હિરણ્યકશિપુની કથા - Sandesh

હિરણ્યકશિપુની કથા

 | 12:02 am IST

ભાગવત સરીતા

અગાઉના સ્ક્રંધમાં આપણે કશ્યપ ઋષિ અને અદિતીની કથા સાંભળી હતી. દિતીના ખોળે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એમ બે અસુર પુત્રોએ જન્મ લીધો. હિરણ્યાક્ષને વરાહ ભગવાને મારી નાખ્યો એટલે પોતાના ભાઈનું વેર લેવા માટે હિરણ્યાકશિપુએ સંકલ્પ કર્યો.

હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત ઉપર દશ હજાર વર્ષ તપ કરવાના સંકલ્પ સાથે ગયો. મંદરાચલ પર્વત ઉપર જઈ હિરણ્યકશિપુએ અન્ન-જળનો ત્યાગ કર્યો અને સ્થિર ચિત્તે તેણે બ્રહ્માજીનું સ્મરણ આરંભ કર્યું. હિરણ્યકશિપુનું આવું આકરું તપ જોઈને દેવો ગભરાયા આથી તેમણે બૃહસ્પતિને વિનંતી કરી કે, ‘હે પ્રભુ! ગમે તેમ કરીને આપ આ હિરણ્યકશિપુનું તપ ભંગ કરાવો નહીંતર અનર્થ સર્જાશે.’

અહીં આપણે મનુષ્યોએ એક વાતની સમજણ કેળવવી પડશે કે ભલે તે અસુર હોય કે દેવ હોય પણ જ્યારે સંપૂર્ણ નિષ્ઠાથી અને નિર્ભૂલ કર્તવ્ય કરીએ તો શ્રીહરિ તેનું ફળ અવશ્ય આપે જ છે. ફળ મેળવ્યા પછી તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના ઉપર તમારા અસ્તિત્વનો આધાર છે. હિરણ્યકશિપુનો સંકલ્પ પવિત્ર નથી તપથી બળવાન થઈ તેનો હેતુ કેવળ શ્રીહરિને મારવાનો છે. આ શુભ આશય નથી એક અપવિત્ર અને આસુરી આશય છે. આપણે કોઈપણ તપ અથવા સાધના કરીએ છીએ તેનો આશય શ્રીહરિ અંતર્યામીપણે જાણી જ લે છે. માટે તપ-સાધના, પ્રાર્થના કરતી વખતે આપણો આશય હંમેશાં પવિત્ર અને શુભ હોવો જોઈએ.

દેવોની વિનંતી સાંભળી હિરણ્યકશિપુ જે સ્થાને તપ કરવા બેઠો હતો તે સ્થાને બૃહસ્પતિ પોપટનું રૂપ લઈ બેસી ગયા અને નારાયણ…નારાયણ…નારાયણ…એમ બોલવા લાગ્યા. હિરણ્યકશિપુ તો ધ્યાનમાં લીન છે, પણ અચાનક નારાયણ…નારાયણ…નારાયણ…નો અવાજ સાંભળી તે આંખો ખોલી નાખે છે અને પેલા પોપટને જુએ છે. હિરણ્યકશિપુ વિચારે છે, આ પોપટ મારા શત્રુનું નામરટણ કર્યા કરે છે અને તે પણ મારી નજીક આવી. આથી, આ સમય શુભ નથી ચાલો થોડા દિવસ પછી હું તપનો પ્રારંભ કરીશ. આમ વિચારી હિરણ્યકશિપુ પોતાના ઘરે પાછો ફરે છે. હિરણ્યકશિપુની પત્ની કયાધુ પતિને ઘરે પાછો ફરેલો જોઈ વિસ્મય પામે છે. પત્ની કયાધુ ખૂબ જ ધાર્મિક છે, ઊચ્ચ વિચારો ધરાવનારી સ્ત્રી છે. કયાધુ વિચારે છે કે, નક્કી કંઈ વાત છે મારે આ રહસ્ય જાણવું પડશે. જુઓ, સુલક્ષિણી સ્ત્રી ક્યારેય પતિ પાસેથી રહસ્ય જાણવા માટે તેની સાથે ઝઘડતી નથી કે જીદ્ નથી કરતી તે હંમેશાં ધીરજ રાખી કળથી વાત કઢાવે છે. કયાધુએ ભોજનમાં પતિને ભાવતા પકવાન બનાવ્યા છે. કયાધુએ પતિનું સ્વાગત કર્યું તેની સેવા કરી, તેના ચરણ પખાળ્યા અને ત્યારબાદ તેને ઉત્તમ ભોજન પીરસ્યું. પુરુષના દિલમાં પ્રવેશવાનો રસ્તો તેના પેટમાંથી જાય છે. આથી જે સ્ત્રીએ પુરુષને ખુશ કરવો હોય તેણે રસોઈકળામાં નિપુણ થવું. જો તે પતિને સ્વાદિષ્ટ રસોઈ જમાડશે તો ચોક્કસ પતિના દિલમાં સ્થાન પામી જશે અને તેના દિલની વાત પણ સરળતાથી જાણી શકશે.

પ્રેમથી ભોજન કરાવતાં કરાવતાં કયાધુએ પૂછયું, ‘હે નાથ! આમ અચાનક આપ વનમાંથી પાછા કેમ ફર્યા? કોઈ વિઘ્ન આવ્યું કે શું?’ હિરણ્યકશિપુ કહે, ‘પ્રિયે! હું તપ કરતો હતો ત્યાં એક પોપટ મારી સમીપ આવીને નારાયણ…નારાયણ…બોલતો હતો.’ પત્નીએ વિચાર્યું ભલે અજાણતા પણ પતિદેવ નારાયણનું નામ તો બોલ્યા. આથી તેણે ફરીથી પૂછયું, ‘સ્વામી પેલો પોપટ શું બોલતો હતો મેં બરોબર સાંભળ્યું નહીં?’ હિરણ્યકશિપુ કહે, ‘નારાયણ…નારાયણ…’ પત્ની કહે, ‘સ્વામીનાથ, સાંભળવામાં આપની ભૂલ થઈ જશે.’ હિરણ્યકશિપુ કહે, ‘મેં બરાબર સાંભળ્યું હતું તે નારાયણ…નારાયણ…એમ મારા શત્રુનું જ નામ બોલતો હતો.’ પત્નીએ વિચાર્યું કે ચાલો આમ કરીને મેં તેમના મુખેથી શ્રીહરિનું નામ સ્મરણ કરાવી લીધું. હિરણ્યકશિપુ થોડા દિવસ મહેલમાં રોકાય છે, તેવામાં પત્ની કયાધુ સગર્ભા થઈ અને પ્રહલાદજી કયાધુના ગર્ભમાં પધાર્યા. આ બાજુ હિરણ્યકશિપુ પાછો તપ કરવા જાય છે અને કઠોર તપ કરે છે.

હિરણ્યકશિપુ કઠોર તપ આદરે છે આથી બ્રહ્માજીએ પણ તેને વરદાન આપવું પડે છે. હવે હિરણ્યકશિપુ વરદાન પ્રાપ્ત કરી ખૂબ જ બળવાન થયો છે, અજેય થયો છે, કોઈનાથી મૃત્યુ ન પમાય તેવું વરદાન મેળવ્યું છે. હિરણ્યકશિપુએ વરદાન પ્રાપ્ત કર્યું કે બ્રહ્મા દ્વારા સર્જેલા કોઈપણ પ્રાણીથી મારું મૃત્યુ ન થાઓ. હું દિવસે ન મરું, રાત્રે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, કોઈપણ પ્રકારના શસ્ત્ર કે અસ્ત્રથી મારું મૃત્યુ થાય નહીં, સર્વપ્રકારનો મહિમા મને પ્રાપ્ત થાય, હું અવિનાશી થઉં અને સર્વપ્રકારના ઐશ્વર્યથી યુક્ત થઉં અને યુદ્ધમાં સદાય હું જ વિજયી રહું અને મારી સામે યુદ્ધ કરનારનો હંમેશાં પરાજય થાય. આ પ્રકારે વરદાનથી સંપન્ન થઈ હવે હિરણ્યકશિપુએ પોતાને મળેલી શક્તિનો ઉપયોગ તેણે દેવોને રંજાડવામાં કર્યો અને તેણે ઈન્દ્રાદિ દેવોનો પરાજય કર્યો.

[email protected]