હર્બલ બ્યૂટી કેરના વિશેષજ્ઞા શહેનાઝ હુસેન - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • હર્બલ બ્યૂટી કેરના વિશેષજ્ઞા શહેનાઝ હુસેન

હર્બલ બ્યૂટી કેરના વિશેષજ્ઞા શહેનાઝ હુસેન

 | 12:10 am IST

એક સે બઢકર એક  :-  સંગીતા અગ્રવાલ

શહેનાઝ હુસેન એવાં ભારતીય મહિલાનું પ્રતિનિધિત્વ કરે છે જે નારી પોતાના જ્ઞાાન, તાકાત, પ્રતિભા અને આવડત થકી ભારતીય સૌંદર્ય પ્રસાધન અને પદ્ધતિને વિશ્વના ખૂણેખૂણા સુધી લઇ ગયાં છે. શહેનાઝ હુસેન એવી મહિલા છે જેમણે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને સૌંદર્ય પ્રસાધનો બનાવ્યાં છે અને આ રીતે જ સુંદરતાની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

શહેનાઝ જણાવે છે કે તેમના પરદાદાઓ સમરકંદથી ભારત આવ્યા હતા. તેમના પરિવારના સભ્યો દેશ આઝાદ થયો તે પહેલાં ભોપાલ અને હૈદરાબાદના રાજા-મહારાજાના રાજ્યમાં ઊંચા પદ ઉપર કામ કરતા હતા. શહેનાઝે અલાહબાદમાં ક્વીન્સ મેરી કોન્વેન્ટમાં સ્કૂલનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેઓ જણાવે છે કે માત્ર ૧૫ વર્ષની ઉંમરે જ તેમનાં લગ્ન થઇ ગયાં હતાં અને ૧૬મો જન્મદિન આવે તે પહેલાં તેઓ નીલોફર નામની બાળકીની માતા બની ચૂક્યાં હતાં. આજે તે અને નીલોફર મા-દીકરી હોવાની સાથેસાથે ખૂબ સારા મિત્રો પણ છે.

પોતાના કાર્યની શરૂઆત શહેનાઝે પહેલાં તેના ઘરેથી જ કરી હતી. તેમણે ઘરે જ હર્બલ ક્લિનિક બનાવ્યું હતું. તે કહે છે કે હું મારા કામમાં ખૂબ વ્યસ્ત રહેતી હતી. મને લાગતું કે વધારેમાં વધારે સમય હું મારાં બાળકોને આપું. તેથી મેં ઘરે જ ક્લિનિક શરૂ કર્યું. ઘરે ક્લિનિક હોવાના કારણે હું ચોવીસ કલાક તેમની સાથે રહેતી હતી. જોકે તેમ છતાં પણ બીજી માતાઓ જે રીતે પોતાનાં બાળકો સાથે સમય પસાર કરે છે તે હું ઇચ્છીને પણ ન કરી શકી. જોકે આમ પણ જીવનમાં દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડતી હોય છે, કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પણ પડતું હોય છે. મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મારો દીકરો સમીર બીમાર હતો અને હું વિદેશમાં હતી. ત્યાં અમુક એવાં કામ હતાં કે જેને ઇચ્છત તો પણ હું અધૂરાં નહોતી મૂકી શકવાની. તે સમયે મારે એક સાથે એક માતા અને એક કાર્યકારી મહિલા બંનેની ભૂમિકા નિભાવવાની હતી. હું તે સમયે સતત મારા દીકરા સાથે ફોન પર સંપર્કમાં રહેતી હતી પણ તેની સાથેસાથે મારે કામ પણ કરવાનું હતું. હું જલદી ભારત પરત થવા માંગતી હતી, મારે બંને વસ્તુ એકસાથે કરવી હતી, કેમ કે મારું મન મારા દીકરા પાસે હતું. કોઇ કોઇવાર તો મને એવું પણ લાગે છે કે કામ કરવાની મારી ઇચ્છાને કારણે હું સારી માતા અને પત્ની નથી બની શકી. હું કુદરતનો આભાર માનું છું કે તેણે મને આટલો સારો પરિવાર આપ્યો.

હું મારી કરિયરને વ્યવસાય નહીં પણ મારા અસ્તિત્વનો એક ભાગ માનું છું. જ્યારે હું પિૃમમાં હેલેના રુબીન્સ્ટિન, લેનકોમ અને ક્રિસ્ટીન વાલ્યે જેવાં વિશ્વપ્રસિદ્ધ સૌંદર્ય પ્રસાધન કેન્દ્રોમાંથી કોસ્મેટોલોજી અને કોસ્મેટિક કેમેસ્ટ્રીનું શિક્ષણ લઇને ભારત પરત થઇ તે પહેલાં વિદેશોમાં વપરાતાં કૃત્રિમ સૌંદર્ય રસાયણનો કેટલો ખરાબ પ્રભાવ લોકોની ત્વચા ઉપર પડે છે તે જોઇ ચૂકી હતી. મને લાગ્યું કે આનો વિકલ્પ ભારતમાં જ મારે શોધવો જોઇએ. આમ પણ આપણાં દેશમાં જડીબુટ્ટીનો મોટો ખજાનો છે. ત્યારે મેં ભારતમાં હર્બલ ક્લિનિક બનાવ્યું અને હર્બલ બ્યુટી કેરની શરૂઆત કરી. મારો ઉદ્દેશ ત્વચા અને વાળને ખરેખર સ્વસ્થ બનાવવાનો હતો. હું માત્ર દેખાવ માટે જ સુંદર હોય તેવી પળવારની વસ્તુમાં વિશ્વાસ નથી રાખતી.

અને આ રીતે શહેનાઝ દ્વારા શરૂ કરવામાં આવેલું આ કાર્ય વિશ્વફલક સુધી વિસ્તર્યું. માત્ર ભારતની જ જો વાત કરીએ તો ભારતમાં જ હર્બલ પ્રોડક્ટ્સની માંગ ૩૦૦ કરોડ રૂપિયાથી વધારે છે અને આ માંગ દિવસે ને દિવસે વધતી જ જાય છે. જ્યારે વિદેશની વાત કરીએ તો ત્યાં પણ હર્બલ પ્રોડક્ટ્સની માંગ ઘણી છે અને હવે વધી પણ રહી છે. વળી વિદેશમાં વસતાં આપણાં ભારતીયો પણ હવે હર્બલ પ્રોડક્ટ્સ વાપરતા થયા છે માટે તેના કારણે પણ માંગ વધી રહી છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન