હિન્દુસ્તાનને ગોલ્ડ મેડલો અપાવનારાને આપણે શું આપ્યું? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • હિન્દુસ્તાનને ગોલ્ડ મેડલો અપાવનારાને આપણે શું આપ્યું?

હિન્દુસ્તાનને ગોલ્ડ મેડલો અપાવનારાને આપણે શું આપ્યું?

 | 2:11 am IST

ટિન્ડરબોક્સ : અભિમન્યુ મોદી

પપ્પા રિક્ષા ડ્રાઈવર હોય તેના સંતાનો તો નસીબદાર કહેવાય. આના પપ્પા તો છેલ્લા પાંચ વર્ષથી પથારીવશ છે કારણ કે રિક્ષા ચલાવતા પપ્પાને સ્ટ્રોકનો હુમલો આવેલો. ઘરમાં કમાનાર છે એ મા છે જે ચાના બગીચામાં કામ કરે છે. પોષણક્ષમ ખોરાક મળતો નથી. ઘરમાં ચાર બાળકો છે, ચારેયનું શિક્ષણ, શાળાકીય અભ્યાસ દરેકમાં સ્તરે વિઘ્નો આવી રહ્યા છે. પગમાં છ આંગળીઓ છે અને સ્પોર્ટ્સમાં આગળ વધવું છે. પહોળો પંજો સમાય એવા સાદા બૂટ પણ મળતા નથી. એશિયન ગેમ્સમાં પોતાની કોમ્પિટિશન શરૂ થતાં પહેલાં જડબું તૂટી ગયું હતું. પાટો બાંધીને રમતમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીત્યો. જીતેલી રકમનું શું કરશે? પહેલા તો પોતાના પગ સમાઈ શકે અને દુખાવો ન થાય એવા બૂટ લેશે. ફ્ક્ત બાવીસ વર્ષની છોકરી જેનું નામ સ્વપ્ના બર્મન છે તે ભારતનું નામ એશિયન ગેમ્સમાં આ વર્ષે ગજવીને આવી.

તજીન્દરપાલ સિંઘ છે જેમણે મેન્સ શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેના પપ્પા કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તેની રમત શરૂ થઇ તે પહેલા તેના કોચે તેને ઉક્સાવ્યો કે તારા માટે થઇને મે મારું કુટુંબ છોડયું, તારા પપ્પા ત્યાં કેન્સરને કારણે મોત સામે લડી રહ્યા છે અને તું એક ગોલ્ડ મેડલ નહિ લાવી શકે? નીરજ ચોપરા જે ઓપનિંગ સેરેમનીમાં ભારત તરફ્થી ફ્લેગ બેરર હતા. તે એથ્લેટ છે અને જેવેલીન થ્રોની રમતનું કોચિંગ તેને કોઈ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી નથી મળ્યું બલકે તે યુ-ટયૂબના વીડિયો જોઈને શીખ્યા છે. ડયૂટી ચાંદ, સ્ત્રીઓની ૧૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ લાવી. તે છોકરી આંખ બંધ કરીને દોડી હતી. તે બંધ આંખો પાછળ જીતવાના કઈ કેટલા અરમાન હશે કે શું ગડમથલ ચાલી હશે તેનો અંદાજ આપણે નહિ લગાવી શકીએ. હોડીને હલેસા મારવાની કોમ્પિટિશનમાં ભારતના ચાર યુવાનો આ જ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ લઇ આવ્યા. તે ચારેય કહે છે કે અમારે આર્મીમાં પ્રમોશન જોઈતું હતું માટે અમે રોઇંગની પ્રેક્ટિસ ચાલુ કરેલી. સૌરભ ચૌધરી નામનો સ્પોર્ટ્સ પર્સન ટેન મીટર એર પિસ્તોલ શૂટિંગમાં ગોલ્ડ જીતીને આવ્યો. તેની ઉંમર? સોળ વર્ષ માત્ર.

આવા બીજા ઘણાં ઉદાહરણ આપી શકાય તેમ છે. આ બધા ગરીબીની કશ્મકશમાંથી ઝળકીને આવેલા ઉદાહરણોની વાત નથી. રાખમાંથી બેઠા થઇને દુનિયાને ઝાંખી પાડી દેનારા ભારતીય રમતવીરોની વાત આપણે નથી કરી રહ્યા. વારે તહેવારે સ્કૂલે જતા બાળકોને ‘તને તો આટલી ફ્સિલિટી મળે છે તો, પણ તું નથી કરતો અને પેલા ગરીબ છોકરાને જો તે સ્ટ્રીટલાઈટ નીચે ભણીને તારાથી વધુ માર્ક્સ લઇ આવે છે’ પ્રકારની વાત આપણે અત્યારે નથી કરી રહ્યા. વાત કરી રહ્યા છે ભારતના એ ભડવીરોની કે જેની જિંદગીમાં સીમિત સ્ત્રોત કે નબળી આર્થિક સ્થિતિ તો સૌથી છેલ્લું બહાનું હતું. બધા જ પડકારો તેમની વિરુદ્ધમાં ફ્ણ ચડાવીને બેઠા હતા અને આ બધા જાંબાઝો બધી ચેલેન્જીઝને પાર કરીને સ્પોર્ટ્સની દુનિયામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી લીધું.

ગરીબી સિવાયની તો કઈ ચેલેન્જ? માણસની આર્થિક સ્થિતિ નબળી હોય અને એમાંથી એ પોતાનું નામ નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે રોશન કરે ને એ વાત સરેરાશ ભારતીયોને બહુ સ્પર્શ કરી જતી હોય છે કારણ કે તેમાં ડ્રામાનું એલિમેન્ટ છે અને ફ્લ્મિોની શોખીન આ પ્રજાને તેમાં ફ્લ્મિના ક્લાઈમેક્સ જેટલી મજા આવે છે. મુદ્દો અહીં એ છે કે આ દેશમાં ક્રિકેટ સિવાયની બધી રમતો માટે દરવાજા બંધ છે અથવા તો અધખુલ્લા છે. કયા દરવાજા? ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દરવાજા? કોચિંગ ક્લાસના દરવાજા? જે તે રમત માટે જોઈતા સ્પેસિફ્કિ મેદાનમાં રમવા મળે તેની પરમિશન અને એડમિશનના દરવાજા? જી ના. લોકોના માઈન્ડસેટના દરવાજા અહીં બંધ છે અને તે ખોલવા સૌથી કપરા છે.

છેલ્લા એક દાયકાથી ચોવીસ કલાક ઇન્ટરનેટની ઉપલબ્ધીમાં જીવી રહેલા ભારતના પોણા અબજ લોકોમાંથી કેટલાને ખબર છે કે હેપ્ટાથ્લોન સ્પોર્ટ્સ એટલે શું? સોચ બદલો દેશ બદલોની સુફ્યિાણી વાતો કરનારા કેટલાને ખ્યાલ છે કે જેવેલીન થ્રો કે રોઇંગ સ્પોર્ટ્સમાં શું કરવાનું હોય? એર પિસ્તોલ શૂટિંગ અને એર રાઈફ્લ શૂટિંગ બંને અલગ છે એવી સમજ દેશભક્તિના મેસેજ ફેરવર્ડ કરનારાઓમાંથી કેટલા પાસે છે? મેન્સ ટ્રીપલ જમ્પ કે ફ્રીસ્ટાઈલ રેસલિંગની રમતમાં ખરેખર શું કરવાનું હોય છે એ ઈન્સ્ટાની સ્ટોરી મૂકતા કેટલા જુવાનીયાઓ જાણે છે? દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવાની દુહાઈઓ આપતા અને દેશ-વિદેશમાં ભારતનું નામ ઊંચું લઇ જવાના કેટલા શેખચલ્લીઓએ એશિયન ગેમ્સમાં રસ લીધો? સ્ત્રી સશક્તિકરણ અને ફ્મિનીઝમની દુકાનો ચલાવનારા ભારતની મહિલા કબડ્ડી, હોકી કે ક્રિકેટની ટીમના કપ્તાનનું નામ પણ જાણે છે શું?

પ્રોબ્લેમ અહીં છે. કે તમારી આજુબાજુ વાતાવરણ જ એવું છે જે તમને પ્રેરણા તો ઠીક સતત પાછળ પાડશે. અભણ-સાક્ષર કે પૈસાદાર કે મિડલ ક્લાસનો ભેદ અમુક બાબતોમાં નથી રહ્યો. એ બધા અમુક બાબતોમાં સમાન જ છે. સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવી છે, દેશ ચલાવવાની સલાહો આપવી છે, આખી પેઢીને સંબોધીને તાલી ઉઘરાવતું સ્ટેટમેન્ટ કરવું છે, લાઈક્સ અને હિટ્સ વધે એના માટે નખરા કરવા છે પણ લગભગ કોઈ જ જાણતા નથી કે ભારતના કેટલાય યુવાનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતને કેવી રીતે ચમકાવી રહ્યા છે. સમાજનો દરેક વર્ગ એકદમ ઈગ્નોરન્ટ છે. તેઓ આવા રમતવીરો સાથે પાંચ મિનિટ વાતચીત પણ કરી શકે તેમ નથી કારણ કે તેઓને કશી જ ગતાગમ નથી.

આવા અંધકારભર્યા વાતાવરણમાંથી આ દેશના અમુક યુવાનોએ સ્પોર્ટ્સમાં જુદી જુદી ગેમ્સમાં ભારતનો ઝંડો ઊંચો કર્યો છે. ઓફ કોર્સ, આપણા કરતાં થોડી વધુ વસ્તી ધરાવતો દેશ ચાઈના કે આપણા કરતાં ઓછી વસ્તી ધરાવતા જાપાન, કોરિયા કે ઇન્ડોનેશિયા જેવાં દેશોના ખેલાડીઓ આપણા દેશ કરતાં વધુ મેડલ જીતી લાવ્યા છે.

-પણ આપણા દેશના નઘરોળ સરકારી તંત્રમાંથી અને સ્પોર્ટ્સ પ્રત્યે તથા નવી પેઢી માટેના નિરાશાવાદી સામાજિક અભિગમને ચીરીને જે તાકાતથી આપણા રમતવીરો વિશ્વના મેદાનમાં ખીલ્યા છે તે અભૂતપૂર્વ છે અને આવા જ પેશનેટ બાળકોની આ દેશને જરૂર છે. બેઠા બેઠા મોટી વાતો કરવાથી દેશને ફયદો થાય કે ચુપચાપ પોતાનું કામ કરનારાઓથી?

facebook.com/abhimanyu.modi 7