શું તમારા ઘરમાં કોઇના લગ્ન છે, તો ખાસ વાંચી લો 'આ' હોમ ડેકોરેશનની ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • શું તમારા ઘરમાં કોઇના લગ્ન છે, તો ખાસ વાંચી લો ‘આ’ હોમ ડેકોરેશનની ટિપ્સ

શું તમારા ઘરમાં કોઇના લગ્ન છે, તો ખાસ વાંચી લો ‘આ’ હોમ ડેકોરેશનની ટિપ્સ

 | 3:11 pm IST

લગ્ન ભલે ઘરમાં ન થવાનાં હોય પણ મહેમાનો આવે એટલે ઘરને જોઈને લાગવું જોઈએ કે અહીં લગ્ન છે. સાચું ને? થોડા સમયથી આ ચીજ જાણે એક ટ્રેન્ડ બની ગઈ છે અને લોકો લગ્નમાં પોતાના ઘરને પણ ડેકોરેટ કરવા માટે પ્રોફેશનલ ડેકોરેટરની મદદ લઈ રહ્યા છે. લગ્ન પ્રસંગોએ ઘરને ડેકોરેટ કરવામાં સાચાં ફૂલોનો વપરાશ મુખ્યત્વે છે, જ્યારે વધારે દિવસ સુધી ડેકોરેશન સારું રાખવા તેમ જ ફરી એને બીજી વાર વાપરવાના હેતુથી આર્ટિફિશ્યલ આઇટમોનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. તો જોઈએ કઈ રીતે ઘરને ડેકોરેટ કરી પ્રાસંગિક માહોલ ઊભો કરી શકાય.

આર્ટિફિશ્યલ હોમ ડેકોર
આવું ડેકોરેશન કોસ્ટ-ઇફેક્ટિવ પણ છે, કારણ કે સાચાં ફૂલો કરતાં આવાં ખોટાં ફૂલોનું ડેકોરેશન પ્રમાણમાં સસ્તું હોય છે. બીજો પ્રકાર એટલે સિલ્વર અને ગોલ્ડન રંગનાં આર્ટિફિશ્યલ ફૂલો જે દેખાવમાં ખરેખર ખૂબ સુંદર અને મેટાલિક લુક આપે છે. આવું ડેકોરેશન સાંજના સમયે સંગીત-સંધ્યા કે મેંદી રસમમાં લાઇટ ઇફેક્ટ સાથે ખૂબ સારો લુક આપે છે.

નેટનું ડેકોરેશન
જેમ ડ્રેસિસ અને સાડીઓમાં નેટ ટ્રેન્ડમાં છે એ જ રીતે ઘરને ડેકોરેટ કરવા માટે પણ ગોલ્ડન, સિલ્વર તેમ જ રંગબેરંગી ચળકતી નેટનો વપરાશ ખૂબ વધ્યો છે. નેટમાંથી દીવાલો પર પડદા જેવો લુક આપી શકાય છે, જે દેખાવમાં સારું લાગે છે.

ફૂલોની લડીઓ
હવે લોકો રંગબેરંગી કરતાં સફેદ ડેકોરેશન વધારે પ્રિફર કરે છે, જેમાં રજનીગંધાનાં ફૂલોનો ઉપયોગ મુખ્યત્વે થાય છે. રજનીગંધાનાં ફૂલોની લડીઓ બનાવીને એના પડદા તેમ જ શામિયાના જેવો લુક આપવામાં આવે છે. થોડા વધુ સુગંધિત વાતાવરણ માટે મોગરાની કળીઓની માળા તેમ જ લડીઓ પણ બનાવી શકાય, પણ અહીં પ્રોબ્લેમ એ છે કે મોગરાનાં ફૂલો ખૂબ ઝડપથી કરમાઈ જાય છે. એની સરખામણીમાં રજનીગંધા વધુ ડ્યુરેબલ છે. આ સિવાય ગલગોટાનાં ફૂલોનું ડેકોરેશનનો ટ્રેન્ડ તો ખૂબ જૂનો છે, જે દેખાવમાં ખૂબ સુંદર અને પરંપરાગત લુક આપે છે.

લોન્ગ લાસ્ટિંગ ફ્લાવર્સ
આવાં ફૂલોનું ડેકોરેશન ખિસ્સામાં થોડું મોટું કાણું પાડે છે, પણ દેખાવમાં પણ એ ખૂબ રોયલ લાગે છે. કાર્નેશન, ઝરબેરા, ઓર્કિડ, બર્ડ ઓફ પેરેડાઇઝ આ બધા જ પ્રકારનાં ફૂલો 7-8 દિવસ સુધી ટકી રહે છે. માટે જો રિયલ ફ્લાવર્સનું ઘરમાં ડેકોરેશન કરવું હોય તો લગ્નના પ્રસંગો શરૂ થવાના એક દિવસ પહેલાં જ આ ફૂલોથી ઘરેને ડેકોરેટ કરી શકાય. આ ડેકોરેશનમાં લીલા રંગની ફોમની ઈંટ પર ફૂલો લગાવવામાં આવે છે.