Heavy to very heavy rains in South Gujarat, 22 thousand people from 35 villages of Kaprada without contact
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદઃ કપરાડાના 35 ગામના 22 હજાર લોકો સંપર્કવિહોણા 

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદઃ કપરાડાના 35 ગામના 22 હજાર લોકો સંપર્કવિહોણા 

 | 7:01 am IST
  • Share

  • કપરાડામાં ૮.૫૬ અને ધરમપુરમાં ૫.૨૪ ઇંચ વરસાદથી મુશ્કેલી વધી
  • નિલુંગી નદી પરનો અને દમણગંગા નદી પરનો કોઝવે પાણીમાં

વલસાડ જિલ્લામાં ખાસ કરીને કપરાડા અને ધરમપુર તાલુકામાં તેમજ બંને તાલુકાઓમાં ઉપરવાસના જંગલ વિસ્તારમાં મંગળવારે સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે. કપરાડા તાલુકામાં ૩૦થી ૩૫ ગામોમાં જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે. નદી-નાળા બે કાંઠે વહેતા હોવાથી મોટાભાગના કોઝવે બંધ થઇ જતા, આશરે ૨૦થી ૨૨,૦૦૦ લોકો સંપર્ક વિહોણા બની ગયાં છે.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વલસાડના કૈલાસરોડ પરની ઔરંગા નદીના પાણી પુલની લગોલગ પહોંચી ગયા હતા. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કપરાડામાં ૮.૫૬ ઇંચ, ધરમપુરમાં ૫.૨૪ ઇંચ, પારડીમાં ૩.૦૮ ઇંચ, ઉંમરગામ ૨.૨ ઇંચ, વાપી ૧.૮ ઇંચ અને વલસાડમાં ૧.૦ ઇંચ વરસાદ ખાબક્યો છે.

વાલવેરી અને ગિરનારા મુખ્ય માર્ગ ઉપર આવેલી નિલુંગી નદીના મોટા કોઝવે પર પાણી ફરી વળતા, હોમગાર્ડ જવાનોને નદી પાસે તૈનાત કરાયા છે.   જૂદા જૂદા ગામોમાં આવેલા કોઝવે, નદી-નાળા તેમજ કોલક નદી, પાર નદી ઉપરના કોઝવે ઉપરાંત દમણગંગા નદી પરનો સૌથી મોટો કોઝવે વરસાદી પાણીમાં ગરકાવ થઇ જતા, ૩૦થી ૩૫ જેટલા ગામોના શિક્ષકો, વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્યા ન હતા. ધરમપુર તાલુકામાં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જૂદા જૂદા ૧૩ માર્ગો બંધ કરાવી દેવાયા છે.

હિંમતનગર ઃ સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વહેલી પરોઢે ૩ થી ૧૦ વાગ્યા દરમ્યાન ૭ કલાકમાં પોશીના પંથકમાં લગભગ ૪ ઈંચ વરસાદ ખાબકતા પોશીના પાસેથી પસાર થતી પનારી નદીમાં ચાલુ ચોમાસામાં પ્રથમ વખત પાણી આવ્યુ હતુ. તાલુકાના અન્ય સ્થળે મોડી રાત્રે અને વહેલી પરોઢે પડેલા વરસાદને લઈને ડુંગરાળ વિસ્તારમાં પાણીના ઝરણાં જીવંત બની ગયા છે.

ઈડરના જાદર પંથકમાં દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ

હિંમતનગર ઃ સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજયનગર તાલુકામાં પડયો છે. દરમ્યાન મંગળવારે રાત્રે ઈડર તાલુકાના જાદર પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા સીમાડામાં આવેલા ખેતરો પાણીથી તરબતર થઈ ગયા હતા. અને જાદર પાસેની ડેભોલ નદીમાં નવા નીર આવતા આ વિસ્તારના ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

મોડાસા પંથકમાં બે ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયાં, ગરમીથી રાહત મળી

મોડાસા ઃ  અરવલ્લીમાં છુટો છવાયો વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ મોડાસા પંથકમાં થયો હતો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ધનસુરા, બાયડ અને ભિલોડા પંથકમાં પણ અડધો-અડધો ઈંચ વરસાદ થયો હતો.

બનાસ નદીમાં પ્રવાહ વધતા ફસાયેલા વૃદ્ધ દંપતીને ચાર કલાક બાદ બહાર કઢાયું

પાલનપુર ઃ રાજસ્થાનમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આબુરોડ નજીકથી પસાર થતી બનાસ નદીના કિનારે ઝંુપડુ બાંધીને રહેતુ વૃધ્ધ દંપત્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ જતાં તેઓ એક ટેકરી પર ચડી ગયા હતાં.જે અંગે સ્થાનિક લોકોને જાણ થતાં નાવડીને દોરડા સાથે બાંધી અને તેમને નાવડામાં બહાર કાઢયા હતા.

ભિલોડાના જનાલી ટાંડા ગામે વીજળી પડતાં બે પશુનાં મોત

સુનોખ ઃ અરવલ્લીના ભિલોડા તાલુકાના જનાલીટાંડા ગામે રાત્રિના સમયે વિજળી પડતાં ઢાળિયામાં બાંધેલા બળદ અને ભેંસ સહીત બે પશુનાં મોત થયાનું જાણવા મળેલ છે. ઢાળિયાને પણ થોડુ-ઘણું નુકસાન થયુ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો