સમલૈંગિકતાને કાયદાનું કવચ : મુંબઇમાં હર્ષોલ્લાસનું વાતાવરણ - Sandesh
  • Home
  • Mumbai
  • સમલૈંગિકતાને કાયદાનું કવચ : મુંબઇમાં હર્ષોલ્લાસનું વાતાવરણ

સમલૈંગિકતાને કાયદાનું કવચ : મુંબઇમાં હર્ષોલ્લાસનું વાતાવરણ

 | 1:38 am IST

। મુંબઇ ।

સમલૈંગિક સંબંધ ગુનો નથી, એવો ઐતિહાસિક નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ મુંબઇમાં હર્ષોલ્લાસનું વાતાવરણ એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેકસ્યુઅલ, ટ્રાન્સજેન્ડર્સ)સમાજમાં ફેલાયુ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે સમાજ અમને સ્વીકારશે એવા શબ્દોમાં એલજીબીટી સમુદાયના અનેક લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. સમલૈંગિક સંબંધને ગુનો ગણાવતી કલમ ૩૭૭ રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આપ્યો હતો.  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની ખંડપીઠે પોતાના નિકાલમાં જણાવ્યું હતું કે સમલૈંગિકોને પણ મૂળભૂત અધિકાર મેળવવાનો સંપૂર્ણ હક છે. હવે જૂનવાણી બદલવાનો સમય પાકી ગયો છે. સમલૈંગિકતા કોઇ ગુનો નથી. દરેકને પોતાના સાથી પસંદ કરવાનો અધિકાર છે. આ આદેશ બાદ મુંબઇમાં એલજીબીટી સમુદાયમાં હર્ષોલ્લસાનું વાતાવરણ છે. અત્યારસુધી સમાજ અમને એક ગુનેગાર તરીકે જોતો હતો પરંતુ કોર્ટના નિર્ણય બાદ સમાજનો દૃષ્ટિકોણ બદલાશે. સમાજ અમને સમાન હક આપી સ્વીકારશે એવી ભાવના તેમણે વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટે સેકશન ૩૭૭ રદ કરી પોતાના જ ડિસેમ્બર ૨૦૧૩માં લીધેલા નિર્ણયને ફેરવી કાઢયો હતો. આ કેસ પર દસમી જુલાઇથી સુનાવણી ચાલી રહી હતી. જેના પર ફેસલો ગુરૂવારે છઠ્ઠી સપ્ટેમ્બરે સંભળાવવામાં આવ્યો હતો.