાણમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. સમયસર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્પાયી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન