Hemant Chauhan said Hemant Chauhan Says I am not in BJP
  • Home
  • Ahmedabad
  • ભાજપમાં જોડાવવાને લઇને ભજનીક હેમંત ચૌહાણે કર્યો ધડાકો

ભાજપમાં જોડાવવાને લઇને ભજનીક હેમંત ચૌહાણે કર્યો ધડાકો

 | 2:21 pm IST

ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનમાં ગુજરાતનાં પ્રસિદ્ધ લોકગાયકો ભગવા ખેસ ધારણ કર્યો હતો. સોમવારે જાણીતા ભજનકાર હેમંત ચૌહણ, સંગીતા લાબડિયા, બંકીમ પાઠક, ગોપાલદાન બારોટ સહિતનાં 15 કલાકારો ભાજપમાં જોડાયા હતા. પરંતુ આજે જાણીતા ભજનીક હેમંત ચૌહાણે મોટો ધડાકો કર્યો હતો. તેમણે આજે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હું ભાજપમાં જોડાયો નથી. હું માત્ર ભાજપના સન્માન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યો હતો.

હેમંત ચૌહાણે આજે ભાજપમાં જોડાવાને લઇને ધડાકો કરતા ગુજરાતના રાજકારણ ગરમાયું છે. આજે હેમંત ચૌહાણે એક વીડિયો પોસ્ટ કરીને પોતે ભાજપમાં જોડાયા હોવાનો ઇન્કાર કર્યો છે. હેમંત ચૌહાણે વીડિયોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યા છે કે, નમસ્તે ભાઈઓ, બહેને, વડીલો અને બાળકો. આજે મારે એક ચોખવટ કરવાની છે.

આજે મીડિયામાં એવી જાહેરાત થઈ છે કે હું ભાજપ સાથે જોડાયો છું. પરંતુ મિત્રો અમે તો કલાકાર છીએ. કોઇ પણ પાર્ટી કે વ્યક્તિઓ દ્વારા તેમના સન્માન કાર્યક્રમમાં અમને બોલાવવામાં આવતા હોય છે ત્યારે એક સિનિયર કલાકાર તરીકે મારે હાજરી આપવી પડે. પાંચ વર્ષ પહેલા મને ચૂંટણીમાં ટિકિટની ઓફર થઈ હતી ત્યારે મેં ના કહી હતી. મારું કામ ભજન કરવાનું છે, હું કોઈ પક્ષમાં સક્રિય ન રહી શકું.

હેમંત ચૌહાણે વધુમાં જણાવ્યું કે, તેઓ આજીવન ભજનિક અને કલાકાર રહેવા જ માગે છે કારણ કે તેઓ ભજન માટે જ જન્મ્યા છે. હું તો મારા ચાહકોના દિલોમાં રહેવા માગું છું માટે કોઈ એવી જાહેરાત કરે કે હું તેમના પક્ષમાં જોડાઈ ગયો છું તો મારા કોઈ ચાહકે તે વાતનો વિશ્વાસ કરવો નહીં. તેનું કારણ છે કે કલાકારોનો કોઈ પક્ષ નથી હોતો અને હું તો માણસનો માણસ છું.

અમે લોકગાયક છીએ. અમે ભાજપની સિદ્ધિઓ બદલ તેઓ અન્ય સિનિયર ગાયકો અને સંગીતકારો તથા લોક કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સન્માન કરીને એવી જાહેરાત કરી નાંખવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાયા છે. આવું કાંઈ નથી..

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હેમંત ચૌહાણ સહિતનાં કલાકારોને ભાજપનો ખેસ પહેરાવી તેમને પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે હેમંત ચૌહાણે કહ્યું કે, કાશ્મીર આઝાદ થયું તેનો હરખ છે. હેમંત ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક છે. “સીતારામ તણા સત સંગમાં, રાધે શ્યામના રે રંગમાં, તું રંગાઈ જાને રંગમાં” તેમનું પ્રસિદ્ધ ભજન છે.

આ 15 કલાકારોમાં હેમંત ચૌહાણ, લોકગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોકસાહિત્યકાર અમુદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, ગુજરાતી ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર, જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન