હોંગકોંગ શોની માગે ડાયમંડ માર્કેટને ટેકો : રફના વધતા ભાવથી ચિંતા - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • હોંગકોંગ શોની માગે ડાયમંડ માર્કેટને ટેકો : રફના વધતા ભાવથી ચિંતા

હોંગકોંગ શોની માગે ડાયમંડ માર્કેટને ટેકો : રફના વધતા ભાવથી ચિંતા

 | 1:26 am IST

બિઝનેસ ટ્રેન્ડઃ રિદ્ધીશ સુખડિયા

દિવાળી બાદથી પોલિશ્ડ ડાયમંડ માર્કેટમાં જોવા મળેલી ખરીદી એકંદરે યથાવત્ રહી છે. ક્રિસમસ બાદ પણ સ્થાનિક માર્કેટમાં તૈયાર હીરાની ડિમાન્ડ રહેતા સેન્ટિમેન્ટ જળવાયેલું રહ્યંુ છે. રફ ડાયમંડની ખરીદીને પગલે રફના ભાવમાં મજબૂતાઈ નોંધાઈ છે.

નોટબંધી અને જીએસટીના અમલ ટાણે ખોટકાયેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઓક્ટોબર ૨૦૧૭થી ખરીદીનો માહોલ જળવાઈ રહ્યો છે. વૈશ્વિક બજારોમાથી પોલિશ્ડ ડાયમંડની ખરીદી રહી છે. અમેરિકા, યુરોપ, ચીન સહિતના દેશોમાંથી પોલિશ્ડ ડાયમંડની ઇન્કવાયરી નોંધાઈ છે. પોસ્ટ ક્રિસમસ માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ સારું રહ્યું છે. અમેરિકાના બજારમાં વેપારીઓ દ્વારા ફરી નવા સ્ટોક માટે પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારે ઇઝરાયેલ, યુરોપ સહિતના બજારોમાં પણ પોઝિટિવ માહોલ છે. બીજીતરફ ૨૭મી ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહેલા હોંગકોંગ શોની અસરે પણ ભારતીય માર્કેટમાં ચહલ પહલ છે. ચાઇનીઝ ન્યૂયરની ડિમાન્ડ છે.

આ તમામ પરિબળોને કેન્દ્રમાં રાખી ભારતમાં હીરા કારખાનેદારો દ્વારા ડાયમંડનુ ઉત્પાદન વધારી દેવામાં આવ્યંુ છે. જેઓ દ્વારા સ્મોલ સાઇઝ ડાયમંડમાં સારું ઉત્પાદન લેવામાં આવી રહ્યંુ છે. વધુ ઉત્પાદન માટેની સ્ટ્રેટજીના ભાગરૂપે તેઓ દ્વારા રફ ડાયમંડની પણ વધુ ખરીદી થઈ રહી છે. ડિસેેમ્બર બાદ જાન્યુઆરીમાં યોજાયેલી ડિબિયર્સની પ્રથમ સાઇટમાં પણ રફ ડાયમંડની નોંધપાત્ર ખરીદી રહી હતી. વર્ષ ૨૦૧૮ની પ્રથમ સાઇટમાં ૬૫૫ મિલિયન ડોલરની કિંમતના રફ ડાયમંડનંુ અંદાજિત વેચાણ થયંુ છે. જે સાઇટ ગત વર્ષની ૭૨૯ મિલિયન ડોલરની પ્રથમ સાઇટ કરતાં ૯ ટકા નીચી રહી છે. જો કે, ડિસેમ્બર ૨૦૧૭ની ૪૫૫ મિલિયન ડોલરની અંતિમ સાઇટ કરતાં ૪૬ ટકા જેટલી ઊંચી રહી છે. રફ બ્રોકર્સ તથા કંપનીઓ દ્વારા દર્શાવાયેલી ડિમાન્ડના કારણે રિસેલિંગ માર્કેટમાં પ્રિમિયમ ઊંચકાયા હતા. કેટલીક રફ કવોલિટીઓમાં ૨.૮ ટકાથી વધીને ૬.૩ ટકા જેટલા પ્રિમિયમ બોલાયા હતા.

રફ ડાયમંડમાં નોંધાયેલા પ્રિમિયમ સામે પોલિશ્ડ ડાયમંડના ભાવ યથાવત્ સ્થિતિએ જળવાઇ રહ્યા છે. જેને કારણે ડાયમંડ મેન્યુક્ચર્સ ચિંતા અનુભવી રહ્યા છે. રફના વધતા ભાવના કારણે માર્જિન ઘટયા છે. હાલમાં ઊંચા ભાવે ખરીદાયેલી રફનંુ માર્ચ- એપ્રિલમાં ઉત્પાદન આવશે અને તે સમયે યોગ્ય ભાવ નહીં મળે તો નુકસાનીનો માર પડવાની ભીતી છે.