ઘરબાર વગરનો એક બેરોજગાર   - Sandesh

ઘરબાર વગરનો એક બેરોજગાર  

 | 7:13 pm IST

ફોકસ :- વસંત કામદાર

૧૯૬૬ના વર્ષે ૨૨ વર્ષના એક અમેરિકન જુવાનિયાના જીવનમાં આંધી ફૂંકાઈ. એ બિચારો નોકરી-ધંધાની શોધમાં રખડી રખડીને કંટાળી ગયો હતો. તેણે સેંકડો ઈન્ટરવ્યૂ આપ્યા પણ ક્યાંય તેનો ગજ વાગ્યો નહીં. તેના જીવનની કરૂણતા એ હતી કે તેનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં અને તે ૨ વર્ષના માસૂમ બાળકનો પિતા પણ હતો. તેની બેરોજગારી તેના ઘરમાં રોજેરોજનો કંકાસ પેદા કરી રહી હતી. ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે વધારે બગડી રહ્યું હતું અને આખરે એક દિવસ તેની પત્ની તેને તેના બાળક સાથે મૂકી ઘર છોડીને જતી રહી. જોન પોલ નામના એ જુવાન ઉપર તો જાણે વીજળી તૂટી પડી. બેરોજગારીની સાથોસાથ હવે તેણે તેના ૨ વર્ષના દીકરાની જવાબદારી પણ લેવાની આવી.

એ ઘટનાના બે જ દિવસ બાદ જોનને બીજો આઘાત મળ્યો. જોનને ખબર પડી કે ઘણા મહિના સુધી મકાનનું ભાડું ન ચૂકવાયું હોવાથી તેના મકાનમાલિકે તેને ઘર ખાલી કરવા માટેની કાનૂની નોટિસ પાઠવી છે. પહેલાં ઘરવાળી ગઈ અને હવે ઘર પણ ગયું. જોન અને તેનું બાળક બંને હવે ફૂટપાથ ઉપર આવી ગયા હતા. જોને સહુથી પહેલાં તો એક સેવાભાવી સંસ્થાને પોતાના બાળકના ઉછેરની જવાબદારી સોંપી દીધી. હવે તેણે બેરોજગારી સામે લડવાનું શરૂ કર્યું. તેની પાસે નવો વ્યવસાય શરૂ કરવાનાં તો ઠીક ખાવાનાંયે નાણાં નહોતાં. આથી તેણે શહેરની સડકો ઉપર ફરીફરીને સોડા બોટલનાં ઢાંકણાં એકઠાં કરીને ૫ સેન્ટના ભાવે રિસાઈકલિંગ કરનારાઓને વેચવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિ દરમિયાન એક દિવસ તેને તેનો એક બાળપણનો મિત્ર મળી ગયો. તેણે તેને પોતાના ઘરના એક ખાલી રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી.

જોને એ પછી ઘેર ઘેર ફરીને માહિતીકોશ પુસ્તક વેચવાની નોકરી સ્વીકારી. નોકરીના પહેલા અઠવાડિયે આખો દિવસ ફરવા છતાં જોન એક પણ પુસ્તક વેચી શક્યો નહીં, તે ખૂબ હતાશ થઈ ગયો. જોને એની નિરાશા વચ્ચે પણ સાડા ત્રણ વર્ષ એ નોકરી કરી. આ સમય દરમિયાન તેણે તેના જીવનનું એક વિશ્વપ્રસિદ્ધ વાક્ય ઉચ્ચાર્યું કે ‘તમે જ્યારે સેલ્સમેન તરીકે નોકરી કરતા હોવ ત્યારે તમે જે ઉત્સાહથી પહેલા ગ્રાહક સાથે વાત કરી હોય એ જ ઉત્સાહથી સોમા ગ્રાહક સાથે પણ વાત કરવી પડે છે પછી ભલેને તમારી એક પણ પ્રોડક્ટ વેચાઈ ન હોય.’

જોકે ૧૯૭૧માં જોનના જીવનમાં એક રસપ્રદ વળાંક આવ્યો. તેના એક મિત્રની સલાહ માનીને તેણે રેડ કેન નામની સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીમાં સેલ્સમેન તરીકેની નોકરી સ્વીકારી. આ નોકરીમાં તેને પગાર તરીકે પ્રતિ માસ ૬૦૦ ડોલર મળવા લાગ્યા. થોડી ઘણી આવક થવાથી તેને પહેલી વાર જીવનમાં આશાનું કિરણ દેખાયું. તે એ નોકરીમાં મન મૂકીને કામ કરવા લાગ્યો અને એ પછી કેવળ દોઢ વર્ષના ટૂંકા ગાળામાં તે મેનેજરની પોસ્ટ ઉપર પહોંચી ગયો. જોકે ઈશ્વર તેની કસોટી લેવા માંગતા હોય તેમ એની કંપની પોતાનાં ઉત્પાદનોનું પરીક્ષણ કરવા માટે નિર્દોષ જાનવરોનો ભોગ લેતી હતી. આ વાત સામે જોનને સખત વાંધો પડયો. જીવદયાના પ્રચંડ હિમાયતી એવા જોને પોતાની નોકરીની પરવા કર્યા વગર આ મુદ્દે મેનેજમેન્ટ સામે બાંયો ચડાવી અને એના પરિણામે તેને એ નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તે ફરી એક વાર બેરોજગાર બની ચૂક્યો હતો.

એ પછી જોને ફર્મોડાઈલ હેર કેર નામની કંપનીમાં નોકરી મેળવી. તેની કુશળતા અને આવડતના કારણે કંપનીના વેપારમાં ૫૦%નો વધારો નોંધાયો તેમ છતાં કંપનીના આંતરિક રાજકારણના લીધે તેને અહીંથી પણ પાણીચું પકડાવી દેવામાં આવ્યું. એ પછી જોનને ટ્રાઈકોલોજી નામની બીજી એક હેર કેર કંપનીમાં નોકરી મળી. અહીં તેની ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે તેની આવક કંપનીના માલિક કરતાં પણ વધી ગઈ છે. અને જોનને અહીંથી પણ વિદાય કરી દેવામાં આવ્યો. આ સમયે જોને તેના જીવનનું એક બીજું વિશ્વ પ્રસિદ્ધ વાક્ય ઉચ્ચાર્યું કે ‘જ્યારે તમને વારંવાર નોકરીઓમાંથી કોઈપણ વાજબી કારણ વગર હાંકી કાઢવામાં આવતા હોય ત્યારે તમારે નક્કી માની લેવું કે ઈશ્વર તમને હવે લોકોને નોકરીએ રાખવા માટે તૈયાર કરી રહ્યા છે.’

જોને પોતાની કંપની સ્થાપી અને પોતાની પ્રોડક્ટ્સ વેચવાનું ચાલુ કર્યું. પ્રોડક્ટસ વેચવા માટે જોન જુદાં જુદાં સલૂનોમાં ફરવા લાગ્યો અને શરૂઆતમાં તેને ૧૨ દુકાનોએ ઓર્ડર આપ્યા. ઉલ્લેખનીય છે કે આ સમયે ઘરબાર વગરનો જોન પોતાની કારમાં રહેતો હતો. તેની કંપનીની શરૂઆતનાં બે વર્ષ તો ખૂબ સંઘર્ષપૂર્ણ રહ્યાં. તેમની પાસે ઘણીવાર તો મુસાફરીનાં નાણા પર રહેતાં નહોતાં. જોકે બંને જણાએ નિરાશ થયા વગર મહેનત ચાલુ જ રાખી અને આખરે તેમની એ મહેનત રંગ લાવી. ત્રીજા વર્ષે કંપનીએ ૧૦ લાખ ડોેલરની આવક કરી અને એ પછી તો કંપની એકધારી પ્રગતિ કરી રહી. ૧૯૮૯માં જોનના ભાગીદાર પોલ મીશેલનું કેન્સરના કારણે અવસાન થતાં કંપની ડગમગવા લાગી પરંતુ જોને એકલા હાથે મહેનત ચાલુ રાખી વિશ્વના ૧૦૩ દેશોમાં ૧૦ કરોડ ડોલરનું જંગી સામ્રાજ્ય સ્થાપી બતાવ્યું.  આજે તો બીજી પણ અનેક કંપનીઓની માલિકી ધરાવતા ૭૪ વર્ષના જોન કેલિફોર્નિયા ખાતે એક વિશાળ ફાર્મહાઉસમાં રહે છે અને ૩૪ કરોડ ડોલરની સંપત્તિ ધરાવે છે. તેઓ બેરોજગારોને મદદરૂપ થતી લગભગ ૧૦૦ જેટલી સેવાભાવી સંસ્થાઓને ટેકો આપી રહ્યા છે.

બેઘર બેરોજગારમાંથી અનેકોના રોજગારદાતા બનેલા જોન પોલને આપણાં અભિનંદન.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન