હોળી પ્રાગટય - Sandesh

હોળી પ્રાગટય

 | 1:55 am IST

સંધ્યા સમયે શા માટે ? દરરોજ સંધ્યા સમયે સૂર્યાસ્ત પછી એક ઘડી (૨૪ મિનિટ) સુધી સુષુમણા નાડી ચાલે છે. માનવજીવનનું નજીકના સહવાસનું પક્ષી કાગડો પણ આ સમયે (સંધ્યા સમયે) સૌથી વધુ ઊડી શકે છે. સંગીતશાસ્ત્રની દ્રષ્ટિએ કલ્યાણ રાગનો સમય સંધ્યાકાળ છે માટે દેવમંદિરોમાં સંધ્યા આરતીના સમય સૂર્યોદય-સૂર્યાસ્તના સમય મુજબ બદલાતા રહે છે. આમ ઊદિયાત પૂનમ તિથિ કે મુહૂર્ત-ચોઘડિયાની બાબતોને આ તહેવારમાં બીનજરૂરી ગણેલ છે. હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોય ત્યારે પણ હોલિકાદહન કરી શકાય છે.

આજથી ૩૧ (એકત્રીસ) વર્ષ અગાઉ કહેવાતા પંડિતોની સૂચનાથી (જૂજ અપવાદો સિવાય) સમગ્ર ગુજરાતમાં ભરબપોરે ૨-૦૦ વાગ્યે હોળી પ્રગટી હતી. કર્મકાંડી પંડિતોની દલીલ હતી કે હોળીનું મુહૂર્ત બપોરે ૩-૦૦ કલાકે વીતી જતું હતું. આ ઘટના પછી ગણતરીના દિવસોમાં ખેડૂતો અને લોકોએ આ બાબતે મૂર્ખ બન્યાની લાગણી અનુભવતી હતી.

આવતા વર્ષે હુતાસણી-હોળી તા.૨૦ માર્ચ ૨૦૧૯ને બુધવારે આવશે.

રાજસ્થાનમાં હોળી ધુળેટીનું વિશેષ મહત્ત્વ શા માટે?

ગુજરાતમાં વર્ષની ગણના કારતક સુદ એકમથી આસો વદ અમાસ સુધી હોય છે. ઉત્તર ભારત તથા રાજસ્થાનમાં વર્ષની ગણના ચૈત્રથી ફાગણ માસ સુધી થાય છે. વળી ગુજરાત તથા મહારાષ્ટ્રમાં દરેક દેશી માસ (ચાંદ્ર માસ)માં સુદ પક્ષ (શુકલ પક્ષ- અજવાળિયું) પ્રથમ અને વદ પક્ષ (કૃષ્ણ પક્ષ- અંધારિયું) પછી આવે છે. જ્યારે ઉત્તર ભારત તથા રાજસ્થાનમાં પ્રથમ વદ પક્ષ અને પછી સુદ પક્ષ હોય છે. બાકી બધી ખગોલીય ગણતરી તિથિ, નક્ષત્ર, ચંદ્ર રાશિ વગેરે યથાવત્ હોય છે.

આમ ગુજરાત-મહારાષ્ટ્રમાં અને રાજસ્થાન-ઉત્તર ભારતમાં સુદ પક્ષમાં ચાંદ્રમાસના નામ સરખા હોય છે. જ્યારે વદ પક્ષમાં રાજસ્થાન-ઉત્તર ભારતમાં પછીના માસનું નામ હોય છે. દા.ત. કારતક સુદ બંને પદ્ધતિમાં સરખા છે, પરંતુ આપણા કારતક વદમાં ત્યાં માગશર વદ નામ અપાય છે. આમ બારેય માસમાં સમજવું. આથી હોળી એ રાજસ્થાનમાં વર્ષનો અંતિમ (છેલ્લો) દિવસ હોય છે. ધુળેટીનો દિવસ રાજસ્થાનમાં નવા વર્ષનો પ્રથમ દિવસ (ચૈત્ર વદ એકમ) બને છે. તેનું ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સારી રીતે સમજાય છે. આથી ધુળેટીના પર્વે નૂતન વર્ષનો વિશેષ આનંદ જોવા મળે છે.

હોળી ધુળેટીનું ધાર્મિક મહત્ત્વ

(૧) ફાગણ સુદ પૂનમની સાંજે હોલિકાદહન સમયે હોળીની અગ્નિજવાળાના દર્શન કરવા. વસંત ઋતુમાં તૈયાર થયેલ નવીન ધાન્ય (ધાણી-ચણા), ખજૂર, કંકુ-ચોખા-શ્રીફળ વગેરે દ્રવ્યોથી હોળીનું પૂજન કરવું. પહેલી હોળીના દર્શન કરનાર બાળકો તથા નવી વહુને વિશેષ શ્રદ્ધાપૂર્વક વાજતે ગાજતે અથવા ઘંટડીના નાદ સાથે દર્શન કરાવાય છે. આ દિવસે ઉપવાસ કરવાનો હોતો નથી. પરંતુ દિવસે હોળી ભૂખ્યા રહીને સાંજે હોળીની અગ્નિજવાળાના દર્શન કર્યા પછી ભોજન કરવામાં આવે છે. પૂનમ ક્ષયતિથિ હોય ત્યારે અથવા પૂનમ તિથિ વહેલી સમાપ્ત થતી હોય ત્યારે વ્રતની પૂનમની માફક હોળીનું પર્વ ઉજવાય છે. હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોય ત્યારે પણ હોલિકાદહન કરી શકાય છે.

(૨) આંબાના મ્હોરના રસમાં રોગ પ્રતિકારકશક્તિનો ગુણ હોવાથી ઘણા પરિવારોમાં આ દિવસે સાંજે કે ધુળેટીની સવારે નાના બાળકને પ્રથમ વાર આંબાના મ્હોરનો રસ પીવડાવવાનો રિવાજ હોય છે. આ વિધિને ‘આમ્રકુસુમ પ્રાશન’ કહે છે.

(૩) હોળીની પ્રદક્ષિણા સમયે સૂર્યના મંત્ર, ચંદ્રના મંત્ર, સૂર્ય-ચંદ્ર બંનેના મંત્ર તથા આરોગ્યવૃદ્ધિ માટે પોતાની રાશિના અધિપતિ ગ્રહના મંત્રોના ઉચ્ચાર કરવાનો વિશેષ મહિમા છે.

(૪) કેસૂડાંના ફૂલ એક થાળમાં લઈને સાંજે પૂર્વ દિશામાં પૂનમના પૂર્ણ ચંદ્રના દર્શન કરવા. ત્યારબાદ આશરે પાંચ ઘડી (૨ કલાક) સુધી આ ફૂલનો થાળ ચાંદનીમાં રાખવો. તાંબાના કે માટીના પાત્રમાં આખી રાત પાણીમાં રાખવા. ધુળેટીની સવારે આ પાણીથી સ્નાન કરવાથી આરોગ્યની વૃદ્ધિ થાય છે.

બારેય રાશિના લોકોએ હોળીના દર્શન સમયે કયા મંત્ર કરવા જોઈએ?

(૧) મેષ- સૂર્ય, ચંદ્ર તથા મંગળનો મંત્ર કરવો.

(૨) વૃષભ- સૂર્ય, ચંદ્ર તથા શુક્રનો મંત્ર કરવો.

(૩) મિથુન-સૂર્ય, ચંદ્ર તથા બુધનો મંત્ર કરવો.

(૪) કર્ક-સૂર્ય, ચંદ્રનો મંત્ર કરવો.

(૫) સિંહ- સૂર્ય, ચંદ્રનો મંત્ર કરવો.

(૬) કન્યા- સૂર્ય, ચંદ્ર તથા બુધનો મંત્ર કરવો.

(૭) તુલા- સૂર્ય, ચંદ્ર તથા શુક્રનો મંત્ર કરવો.

(૮) વૃશ્ચિક – સૂર્ય, ચંદ્ર તથા મંગળનો મંત્ર કરવો.

(૯) ધનુ- સૂર્ય, ચંદ્ર તથા ગુરુનો મંત્ર કરવો.

(૧૦) મકર- સૂર્ય, ચંદ્ર તથા શનિનો મંત્ર કરવો.

(૧૧) કુંભ- સૂર્ય, ચંદ્ર તથા શનિનો મંત્ર કરવો.

(૧૨) મીન- સૂર્ય, ચંદ્ર તથા ગુરુનો મંત્ર કરવો.

હુતાસણીના આધારે હવામાનની આગાહી થઈ શકે છે.

હુતાસણી- હોળી એટલે ફાગણ સુદ પૂનમનો દિવસ તા.૨૧મી માર્ચ-વસંત સંપાતદિન-ખાગોલીય વિષુવદિનની નજીકની પૂનમ હોવાથી ખગોળશાસ્ત્રીય તથા ભારતીય ઋતુવિજ્ઞાાનની દ્રષ્ટિએ તેનું મહત્ત્વ વધી જાય છે. હોળી એ ઉનાળાનું મુખ છે. ઋતુવિજ્ઞાાનની દ્રષ્ટિએ આગામી ચોમાસાની અસરો જાણવા માટે-અંદાજ મૂકવાનો અવલોકન દિન છે.

ફાગણ સુદ પૂનમની સાંજે સૂર્યાસ્ત પછી ખુલ્લા મેદાનમાં હુતાસણી પ્રગટતી વખતે અનુભવી લોકો પવનની દિશા તથા હોળીની અગ્નિ જવાળાઓ કઈ દિશામાં જાય છે તેનું ખાસ અવલોકન કરે છે.

આ અંગે સવાસો વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલ હવામાનના શ્રધ્ધેય ગ્રંથ “ચોમાસાના વર્તારાનો કોહિનૂર” જણાવે છે કે, હોળી ખુલ્લા મેદાનમાં પ્રગટાવવી જરૂરી છે. નાની નાની વધુ સંખ્યાની હોળીઓ કરતાં એકાદ બે મોટી હોળી વધુ ઉપયોગી થઈ શકે.

હુતાસણીના આધારે પૂર્વાનુમાન

(૧) ઉત્તરનો વાયુ હોય તો શિયાળો લાંબો થશે, પરંતુ વરસાદ સારો થાય.

(૨) પિૃમનો વાયુ હોય તો વરસાદ માટે શુભ ફળ ગણાય.

(૩) દક્ષિણનો પવન હોય તો વર્ષ કરકરું (મધ્યમ) અને રોગનો ભય. પશુધનમાં હાનિ.

(૪) પૂર્વ દિશાનો વાયુ ખંડવૃષ્ટિ- કર્માધર્મી વરસાદ સૂચવે છે.

(૫) ઈશાની પવન વાય તો ઠંડી વધે. ઉનાળો મોડો બેસે.

(૬) અગ્નિ દિશામાંથી પવન વાય તો દુષ્કાળ સૂચવે. વર્ષાનો અભાવ સૂચવે.

(૭) નૈઋત્યમાંથી પવન હોય તો વર્ષ સાધારણ- મધ્યમ વરસાદ અને ખંડવૃષ્ટિના યોગ બને.

(૮) વાયવ્યમાંથી પવન હોય તો સારો વરસાદ- સારી ઉપજ સૂચવે.

(૯) જો ચારેય દિશાનો આકાશમાં ઘૂમરી લેતો વાયુ વાય તો કાળ પડે. પશુ તથા પ્રજાને પીડા સૂચવે છે.

તા.૧માર્ચને ગુરુવારે સંધ્યાસમયે હોલિકાદન છે.

પંચાંગ ગણિત મુજબ સવાસો વર્ષમાં હુતાસણી સૌથી વહેલી (ફેબ્રુઆરી માસની આખરમાં) ક્યારે આવી? સૌથી મોડી (માર્ચ માસની આખરમાં) ક્યારે આવી છે? તેની વિગતો અત્રે ખગોળરસિક અને અનુભવી ખેડૂતોના અભ્યાસ માટે ખાસ પરિશ્રમ લઈને તૈયાર કરી છે.

વહેલી હુતાસણી

(૧) તા.૨૮-૦૨-૧૮૯૬ શુક્રવાર.

(૨) તા.૨૮-૦૨-૧૯૦૭ ગુરુવાર

(૩) તા.૨૭-૦૨-૧૯૨૬ શનિવાર

(૪) તા.૨૬-૦૨-૧૯૪૫ સોમવાર

(૫) તા.૨૭-૦૨-૧૯૬૪ ગુરુવાર

(૬) તા.૨૯-૦૨-૧૯૭૨ મંગળવાર

(૭) તા.૨૮-૦૨-૧૯૯૧ ગુરુવાર

(૮) તા.૨૮-૦૨-૨૦૧૦ રવિવાર

મોડી હુતાસણી

(૧) તા.૨૫-૦૩-૧૯૧૦ શુક્રવાર

(૨) તા.૨૭-૦૩-૧૯૧૮ બુધવાર

(૩) તા.૨૬-૦૩-૧૯૩૭ શુક્રવાર

(૪) તા.૨૬-૦૩-૧૯૫૬ સોમવાર

(૫) તા.૨૭-૦૩-૧૯૭૫ ગુરુવાર

(૬) તા.૨૮-૦૩-૧૯૮૩ સોમવાર

(૭) તા.૨૮-૦૩-૨૦૦૨ ગુરુવાર

(૮) તા.૨૮-૦૩-૨૦૧૩ બુધવાર