Hitesh Manubhai Patel Accept Call Center Scam
  • Home
  • Featured
  • અમેરિકનોને તેમના જ ઘરમાં બરાબરના ખંખેરનારા ગુજરાતીએ આખરે ગુનો કબુલ્યો

અમેરિકનોને તેમના જ ઘરમાં બરાબરના ખંખેરનારા ગુજરાતીએ આખરે ગુનો કબુલ્યો

 | 7:22 am IST

ભારતમાં આવેલા કોલ સેન્ટરોનો દુરુપયોગ કરી અમેરિકન નાગરિકો સાથે કરોડો ડોલરની છેતરપિંડીના આરોપનો સામનો કરી રહેલા ગુજરાતના અમદાવાદના હિતેશ મનુભાઇ પટેલે અમેરિકી અદાલતમાં પોતાનો અપરાધ કબૂલી લીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર હિતેશ પટેલ કૌભાંડમાં સંડોવાયેલા ભારત સ્થિત કોલ સેન્ટરોનું સંચાલન અને ફંડિંગ કરતો હતો. આ કોલ સેન્ટરોના કોલર્સ અને અમેરિકા સ્થિત આ કૌભાંડના કાવતરાખોરોએ 2013થી 2016ના સમયગાળામાં અમેરિકન નાગરિકોને શિકાર બનાવી તેમની સાથે કરોડો ડોલરની છેતરપિંડી કરી હતી.

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, અમદાવાદના ૪૩ વર્ષીય હિતેશ મનુભાઇ પટેલ ઉર્ફે હિતેશ હિંગલાજે વાયર ફ્રોડ કોન્સ્પિરસી અને જનરલ કોન્સ્પિરસીના આરોપો કબૂલી લીધા છે. તેણે અન્યો સાથે મળીને ઓળખ આધારિત છેતરપિંડી, ડિવાઇસ આધારિત છેતરપિંડી, મની લોન્ડરિંગ અને પોતાને અમેરિકી સરકારના અધિકારી તરીકે રજૂ કરવાના આરોપની પણ કબૂલાત કરી છે.  ટેલિફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં એપ્રિલ 2019માં સિંગાપોરથી અમેરિકા ખાતે પ્રત્યાર્પિત કરાયા પછી હિતેશ પટેલ સામે ટેલિફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ખટલાની સુનાવણીનો પ્રારંભ કરાયો હતો. અમેરિકી સત્તાવાળાઓએ કૌભાંડ પકડી પાડયા પછી હિતેશ પટેલ સિંગાપોર નાસી ગયો હતો. અમેરિકાએ સપ્ટેમ્બર 2018માં હિતેશ પટેલ સામે પ્રોવિઝનલ એરેસ્ટ વોરંટ જારી કર્યા બાદ સિંગાપોરના સત્તાવાળાઓએ હિતેશ પટેલની અટકાયત કરી અમેરિકાને સોંપી દીધો હતો. આસિસ્ટન્ટ એટર્ની જનરલ બ્રાયન બેન્ઝકોવસ્કીએ જણાવ્યું હતું કે, ભારત સ્થિત આ મોટી છેતરપિંડીમાં હિતેશ પટેલે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો સાથે કરોડો ડોલરની છેતરપિંડી કરી હતી.

મોડસ ઓપરેન્ડી

હિતેશ પટેલ દ્વારા ગુજરાતના અમદાવાદ ખાતે સંચાલિત કોલ સેન્ટરોના કર્મચારીઓ પોતાને યુએસના કર્મચારી ગણાવી અમેરિકન નાગરિકોને કોલ કરતા હતા. તેમને પેનલ્ટી, ધરપકડ, જેલની સજા જેવી ધમકી ઉચ્ચારી નાણા ખંખેરવાનો ગોરખધંધો ચલાવતા હતા. તેઓ ભોગ બનનાર અમેરિકન નાગરિકને જનરલ પરપઝ રિલોડેબલ કાર્ડ અથવા વાયર ટ્રાન્સફર દ્વારા નાણા મોકલી આપવાની ધમકી આપતા હતા. આ રીતે તેમણે આખા અમેરિકામાં શિકાર બનાવ્યા હતા.

ભારતના કોલસેન્ટરોમાં કૌભાંડની યોજનાઓ તૈયાર કરાતી હતી

HGLOBAL સહિતના આ કોલ સેન્ટરોમાં છેતરપિંડીની યોજનાઓ તૈયાર કરાતી હતી. અમેરિકન નાગરિકો પાસેથી ખંખેરી લેવાયેલા નાણાની આપલેનો સંદેશાવ્યવહાર ઇ-મેઇલ અને વોટ્સએપ મેસેજ દ્વારા કરાતો હતો. હિતેશના પર્સનલ ઇ-મેલ એકાઉન્ટમાં તમામ કોલ સેન્ટરના માસિક આવક અને ખર્ચના હિસાબકિતાબ મોકલાતા હતા. હિતેશ પટેલે કબૂલાત કરી છે કે તેણે અમેરિકન નાગરિકો સાથે ૨૫થી 65 મિલિયન ડોલરની છેતરપિંડી કરી છે. આ કેસના એક સહઆરોપીએ હિતેશ પટેલને મુખ્ય આરોપી ગણાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં હિતેશ પટેલ બોસ હતો.

આ વીડિયો પણ જુઓ : થાઈલેન્ડનું ‘સ્વર્ગ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન