સમલૈંગિકોને યુએસ સહિત અનેક દેશોએ આપી છે કાયદાકીય માન્યતા, ૧૨૫ દેશમાં હજુ પણ ગુનો - Sandesh
 • Home
 • Newspaper
 • સમલૈંગિકોને યુએસ સહિત અનેક દેશોએ આપી છે કાયદાકીય માન્યતા, ૧૨૫ દેશમાં હજુ પણ ગુનો

સમલૈંગિકોને યુએસ સહિત અનેક દેશોએ આપી છે કાયદાકીય માન્યતા, ૧૨૫ દેશમાં હજુ પણ ગુનો

 | 1:04 am IST

USમાં શું કરવામાં આવ્યું હતું?

 • જૂન ૨૦૧૫ પહેલાં અમેરિકાના કેટલાક રાજ્યમાં જ સમલૈંગિક વિવાહને મંજૂરી આપવામાં આવી હતી
 • જૂન ૨૦૧૫માં અમેરિકી સુપ્રીમ કોર્ટે દેશભરમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપી દીધી
 • ૨૨ ડિસેમ્બર ૨૦૧૦માં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ સમલૈંગિકતા સાથે જોડાયેલા કાયદાઓ પર સહી કરીને સૈન્યમાં સમલૈંગિકોને સ્થાન આપવા માટે ચિત્ર સ્પષ્ટ કરી દીધુ હતું
 • એ પહેલાં વર્ષ ૧૯૯૩ સુધી ડોન્ટ આસ્ક, ડોન્ટ ટેલ કાયદા અંતર્ગત સૈન્યમાં રહેલા સમલૈંગિકોને પોતાની લૈંગિકતા છુપાવવા માટે મજબૂર થવું પડતું.

સમલૈંગિકોને લઈને ક્યા દેશમાં કેવી જોગવાઈઓ ?

 • દુનિયાના ૧૨૫ દેશમાં સમલૈંગિક સંબંધ ગેરકાયદેસર ગુનાના દાયરાઓમાં આવે છે.
 • દુનિયાના કેટલાય દેશમાં સમલૈંગિકોને લગ્ન કરવાની અનુમતી આપવામાં આવી છે.
 • નેધરલેન્ડ, નોર્વે, બેલ્જિયમ, સ્પેન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા, કેનેડા મુખ્ય રાષ્ટ્ર છે.
 • વર્ષ ૨૦૦૫માં કેનેડા અને સ્પેનમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી હતી.
 • સ્વિડન, આઇસલેન્ડ, પોર્ટુગલ, આર્જેન્ટિના, ડેન્માર્ક, ઉરૂગ્વે, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, બ્રાઝિલ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, લઝમબર્ગ, ફિનલેન્ડ, આયરલેન્ડ, ગ્રીનલેન્ડ, કોલંબિયા, જર્મની, માલ્ટા પણ સમલૈંગિકોના લગ્નને માન્યતા આપી ચૂક્યો છે.
 • દુનિયાના ૨૭ દેશ એવા છે જે સમલૈંગિકોને કાયદાકીય માન્યતાઓ આપી ચૂક્યા છે.
 • વર્ષ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયાના સાંસદે બહુમત સાથે સમલૈંગિક સંબંધોને માન્યતા આપી હતી.
 • ઓસ્ટ્રલિયાનાં ૧૫૦ સભ્યોની સંસદમાંથી માત્ર ચાર સભ્યોએ સમલૈંગિક વિવાહની તરફેણ વિરુદ્ધ મત આપ્યા હતા.
 • નેધરલેન્ડ પ્રથમ એવો દેશ છે જ્યાં વર્ષ ૨૦૦૧માં આ મુદ્દાને કાયદેસરની માન્યતાઓ મળી હતી.

મોટા પદ પર રહેલા સમલૈંગિક લોકો

સર્બિયાના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝેન્ડર વુચિચે જૂન ૨૦૧૭માં સમલૈંગિક એના બેન્નાબિચને દેશના વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રૂઢિવાદી દેશ સર્બિયામાં આ પગલાંને વિરાટ સાહસ માનવામાં આવે છે. ૪૧ વર્ષની બેન્રાબિચે ઇંગ્લેન્ડની હલ યુનિર્વિસટીમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો છે. અમેરિકામાંથી વર્ષ ૨૦૦૧માં માર્કેટિંગમાં એમબીએ કર્યું છે. તે બાલ્કન દેશની પ્રથમ સમલૈંગિક વડાં પ્રધાન છે. તેને દેશની પ્રથમ મહિલા સમલૈંગિક મંત્રી માનવામાં આવે છે. તેમની પાસે લોકપ્રશાસન મંત્રાલયની જવાબદારી છે.

આયરલેન્ડના લિયો વરાડકર 

મૂળ ભારતના ૩૮ વર્ષીય લિયો વરાડકરે પોતે આયરલેન્ડ મીડિયા સામે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, પોતે સમલૈંગિક છે. તેમનો પરિવાર મુંબઈમાં રહે છે. વરાડકરના પીએમ બનવા પર તેમના પરિવારને સેલિબ્રેશન કર્યું હતું. આયરલેન્ડમાં સમલૈંગિક લગ્ન પર માન્ય છે જ્યારે લિયો આ દિશામાં સુધારા કરવા માટે કામ કરી રહ્યાં છે.

લઝમબર્ગના વડા પ્રધાન જેવિયર બેટેલ

લઝમબર્ગના ૪૪ વર્ષીય વડા પ્રધાન જેવિયર બેટેલે વર્ષ ૨૦૧૫માં પોતાના સમલૈંગિક પાર્ટનર ગોથર ડેસ્ટેની સાથે વિવાહ કર્યા હતા. બેટેલ સમલૈંગિક લગ્ન કરનાર યુરોપિયન યુનિયનના પ્રથમ લીડર હતા. બેટેલ બીજા વડા પ્રધાન છે જેણે પોતાના ગે પાર્ટનર સાથે લગ્ન કર્યા છે.

વર્ષ ૨૦૦૧માં આયરલેન્ડમાં જનમતથી લગ્નને મંજૂરી આપવામાં આવી, ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં મળી માન્યતા

આઇસલેન્ડના વડા પ્રધાન જોહાના પ્રથમ સમલૈંગિક વડા પ્રધાન

ફેબ્રુઆરી વર્ષ ૨૦૦૯માં જોહાના આઇસલેન્ડના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. આઇસલેન્ડના વડા પ્રધાન સિગુર્દારદોત્તીર કદાય દુનિયાના પ્રથમ એવા વડા પ્રધાન હશે જેણે વર્ષ ૨૦૧૦માં એક સમલૈંગિક સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૦માં જ્યારે તેઓ ૬૦ વર્ષના હતા ત્યારે તેણે સમલૈંગિકતાનો કાયદા લાગુ થયા બાદ એક લાંબા સમય પછી પોતાના પાર્ટનર યોનીના લિયોસત્તોર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩માં તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો હતો.

સમલૈંગિકોને ફાંસી

દુનિયાના પાંચ રાષ્ટ્રોમાં સમલૈંગિકો માટે ફાંસીની સજા નક્કી કરવામાં આવી છે. જેમાં ઇરાન, મોરીટાનિયા, સાઉદી આરબ, સુડાન અને યમનનો સમાવેશ થાય છે. નાઇજીરિયા અને સોમાલિયાના કેટલાંક ભાગમાં મોતની સજા આપવામાં આવે છે.

જનમતથી મળી માન્યતા

આયરલેન્ડ પહેલો એવો દેશ છે જેણે જનમતના માધ્યમથી સમલૈંગિક લગ્નને માન્યતા આપી છે. બ્રિટનમાં વર્ષ ૨૦૧૩માં કુલ વસતીના ૧.૭ ટકા લોકોની ઓળખ સમલૈંગિક તરીકે થઈ હતી. આવા લોકોની સંખ્યા આશરે ૮ લાખ હતી. મોટા ભાગના પશ્ચિમી દેશોમાં સમલૈંગિક હિંસા અને ભેદભાવથી રક્ષણ આપવા માટે કાયદાકીય સુરક્ષા આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં ગે મેરેજને કોઈ કાયદાકીય માન્યતા નથી. પરંતુ, આવા લોકો સિવિલ પાર્ટનરશિપમાં રહેવાનો હક ધરાવે છે.

ભારતમાં સ્થિતિ

ભારતમાં વર્ષ ૨૦૧૬ના આંકડા અનુસાર ૨૫ લાખથી વધારે પુરુષોને સમલૈંગિકની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, ભારતમાં સૌ પ્રથમ સમલૈંગિક વિવાહ છત્તીસગઢના સરગુજા જિલ્લા હોસ્પિટલની નર્સ અને અન્ય એક યુવતીએ કર્યા હતા. બંનેએ વૈદિક રીતે તા.૨૭ માર્ચ ૨૦૦૧ના રોજ સમારોહ યોજીને લગ્ન કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે વર્ષ ૨૦૦૯માં આઇપીએસની કલમ ૩૭૭ અંતર્ગત સમલૈંગિકતાને ગુનામુક્ત કરી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે નિર્ણયને ફેરવીને કલમ ૩૭૭ યથાવત્ રાખી હતી. ક્યૂરેટિવ પિટિશનમાં સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૧૧ અને જાન્યુઆરી ૨૦૧૪ની અરજી પર આપેલા નિર્ણય પડકાર્યો હતો. તા. ૬ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં અંદરોઅંદરની સમજૂતીથી સમલૈંગિક સંબંધોને ગુનાના દાયરાથી બહાર કરી દીધો હતો.

મહત્ત્વપૂર્ણ તથ્ય

વર્ષ ૧૯૭૯ બાદ ઈરાનમાં લગભગ ૪,૦૦૦થી પણ વધારે સમલૈંગિકને ફાંસી આપી દેવામાં આવી હતી. વર્ષ ૨૦૦૫માં ૧૪ મહિનાની કેદ અને અત્યાચાર બાદ કિશોરોને ફાંસી આપવા પર દુનિયાભરમાંથી સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે સમલૈંગિકો દર વર્ષે જૂન મહિનામાં ગૌરવ પરેડનું આયોજન કરે છે. વર્ષ ૧૯૬૯માં ન્યૂયોર્કમાં આવી એક પરેડ દરમિયાન હંગામો થઈ ગયો હતો. જેની સ્મૃતિમાં દર વર્ષે પરેડનું આયોજન કરવામાં આવે છે.

કોલંબિયામાં ટ્રિપલ મેરેજ

જૂન ૨૦૧૭માં કોલંબિયામાં ત્રણ ગેએ લગ્ન કરી લીધાં અને આ લગ્નને કાયદાકીય માન્યતાઓ પણ આપવામાં આવી હતી. આ ત્રણેય ગેમાંથી એક અભિનેતા,શિક્ષક અને ત્રીજો મિત્ર પત્રકાર હતો.

૨૫ : લાખથી વધુ પુરુષોને ૨૦૧૬ના આંકડા પ્રમાણે સમલૈંગિકની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા.