જો આ સ્ટાઇલથી ઘરમાં કરાવશો ફર્નિચર, તો રૂમ લાગશે એકદમ ખાલી-ખાલી - Sandesh
  • Home
  • Lifestyle
  • જો આ સ્ટાઇલથી ઘરમાં કરાવશો ફર્નિચર, તો રૂમ લાગશે એકદમ ખાલી-ખાલી

જો આ સ્ટાઇલથી ઘરમાં કરાવશો ફર્નિચર, તો રૂમ લાગશે એકદમ ખાલી-ખાલી

 | 2:13 pm IST

જેમ-જેમ મોંઘવારી વધી રહી છે એમ-એમ ઘરોની સાઇઝ પણ નાની થતી જાય છે. એ સાથે વધતી વસ્તીને કારણે જ્યાં જગ્યા મળે ત્યાં બિલ્ડરો બિલ્ડિંગ બાંધી રહ્યા છે અને ઓછી જગ્યામાં વધારે રૂમો બનાવવાની લાલચમાં રૂમો બોક્સની સાઇઝના બનાવી રહ્યા છે. જો કે ત્યાં જો બે કે ત્રણ ફર્નિચર મૂકવા જઈએ તો કદાચ માણસને રહેવાની જગ્યા જ ન બચે. પણ જો આ સ્પેસ-સેવિંગ ફર્નિચરના કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે તો જોઈતી વસ્તુઓ પણ આવી જાય અને પૂરતી જગ્યા પણ મળી રહે છે.’

શૂ-રેક
પહેલાં આપણે આપણાં ચંપલ ઘરની બહાર જ મૂકતા, પણ હવે ફ્લેટ બનવા લાગ્યા છે તો ચંપલને પણ ઘરમાં જ મૂકવામાં આવે છે. એટલે ચંપલ મૂકવા માટે અને ઘરનો લુક પણ સારો આવે એટલે હવે લોકો શૂ-રેક લેવા લાગ્યા છે, પણ જેમના ઘરે શૂ-રેક મૂકવાની જગ્યા નથી અને ચંપલ ઘરમાં સારાં નથી લાગતાં તેમના શૂ-રેકને ક્યાં મૂકે? તો તેમના માટે વોલ-માઉન્ટેડ શૂ-રેકનો ઓપ્શન સારો છે. એ તમારા વોલ પર અટેચ થઈ જાય છે.

પલંગ
આપણા બધાની ઇચ્છા હોય છે કે આપણા રૂમમાં એક કિંગ સાઇઝનો પલંગ હોવો જોઈએ જેના પર ઊંઘવાથી આપણને રાજાશાહી ફીલ થાય. જોકે આ કિંગ સાઇઝ બેડ તમારા બેડરૂમની વધારે પડતી જગ્યા રોકે છે, પણ જો આ કિંગ સાઇઝ બેડને તમે દીવાલ પર અટેચ કરી દો તો? થોડું કન્ફ્યુઝન જેવું લાગે છેને? પણ આ હકીકત છે. આ કિંગ સાઇઝ બેડને તમે જરૂરિયાત ન હોય ત્યારે દીવાલ પર અટેચ કરી શકો છો અને જરૂરિયાત હોય ત્યારે એને ખોલીને વાપરી શકો છો.

ડાઇનિંગ ટેબલ
એક ડાઇનિંગ ટેબલ સાથે ચાર-પાંચ ખુરસીઓ હોય તો આપણા રૂમમાં આપણા માટે જ જગ્યા બચશે નહીં. જોકે એનો મતલબ એ નથી કે ઘરમાં ડાઇનિંગ ટેબલ ન રાખવું. ડાઇનિંગ ટેબલ પણ બેડની જેમ એ રીતે આવે છે કે તમારી જગ્યા પણ બચે છે અને તમે ઇચ્છો ત્યારે ડાઇનિંગ ટેબલ વાપરી પણ શકો છો. આમાં ટેબલ સાથે જે ચેર આવે છે એ ચેર જરૂર પડે ત્યારે બહાર કાઢી શકાય અને જરૂર ન હોય ત્યારે એને ટેબલની અંદર મૂકી શકાય.

સ્પેસ-સેવિંગ ફર્નિચરમાં બીજી પણ ઘણી વરાઇટી છે. આ મોટાં-મોટાં ફર્નિચર સિવાય સ્પેસ-સેવિંગ ફર્નિચરમાં નાનાં ફર્નિચરોનો પણ સમાવેશ થાય છે જેમાં સ્ટૂલ અને ખુરસીઓ, સોફાઓ, મિરરમાં તમે સ્ટોરેજ કરી શકો એવો મિરર, લાઇબ્રેરી વગેરે પણ આવી જાય છે.