અવતાર ફિલ્મની હિરોઈન કેવી રીતે આકાર પામી? - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • અવતાર ફિલ્મની હિરોઈન કેવી રીતે આકાર પામી?

અવતાર ફિલ્મની હિરોઈન કેવી રીતે આકાર પામી?

 | 12:55 am IST

ફિલ્મ અવતારમાં અન્ય સૂર્યમાળામાં રહેલા ગ્રહ ઉપર વસતી નાવી જાતિના લોકોની વાત છે. આ ગ્રહ ઉપર વસતા ઓમાતિકાયા જાતિના લોકોના નેતાની પુત્રી નેતિરિ ભલે ૧૦ ફૂટ ઊંચાઈની હોય અને લાઈટ-ડાર્ક વાદળી પટ્ટાવાળી ચામડી ધરાવતી હોય, એ ખૂબ જ રૂપકડી અને આકર્ષક દેખાય છે. ખાસ કરીને એના મનભાવ એ જે રીતે પડદા ઉપર દર્શાવે છે એ મનમોહક છે.

પડદા ઉપર નેતિરિના ચહેરાના જે હાવભાવ મનને મોહી લે છે એને એવા આકર્ષક બનાવનાર અભિનેત્રી આફ્રિકન મૂળની ઝો સલદાના છે. એનો નાક-નકશો ફિલ્મની હિરોઈન કરતાં સાવ જુદો છે. પરંતુ એનો ચહેરો ભાવવાહી છે. એટલે નેતિરિના બધા જ મનોભાવ એ સ્પષ્ટ દેખાય એ રીતે વ્યક્ત કરી શકે છે.

એના ચહેરાના ભાવ ઝીણવટથી ઝડપી લેવા માટે એના મોં પાસે સ્પીકર જેવું જે દેખાય છે એ સાધનમાં છ કેમેરા ગોઠવાયેલા છે. દરેક કેમેરા એના ચહેરાના બધા ન મનોભાવ ઝડપી લે છે અને કમ્પ્યૂટરમાં મોકલી આપે છે. કમ્પ્યૂટર એના ચહેરાને તાત્કાલિક ફિલ્મની હિરોઈન નેતિરિના ચહેરામાં ફેરવી દે છે. અને એ રેકોર્ડ થાય છે. આ રીતે ફિલ્મની હિરોઈન નેતિરિ થ્રીડીમાં પડદા ઉપર સાકાર થતી જાય છે. એનો હીરો જેક સુલી સાથે રોમાન્સ આગળ વધતો જાય છે. નેતિરિ જેક સુલીની સાથે સાથે આપણું એટલે કે પ્રેક્ષકોનું પણ મન મોહતી રહે છે.

આ ફિલ્મ થ્રીડીમાં બતાવવાની હોવાથી એ ડબલ કેમેરાથી શૂટ થાય છે અને કમ્પ્યૂટરમાં રૂપાંતર પામે છે. બે કેમેરાના જુદા જુદા દ્રશ્યોની ફ્રિક્વન્સી જરાક જરાક જુદી હોવાથી એક ઉપર એક દ્રશ્ય છપાઈ ગયું હોય એવું ફોટોગ્રાફમાં લાગે છે. પરંતુ સિનેમાઘરમાં પડદા ઉપર એનો ખરો ચમત્કાર જોવા મળે છે.