High Profile Guest and Menu List for PM Modi's Swearing-In Ceremony
  • Home
  • Featured
  • મોદીનો ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ, 6000 મહેમાનો માટે આ હશે ખાસ સુવિધા અને પકવાન

મોદીનો ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ, 6000 મહેમાનો માટે આ હશે ખાસ સુવિધા અને પકવાન

 | 10:12 am IST

રાષ્ટ્રપતિ ભવન કોઇ એક કાર્યક્રમ માટે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો માટે મહેમાનનવાજી કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત શપથ ગ્રહણ સમારંભનો અવસર છે. આ કાર્યક્રમમાં 5000 થી 6000 લોકો ઉપસ્થિત રહેવાની શકયતા છે. પીએમ મોદીની સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે.

ભાજપની પ્રચંડ જીત બાદ આ સમારંભને વધુ ભવ્ય બનાવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો હતો, પરંતુ કહેવાય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીની તરફથી નિર્દેશ મળ્યા છે કે સમારંભને સાધારણ અને ગંભીર રૂપ આપવામાં આવે. આ સમારંભનું કામકાજ દેખી રહેલા અધિકારીએ કહ્યું કે એક ગંભીર અવસરને ધ્યાનમાં રાખતા તેને સાદગીપૂર્ણ અને ગરિમામય બનાવા પર જોર અપાયું છે.

શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનની બહારના પ્રાંગણમાં થશે. મુખ્ય દ્વાર અને મુખ્ય ભવનની વચ્ચે એક ભવ્ય રસ્તો બનાવામાં આવશે, જેનો ઉપયોગ રાજ્યના પ્રમુખો અને દેશોના શાસનાધ્યાક્ષોના ઔપચારિક સ્વાગત માટે કરાશે.

આ ચોથો એવો અવસર હશે જ્યારે વડાપ્રધાન પદનો શપથ દરબાર હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનની બહારના પ્રાંગણમાં હશે. દરબાર હોલમાં અંદાજે 500 લોકોનો સમારંભ જ શકય છે. સૌથી પહેલાં ચંદ્રશેખરે 1990માં બહારના પ્રાંગણમાં વડાપ્રધાન પદના શપથ લીધા હતા, ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ 1998મા અને ત્યારબાદ 2014મા નરેન્દ્ર મોદીએ બહાર પરિસરમાં શપથ ગ્રહણ કર્યા હતા. 2014મા પીએમ મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં સાર્ક દેશોના પ્રમુખો સિવાય અંદાજે 4000 મહેમાનોએ ભાગ લીધો હતો.

આ વખતે સમારંભમાં 14 દેશોના પ્રમુખ, કેટલાંય દેશોના રાજદૂત, બુદ્ધિજીવી, રાજકીય એક્ટિવિસ્ટસ, ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીને બોલાવાઇ છે. મળતી માહિતી પ્રમાણે માનીએ તો આ કાર્યક્રમમાં ક્ષેત્રીય અને રાષ્ટ્રીય પાર્ટીઓના પ્રમુખો સિવાય કેટલાંય વરિષ્ઠ રાજનેતાઓને પણ બોલાવાયા છે.

સમારંભ લગભગ એવો જ હશે જેવો 2014મા હતો. બહારના પ્રાંગણની કેન્દ્રીય જગ્યા પર મહેમાનોને બેસવાની વ્યવસ્થા હશે. સાંજે 7 વાગ્યે સમારંભ બાદ અતિથિઓ માટે રાત્રિભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. ડિનરમાં વેજ અને નોનવેજ બંનેની વ્યવસ્થા કરાઇ છે. રાષ્ટ્રપતિ ભવનના રસોઇઘરને નિર્દેશ અપાયો છે કે અતિથિઓમાં કેટલાંક લોકો ભારતના પૂર્વી વિસ્તારના પણ છે, જ્યાં રાત્રિભોજન ખૂબ જ હલકું ફૂલકું હોય છે. ડિનર મેન્યુમાં ‘દાલ રાયસીના’ અને રાજભોગ બનશે. જેને બનાવાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. ગુરૂવાર રાત્રિના ભોજન માટે રાષ્ટ્રપતિ ભવને 48 કલાક પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

2014મા શપથ ગ્રહણ સમારંભનો સમય 6 વાગ્યે રાખ્યો હતો, જ્યારે મહેમાનોનો આવવાનો સિલસિલો 4.30 વાગ્યાથી શરૂ થઇ ગયો હતો. ત્યારે ગરમી પણ ખૂબ હતી. સુરક્ષાના લીધે એ સમયે પાણીની બોટલોની પણ વ્યવસ્થા કરી શકાઇ નહોતી. આ વખતે રાષ્ટ્રપતિ ભવને કાર્યક્રમ સાંજે 7 વાગ્યે કરવાની વાત કહી છે. આ સિવાય ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા પણ કરાઇ છે.

આ વીડિયો પણ જુઓ : દર્દીની કુંડળીને આધારે તેનો ઉપચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન