ગૃહના સંચાલનની અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સક્ષમતા સામે પ્રશ્નાર્થ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગૃહના સંચાલનની અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સક્ષમતા સામે પ્રશ્નાર્થ

ગૃહના સંચાલનની અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સક્ષમતા સામે પ્રશ્નાર્થ

 | 10:15 am IST

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે રાજેન્દ્ર ત્રિવેદી નીમાયા એ પછી ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી કલંકતિ મારામારીની ઘટના બની છે. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો રીતસર ગુંડાગર્દી પર ઊતરી આવ્યા હતા. આ ઘટના પછી વિધાનસભા સંકુલમાં ગૃહનું સંચાલન કરવામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સક્ષમતા ઉપર સવાલ ઊભા થયા છે. એવું કહેવાય છે કે, છેલ્લાં લાંબા સમયથી કોંગ્રેસના ધારાસભ્યોને બોલતાં રોકવામાં આવ્યા તેના કારણે કદાચ આ ઘટના હવે આકાર પામી છે. આ સ્થિતિમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પોતાના અધ્યક્ષ પદ હેઠળ કદી ના ઘટી હોય તેવી કલંકિત ઘટના બનતાં એક તબક્કે રાજીનામું ધરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે અધ્યક્ષ પદેથી ત્રિવેદી રાજીનામું ના આપે તે માટે સરકારના મંત્રીઓ તેમની ચેમ્બરમાં દોડી ગયા હતા અને સમજાવ્યા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે રાજેન્દ્ર ત્રિવેદી નીમાયા એના દસ જ દિવસમાં કોઈ અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત ફાઈલ કરવામાં આવી છે. આ ઘટના પણ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં ક્યારેય બની નથી. અધૂરામાં હવે છુટ્ટાહાથની મારામારીની ઘટના બની છે તેમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે રાજેન્દ્ર ત્રિવેદી માથે સ્વભાવિક રીતે જ અધ્યક્ષ હોવાના નાતે જવાબદારી આવે છે એટલે જ તેમણે ટિકાઓનો સામનો ન થાય તે માટે અધ્યક્ષપદેથી રાજીનામાની ઓફર કરી હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. અલબત્ત, આવું ના થાય તે માટે સરકારના મંત્રીઓ સમજાવટ માટે દોડી ગયા હતા. જાણકારો કહે છે કે, વિધાનસભામાં જો કોઈ જટિલ મુદ્દો ઊભો થાય ત્યારે અધ્યક્ષે શું બોલવું તે પ્રવચન પણ સરકારના સિનિયર મંત્રીઓ તૈયાર કરી આપે છે. એકંદરે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહનું સંચાલન કરવાની સક્ષમતા સાબિત કરવામાં અસમર્થ હોય તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.