Higher Education will get Costlier Because of New Education Police: Education Experts
  • Home
  • Ahmedabad
  • નવી શિક્ષણનીતિથી શિક્ષણવિદોના ભવાં અધ્ધર, વ્યક્ત કર્યો આ ભય

નવી શિક્ષણનીતિથી શિક્ષણવિદોના ભવાં અધ્ધર, વ્યક્ત કર્યો આ ભય

 | 7:30 am IST

નવી શિક્ષણ નીતિની જે સંજોગોમાં જાહેરાત કરવામાં આવી અને તેમાં જે પ્રકારના સુધારાની વાત કરવામાં આવી છે તેના કારણે અનેક શિક્ષણવિદ્ના ભવાં અધ્ધર થયા છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના મુદ્દે તેઓ એવો ભય વ્યક્ત કરી રહ્યા છે કે, નવી શિક્ષણ નીતિમાં ચાર વર્ષના ગ્રેજ્યુએશન સમયગાળા, એન્ટ્રી-એક્ઝિટની ફ્લેક્સીબિલીટી, તમામ પ્રકારના ઉચ્ચ શિક્ષણના સંચાલન માટે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડીયા (એચઈસીઆઈ)ની રચના અને જુદી જુદી યુનિવર્સિટીઝ પર નિયંત્રણ, નિયમન માટે અલગ બોર્ડ ઓફ ગવર્નન્સની રચના જેવા ફેરફારોથી આગામી દાયકામાં ઉચ્ચ શિક્ષણ અત્યંત મોંઘુ બનવાની સાથોસાથ ડ્રોપ આઉટ રેશિયો અને ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓમાં અસમાનતાનું પ્રમાણ વધી શકે છે.

આ નીતિના માધ્યમે સરકાર મેડિકલ અને કાયદાકીય અભ્યાસ સિવાયના તમામ અભ્યાસક્રમો અને શિક્ષણ માટે એચઈસીઆઈની રચનાનું આયોજન છે. જે યુજીસી અને એઆઈસીટીઈ પર પડદો પાડી દેશે. નિષ્ણાતોએ એવો ભય વ્યક્ત કર્યો છે કે, આનાથી ઉચ્ચ શિક્ષણમાં જે પબ્લિક એજ્યુકેશનનો વિચાર છે તેના સ્થાને તેનું ખાનગીકરણ વધશે. પરિણામ એ આવશે કે, કોલેજીસ અને યુનિવર્સિટીઝે પોતાની ફી વધારવી પડશે અથવા એચઈસીઆઈ પાસેથી લોન લેવી પડશે.

આની બીજી અસર એ પણ પડી શકે છે કે, ઉચ્ચ શિક્ષણ મોંઘું બનવાથી સમૃદ્ધ વર્ગના વિદ્યાર્થીઓ માટે તે સરળ બનશે પણ મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ કાં તો વધુ વંચિત બનશે અથવા તેમાં સ્ટુડન્ટ્સ લોનનું પ્રમાણ વધશે. આમ, એકતરફ દેશના મોટા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ કઠિન બનવાથી ઉચ્ચ શિક્ષણમાં ડ્રોપઆઉટ વધશે અને અસમાનતા પણ વધશે. જો કે, નવી નીતિમાં વિદ્યાર્થીઓના એનરોલમેન્ટનું પ્રમાણ ૨૦૧૮માં ૨૬.૩ ટકા છે તે ૨૦૩૫માં વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્યાંક છે. પણ તે કેવી રીતે સિદ્ધ થઈ શકશે તે હાલ તો પ્રશ્ન છે.

અનુસ્નાતકમાં ચાર વર્ષનો પ્રયોગ ભૂતકાળમાં નિષ્ફળ નીવડેલો

નવી શિક્ષણ નીતિમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જે મહત્ત્વના ફેરફાર થયા છે તેમાં ઈન્ટરડિસિપ્લિનરી એપ્રોચ અને મલ્ટીપલ એક્ઝિટ પોઈન્ટના વિકલ્પ છે. પરંતુ થોડાક વર્ષ પહેલા દિલ્હી યુનિવર્સિટીમાં ચાર વર્ષ અનુસ્નાતકનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે તત્કાલિન માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જ પડતો મુકવાનો નિર્ણય લીધો હતો. આમ, હવે આ વિકલ્પ કેવી રીતે સફળ બનાવવા માગે છે તેનો નવી શિક્ષણ નીતિમાં પોડ પાડવામાં આવ્યો નથી.

યુવા વર્ગ ઉચ્ચ શિક્ષણના બદલે રોજગારી તરફ વળશે

ઉચ્ચ શિક્ષણનું ખાનગીકરણ અને કંઈક અંશે વ્યાપારીકરણ થતાં તે મોંઘું બનશે અને તેનાથી ગરીબ, મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વેગળા તો રહેશે જ પણ સાથોસાથ તેમના માટે વોકેશનલ એજ્યુકેશન એ જ માત્ર વિકલ્પ રહેશે. પરિણામે, ઉચ્ચ શિક્ષણ મેળવનારા યુવાનોની સંખ્યામાં મોટો ઘટાડો થશે. કેટલાક નિષ્ણાતો આ સ્થિતિને હાલના અમેરિકા સાથે સરખાવે છે. જ્યાં ઉચ્ચ શિક્ષણ એટલું બધું મોંઘું છે કે, ત્યાંનો યુવા વર્ગ ૧૨મુ પાસ થતાં વેંત મેક્ડોનાલ્ડ, બર્ગર કિંગ કે તેવા જ રોજગારલક્ષી ક્ષેત્રોમાં જોતરાઈ જાય છે. ત્યાં મોટાભાગની યુનિવર્સિટીઝ અને રિસર્ચ સંસ્થાઓ વિદેશના વિદ્યાર્થીઓ પર વધુ નિર્ભર રહી હોવા પાછળનું આ પણ એક કારણ છે.

આ વીડિયો પણ જુઓઃ રાજ્યના 74 IPS અને SPSની બદલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન