હવે મોબાઈલ એપ દ્વારા પોલીસ કરશે પાસપોર્ટનું વેરીફીકેશન - Sandesh
  • Home
  • Gandhinagar
  • હવે મોબાઈલ એપ દ્વારા પોલીસ કરશે પાસપોર્ટનું વેરીફીકેશન

હવે મોબાઈલ એપ દ્વારા પોલીસ કરશે પાસપોર્ટનું વેરીફીકેશન

 | 5:27 pm IST

હવેથી ગુજરાતમાં ૬૮ લાખ ગુનેગારોનો ડેટા પોલીસના ખિસ્સામાં રહેશે. જેનાથી પોલીસ ગુનેગારો, ખોવાયેલી વ્યક્તિઓ, વાહનોને ઝડપથી શોધી કાઢશે. ગૃહ વિભાગે મોબાઈલ ગર્વનન્સની શ્રેણીમાં નવા ઉમેરાયેલા પોકેટ કોપ પ્રોજેક્ટને મુખ્યમંત્રી વિજય રૃપાણીએ લોન્ચ કર્યો હતો.

પોકેટ કોપ એપ્લિકેશન સાથે ૪૯૦૦ સ્માર્ટ મોબાઈલ દરેક પોલીસ મથક ઈન્ચાર્જ તપાસ અધિકારી, પીસીઆરવેન, પાસપોર્ટ વેરિફેશન કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ એપ્લિકેશનને કારણે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજીદારને પોલીસ સ્ટેશનના ધક્કા બંધ થશે અને પોલીસ સામેથી ઘરે જઈને આ પ્રક્રિયા કરી શકશે તેમ કહ્યુ હતુ. આ એપ્લિકેશનના ડેટાને કારણે ગૂનાખોરી ઉપર નિયંત્રણ આવશે, ગણતરીની સેકન્ડમાં ક્રાઈમ ડિટેક્શન થઈ શકશે તેવો વિશ્વાસ વ્યક્ત તેમણે વ્યક્ત કર્યો હતો. આગામી ત્રણ મહિનામાં ૩૩ જિલ્લાઓ અને પવિત્ર યાત્રાધામોને સીસીટીવી નેટવર્કથી સાંકળી લેવાનું જાહેર કર્યુ હતુ.

૧૫મી એપ્રિલથી શરૃ થયેલા ઈ-મેમોમાં આગળ જતા એકથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગકર્તા ચાલકનું લાયસન્સ રદ્દ કરવા તરફ સરકાર વિચારશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રૃ.૩૦૦ કરોડથી વધુના ખર્ચે સીસીટીવી નેટવર્કથી ગુનાઈત પ્રવૃતિઓ પર અંકુશ મેળવવામાં આવ્યો હોવાનું કહીને તાજેતરમાં સુરત, અમદાવાદ, રાજકોટના લૂંટ, હત્યાના કેસોના ઉકેલમાં ટેકનોલોજીના ઉકેલનું મહત્વ સમજાવ્યુ હતુ. પોકેટ કોપ પ્રોજેક્ટથી ગુજરાતની સ્માર્ટ પોલીસ વધુ સ્માટ બનશે તેમ ઉમેર્યુ હતુ.

ચીફ સેક્રેટરી ડો.જે.એન.સિંઘે વર્ષ ૨૦૧૩માં સીસીટીએનએસ અંતર્ગત ઈ- ગુજકોપ પ્રોજેક્ટ લોન્ચ કર્યાનું કહેતા તેના અમલીકરણમાં અપગ્રેડેશનમાં ગુજરાત નંબર વન રાજ્ય હોવાનું જણાવ્યુ હતુ. અહીં, નોંધવુ આવશ્યક છે કે, પોકેટ કોપ પ્રોજેક્ટને રાજ્યસ્તરે અમલમાં મુકતા પહેલા ગાંધીનગર અને અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં હતો. જેના હેઠળ માત્ર બે જ મહિનામાં ૨૧૦૦ નાગરિકોને ઘરેબેઠા પાસપોર્ટ વેરિફિકેશનનો લાભ મળ્યો છે.