'હાય-હાય તમને ગાંડાબિટીસ છે?' કહેતાં ભાભીને તો જે આઘાત લાગ્યો છે - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ‘હાય-હાય તમને ગાંડાબિટીસ છે?’ કહેતાં ભાભીને તો જે આઘાત લાગ્યો છે

‘હાય-હાય તમને ગાંડાબિટીસ છે?’ કહેતાં ભાભીને તો જે આઘાત લાગ્યો છે

 | 1:20 am IST

હાસ્યાસવ : કનુ આચાર્ય

ભાભીઓને ચા બનાવતાં પહેલાં સુગરનું પૂછવાની ટેવ. જો સુગર જ ન નાખવાની હોય તો શ્રમની કેટલી બધી બચત થાય? પણ દસેદસને તો કાંઈ ડાયાબિટીસ હોય નહીંને? એમાં બે તો બિચારા વગર વાંકે દંડાઈ જાયને? એક ભાભીએ એકવાર મને પૂછયું, ‘સુગર કેટલી ખપે?’ હવે આમાં આવનાર આસામીને સીધું તો પુછાય નહીંને કે તમને ડાયાબિટીસ છે? શહેરની મોડર્ન બાઈઓ તો પૂછી લે પણ અમારે ગામડામાં હજુ લાજ-શરમ જેવું ખરું! તે મેં તો કહી દીધું કે, ‘ભાભી, મને તો ગાંડાબિટીસ છે.’

‘હાય…હાય’ કહીને એ તો ચમક્યાં. જાણે પોતાને ડાયાબિટીસ થયો હોય તેટલો આઘાત એમને લાગ્યો.

મેં પૂછયું, ‘ગાંડાબિટીશ એટલે સમજ્યાં?’

મને કહે, ‘હા.હા. સમજ્યા વળી? દૂધેય નહીં નાખવાનુંને?’

પીળિયા નામનો રોગ આગળ વધે એટલે કમળો થાય ને ત્યાંથીય આગળ વધે એટલે કમળી થાય તેમ આગળ વધેલો ડાયાબિટીસ ટોપ લેવલે ગાંડાબિટીશ થતો હશે તેવું ગણિત તેમણે બેસાડેલું. પાછાં પોતે સમજ્યાં છે એ વાત તો તેમણે બરાબર પકડી રાખી.

ભાભીને પાછી ભગવાન સાથે હોટલાઈન તે એ તો મંડી પડયાં ‘ભગવાન તેં કેવાકેવા રોગ કાઢયા છે?’ પણ પાછો ભગવાનને ઠપકો આપવા બદલ તેમનો જીવ ચચર્યો તે આશ્વાસન આપતાં હોય- (ભગવાનને, પોતાને કે મને એ તો તેઓ જાણે!) તેમ કહ્યું, આ તો હળાહળ કળજુગ છે. ના ધાર્યા હોય એવા રોગ થાશે.’

ઘણા જાણકાર માણસો આમાં કર્મનો પણ દોષ જુએ છે. જોકે અમારી બાજુ ગામડાના એવાય લોકો છે કે જેમને પક્ષના પ્રચારકોએ (ચૂંટણીવેળા) એવું ઠસાવી દીધું છે કે આ જે સારું-નરસું થાય એ બધું સરકાર જ કરે છે. છનો મને કહેઃ ભાયા આ સરકારે જોને કેવાકેવા રોગ કાઢયા છે? પછી મારે સરકારના બચાવમાં ઊતરવું પડયું. સજ્જન માણસોએ સાચને પડખે રહેવું પડેને? મેં છનાને કહ્યું, ‘એ જ સરકારે કેવાં-કેવાં દવાખાનાંય ખોલ્યાં છેને?’

ભાભીના ગણિત પ્રમાણે બીજા મિત્રોની ચામાં ખાંડ જ નહીં નાખવાની; પણ મારી ચામાં તો દૂધ પણ નહીં. આમ બે બાજુનો માર શી રીતે સહન થાય? દૂધેય નહીં ને ખાંડ પણ નહીં! તે મેં ભાભીને સમજાવવાનું બીડું ઝડપ્યું.

‘ભાભી, ડાહ્યાનું વિરોધી શું થાય?’

‘ગાંડો, વળી બીજું શું?’

તો જેને ડાયાબિટીસ ન હોય ને એને ગાંડાબિટીસ છે; એમ ન કહેવાય? જુઓ, ડાયાબિટીસવાળો ખાંડ ન ખાય, પણ ગાંડાબિટીસવાળાને ખાંડ-ગોળ વધુ ખાવા જોઈએ. જેમ નાના બાળકને માટી ખાવાનું મન થાય તેમ ગાંડાબિટીસવાળાને ગળપણ ખાવાનું મન થાય.

‘ભારે કરી તમે તો ભઈલા, તો તો મારે ડબલ ખાંડ નાખવી પડશેને? એના કરતાં એકેય બિટીસ ન હોય એ સારું ખાંડનો તો ચોળ ન વળે’ કહીને ભાભી હસવા માંડયાં.

ગાંડાબિટીસવાળો ખાંડ અને ગોળ ખાઈને જે અછત સર્જે છે એના કરતાં ડાયાબિટીસવાળો સારો! ખાંડ અને ગોળના ભાવ આસમાને નથી પહોંચતા તેમાં આ ડાયાબિટીસવાળાનું મહત્ત્વનું યોગદાન છે. પાછો આ રોગ મનુષ્યને બહુ વફાદાર છે. સતી જેવો રોગ. પ્રાચીન સમયમાં જેમ સ્ત્રી પતિની ચિતા ઉપર બેસીને સતી થતી હતી; તેમ આ રોગ પણ એના ધારણકર્તા સાથે ‘સતો’ થાય છે! વૃત્તિ ને પ્રકૃતિ લાકડે જાય, અરે, એમાં ભાષાશાસ્ત્રીઓએ સુધારો કરવો જોઈએઃ- વૃત્તિ, પ્રકૃતિ ને ડાયાબિટીસ લાકડે જાય. જોકે ઘણા દાવો કરે છે કે ડાયાબિટીસ દૂર થઈ ગયો, દૂર થવાનો આભાસ થાય પણ પાછો છતો થાય મારો વાલો! એટલે એના ભરોસે ન રહેવાય. ઘણા તો ઘરની સ્ત્રીને નથી સાચવતા એટલો એને સાચવે છે! ‘ખમ્મા ડાયાબિટીસને ખમ્મા.’

ભક્તનું ધ્યાન જેમ ભગવાનમાં લાગેલું રહે, તેમ ઘણાનું ચિત્ત આજીવન ડાયાબિટીસમાં લાગેલું રહે છે. ‘અહં ડાયાબિટીશમ્ અસ્મિ’ ચિત્તનો સ્વભાવ છે જેનો વિરોધ કરીએ તેના તરફ વધુ આકર્ષાય. મીઠાઈ ખાવાની નથી એમ કહેવામાં આવે એટલે મીઠાઈ ખાવાની વધારે ઈચ્છા થાય. મનના બે ભાગ પડી જાય. એક કહેઃ ‘ખાવી છે’ મનનો બીજો ભાગ કહેઃ ‘નથી ખાવી’ આમાં જે બળવાન હોય તે જીતે. ઘણા તો મન વાળે કે ચાલો મીઠાઈ પણ ખાશું અને ગોળીય લેશું! પણ ડાયાબિટીસ વિફરેલા બળદની જેમ શીંગડાં પછાડે, પછી ગોળીય કામ ન કરે! ડાઈનિંગ ટેબલ ઉપર કોઈ સાથે જમવા બેઠા હોઈએ કે પછી કોઈ પ્રસંગે જમવાનું હોય; ગાંડાબિટીસવાળો મીઠાઈ ઝાપટતો હોય ત્યારે ડાયાબિટીસવાળાએ તો જોઈ જ રહેવાનુંને? અંદર તો લોહીઓ બળી જતાં હોય, પણ હેં…હેં…હેં…કરીને ખોટું ખોટું હસવાનું ને કહેવાનું- મીઠાઈ મને ના ભાવે; જનમથી જ હોં! જોકે ત્રીસ વર્ષ સુધી મીઠાઈ જ ખાધી હોય, હવે નથી ભાવતીના ઝોનમાં પ્રવેશ્યા હોઈએ. પાછાં એમનાં ઘરવાળાં ટાપસી પૂરે ‘એમને પહેલેથી મીઠાઈનું બહુ ઓછું! ઘરે તો ખાખરા જ ખાય છે. આ તો અહીં દાળ-ભાતેય ખાવા પડે છે.’ આ વખતે સાંભળવાવાળા અભિભૂત થઈ જાય. ભાભી પતિની ખોરાકની ટેવો ઉપર ગર્વ લે; પણ અંદર તો થતું હોય કે આ જે દા’ડાના ડાયાબિટીસના રવાડે ચડયા છે, તે દા’ડાથી બળ્યું, અમારાથી મીઠાઈ ખવાતી નથી. (સતી ધરમને કારણે)

ડાયાબિટીસ આમ કેન્સર જેવો ઉપદ્રવી નહીં; સીધો-સાદો બાપડો. જો ખમ્મા…ખમ્મા કરોને તો સાચવી લે પણ એને પંપાળતાં આવડવું જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન