ઘરઆંગણે શાકભાજીનું વાવેતર અને કાળજી - Sandesh
 • Home
 • Supplements
 • Stree
 • ઘરઆંગણે શાકભાજીનું વાવેતર અને કાળજી

ઘરઆંગણે શાકભાજીનું વાવેતર અને કાળજી

 | 1:11 am IST

ગાર્ડનિંગ । પુષ્પાંજલિ

શાકાહારી મનુષ્યના જીવનમાં તંદુરસ્તી, વૃદ્ધિ અને વિકાસ માટે શાકભાજી એક અગત્યનું અનિવાર્ય અંગ છે. તેમાંથી અગત્યના પોષક તત્ત્વો ઉપરાંત વિપુલ પ્રમાણમાં ક્ષાર અને પ્રજીવકો મળે છે. આયુર્વેદિક દૃષ્ટિએ પણ આહારમાં શાકભાજીનો ઉપયોગ સ્વીકાર્ય બનેલ છે. તે તંદુરસ્તીની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. આપણા દેશમાં વસતીના પ્રમાણમાં શાકભાજી પાકોનું ઉત્પાદન ઓછું હોવાથી હાલમાં આપણને વ્યક્તિ દીઠ ૧૭૦ ગ્રામ શાકભાજી ઉપલબ્ધ થાય છે. આમ ઊંચા ભાવ ચૂકવવા છતાં તાજાં અને સારી ગુણવત્તા ધરાવતાં શાકભાજી મળી શકતાં નથી અને જંતુનાશક ઝેરી દવાઓના વધુ પડતા અવશેષવાળા કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાની શક્યતા રહેલી છે. આવા સંજોગોમાં આપણે ઘરઆંગણે કે કિચન ગાર્ડનમાં ઉગાડવાનો શોખ કેળવવો પડશે. કિચન ગાર્ડન એટલે કે ઘર/ મકાનની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાસી, છત કે બાલ્કનીમાં ફળ, ફૂલ કે શાકભાજી વાવવામાં આવે તેને કિચન ગાર્ડન કહે છે. હાલમાં કુદરતી (ઓર્ગેનિક) શાકભાજી વધુ ઊંચા ભાવે બજારમાં ઉપલબ્ધ બનેલ છે.

ઘરઆંગણાના શાકભાજીના ફાયદાઓ

 • તાજાં અને તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર મેળવી શકાય છે.
 • પોતાને મનપસંદ શાકભાજી ઘરઆંગણે ઉછેરી જરૂરિયાત પ્રમાણે નિયમિત ઉપયોગ કરી ઘરખર્ચ બચાવી શકાય છે.
 • ઘરઆંગણે તૈયાર કરેલ શાકભાજી જંતુનાશક દવાઓના અવશેષ વિનાના અને કુદરતી સેન્દ્રિય ખાતરો દ્વારા તૈયાર કરેલ હોઈ વધુ સલામત છે.
 • ઘરઆંગણાની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ અને ચોખ્ખું રાખી શકાય છે.
 • આપણા ફાજલ સમયમાં બગીચામાં કાર્યરત બની શારીરિક વ્યાયામ મેળવી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકાય છે.
 • ઘરઆંગણાના બગીચામાં વિવિધ પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરી ઘરની શોભામાં વધારો થાય છે.
 • ઘરઆંગણે બાળકોને વિવિધ ફૂલ, છોડ, પાકની ઓળખ, ખેતી પદ્ધતિ અને તેની ઉપયોગિતાની માહિતી પ્રત્યક્ષ મળી શકે છે.
 • ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદુપયોગ થતાં પ્રદૂષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે.

ઘરઆંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદ્દાઓ

 • હવામાન, ઋતુ અને વિસ્તાર પ્રમાણેના શાકભાજીના પાકની વાવેતર માટે પસંદગી કરવી.
 • ઘરઆંગણાની જગ્યાએ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે.
 • ઘરઆંગણાની જગ્યા અનુસાર ખરીફ, રવી અને ઉનાળુ શાકભાજીના પાકની પસંદગી કરવી હિતાવહ છે.
 • રીંગણી, મરચી, ટામેટી, કોબીજ, ફૂલાવર, ડુંગળી જેવા પાકને ધરુ ઉછેર કરી ક્યારામાં વાવવા જોઈએ.
 • ટીંડોળા, પરવળ જેવા પાક માટે આંગણાના ખૂણામાં મંડપ બનાવી એકાદ-બે થાણામાં રોપણી કરી ઉછેર કરવો.
 • વેલાવાળા શાકભાજીના પાકોને ઝાડ, અગાસી કે ફેન્સિંગની ધારે જરૂરિયાત મુજબ રોપણી કરી વેલા ચડાવવા.
 • છાંયાયુક્ત જગ્યામાં અળવી, ધાણા, મેથી, પાલખ, આદું જવા પાક લેવા જોઈએ.
 • કયારાનું આયોજન એવા પ્રકારે કરવું કે જેથી ખરીફ ઋતુના પાક પૂરા થયા બાદ રવી ઋતુના પાકની વાવણી કરી શકાય.
 • ઘરઆંગણાના ભાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ રાખવો, જેથી બાગનો કચરો, ઘાસ અને પાંદડાં નાખી શકાય અને કમ્પોસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય.
 • આ ઉપરાંત વધુ જગ્યા તો ગાર્ડનમાં પપૈયા, મીઠી લીમડી, સરગવો, લીંબુ, કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઈ શકે.
 • જરૂરિયાત મુજબ ખેડ, ખાતર, પાણી અને પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે.
 • બગીચામાં ખેતી કાર્ય માટે ઉપયોગી નાના સાધનો જેવા કે કોદાળી, દાતરડી, ખૂરપી, પંજેઠી, દવા છાંટવાનો પંપ રાખવા ખાસ આવશ્યક છે.

ઘરપઆંગણાના શાકભાજીના પાકો માટેનું કેલેન્ડર

ચોમાસું શાકભાજી પાક : ગુવાર, દૂધી, ભીંડા, કારેલા, કાકડી, તુરિયા, ગલકાં, રીંગણ, ટામેટાં, મરચી.

શિયાળુ પાક : ડુંગળી, લસણ, મેથી, પાલખ, તાંદળજો, મૂળા, મોગરી, કોબીજ, ફલાવર, બટાટા, તુવેર.

ઉનાળુ પાક : દૂધી, કારેલા, કાકડી, ગુવાર, ભીંડા, ચોળી.

બહુવર્ષાયુ પાક : પરવળ, ટીંડોળા, મીઠો લીમડો, સરગવો.