માન ન માન, મેં તેરા આયુષમાન   - Sandesh

માન ન માન, મેં તેરા આયુષમાન  

 | 7:14 pm IST

ટિન્ડરબોક્સ :- અભિમન્યુ મોદી

રણવીર સિંહ જે ઢોલ-નગારાં વગાડીને કરે છે અને બાકીના ત્રણેય ખાન સેંકડો કરોડોની વાતો કરી કરીને માંડમાંડ મેળવી શકે છે એ બધું જ આ છોકરો પાછલી ગલીમાંથી ચૂપચાપ જઈને કરી નાખે છે. છોકરો એટલે આયુષ્માન ખુરાના. વર્તમાન હિન્દી સિનેમાનો હીરો -અને આ હીરો ડાયમંડ છે. ડાયમંડ્સ આર ફેરેવર. લાગલગાટ છ ફ્લ્મિો કોર્મિશયલ સ્તર ઉપર હિટ આપી. છતાં પણ એનો ઢંઢેરો એક પણ જગ્યાએ જોવા ન મળે. ભારતીય દર્શકો હંમેશાં એક અમોલ પાલેકરની ખોજમાં હોય છે. આયુષમાન એ કોટીનો કલાકાર નીવડશે કે સાઠ-સિત્તેર વર્ષ પછી અમોલ પાલેકરને આયુષમાન ખુરાનાનું બિરુદ આપવું પડશે. એક માણસ તરીકે એમાં કૃષ્ણ અને શંકર બંનેના ગુણો છે એટલે આવા કલાકાર માટે દિલથી દુવા નીકળે. ભારતીય સ્ત્રીઓને પ્રેમીમાં કૃષ્ણના જેવા અને પતિમાં મહાદેવના જેવા ગુણ જોઈએ. આયુષમાન ઈઝ અ કમ્પ્લીટ પેકેજ.

ના. એની કરિયરની શરૂઆત રોડીઝથી નથી થઇ. રોડીઝની પહેલાં જ એ વીટીવીમાં દેખાઈ ચૂક્યો હતો, પોપસ્ટાર્સ નામના શોમાં. એ શો ૨૦૦૨માં આવેલો અને રોડીઝની બીજી ઇનિંગ ૨૦૦૪માં આવી હતી. એણે જર્નાલિઝમ કર્યું, દિલ્હીના બિગ એફએમમાં રેડિયો જોકી હતો અને સૌથી નાની ઉંમરે ભારત નિર્માણ એવોર્ડ મેળવનાર કલાકાર પણ બન્યો. એની કરિયરની બાકીની ટાઈમલાઈન જોવા માટે ગૂગલ જિંદાબાદનો નારો લગાવી શકો છો, પરંતુ આયુષમાનની વાત આપણે બીજા દૃષ્ટિકોણથી કરવા માંગીએ છીએ. આપણે જ્યારે શિક્ષણ કેટલું જરૂરી, હોમસ્કૂલિંગના શું ફયદા, સફ્ળતા માણસને મળે તો એ છકી કેમ જાય, ભારતના મધ્યમવર્ગનાં સપનાં શું છે, આજના યુવાનોને પેશન ફેલો કરવું હોય તો શું કરવું, બધાં ક્ષેત્રોમાં કાકા-ભત્રીજાવાદ એટલે કે નેપોટિઝમ સામે કઈ રીતે લડવું, મોટા સ્ટારને મનફવે તેમ રહેવાની છૂટ હોય કે નહીં, લગ્નજીવનમાં કેટલી બાંધછોડ કરવી જેવા ઘણા હોટ-ટોપિક પર ચર્ચા કરતા રહીએ છીએ. આ બધા વિષયો વિશે લેખો, પુસ્તકો, ન્યૂઝ અવરમાં ડીબેટો કે સદ્ગુરુ જેવા વક્તાના વીડિયો પણ આવતા રહે છે. પણ પાંત્રીસ વર્ષનો આયુષમાન આવી ઘણી કરન્ટ ચર્ચાઓનો આદર્શ જવાબ છે. પ્રતિભા, સાદગી, સમર્પણ, પ્રામાણિકતા અને આગવી અદાનું ગજબનાક મિશ્રણ આ હીરોમાં છે. હીરો હોવા છતાં હીરોપંતી નથી.

અત્યારે વિશ્વમાં બે ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી . કોર્મિશયલ લેવલ પર ચાલે છે. હોલિવૂડ અને હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી. બીજી બધી ભાષાઓમાં પણ સિનેમા થાય છે અને બેહતરીન ફ્લ્મિો બને છે પણ કોમર્સનું સૌથી વધુ મહત્ત્વ આ બંને ઇન્ડસ્ટ્રીમાં જ છે. કરોડોના કરોડો રૂપિયા આ બંને ઇન્ડસ્ટ્રીમાંથી આવેલી ફ્લ્મિો ઉસેટી રહી છે. ભારત એક સમયે ખેડૂતોનો દેશ હતો. આજે ભારત એવા કરોડો મધ્યમવર્ગીય પરિવારોનો દેશ છે જે આવતાં પાંચ જ વર્ષમાં હાયર મિડલ ક્લાસની કેટેગરીમાં આવી જશે. આવા લોકો બહુમતીમાં છે. ચૂંટણીના કેમ્પેનથી માંડીને સાબુ-શેમ્પૂ જેવી કન્ઝયુમર પ્રોડક્ટ આવા વર્ગને ધ્યાનમાં રાખીને જ બધી કંપનીઓ બનાવે છે. આ વર્ગના લોકોના મનોરંજન માટે એક ચોક્કસ અલાયદો કલાકાર જોઈએ. આ જરૂરિયાત આયુષમાન ‘વીકી ડોનર’ના કાળથી પૂરી પાડતો આવ્યો છે.

ઇન્ડસ્ટ્રી પાસે બ્લોકબસ્ટર શોલે હોય તો ઋષિકેશ મુખર્જીની શાંત ફ્લ્મિો પણ હોય. જો આપણને બાહુબલીની ભવ્ય સફ્ળતાની જરૂર છે તો એટલી જ જરૂરિયાત ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની નિષ્ફ્ળતાની છે, કારણ કે તેને કારણે આપણને લો બજેટ ફ્લ્મિો જેમાં સ્ટાર વેલ્યૂના વજન કરતા સ્ટોરી-સ્ક્રીપ્ટનું પલડું ભારે હોય એવી ફ્લ્મિો મળે. આવી મીડિયમ બજેટ ફ્લ્મિો સારી કહાની સાથે આવે તો દેશના એ વર્ગ સાથે સીધી કનેક્ટ થઇ શકે જે વર્ગ જ બહુધા  વર્તમાન ભારત દેશની વ્યાખ્યા બનાવે છે. અત્યારે આ સેગ્મેન્ટમાં આયુષમાન સિવાય બીજો કોઈ નોનસ્ટોપ સફ્ળ સ્ટાર આપણી પાસે નથી. મંગળવારની પૂર્તિમાં આવતી અંગત સમસ્યા જેવી કોલમો સૌથી વધુ જે વર્ગ વાંચતો હોય છે એ વર્ગ સિવાય પણ દરેકે દરેક માણસ આયુષમાનને નફ્રત કરી શકતો નથી કે અવગણી શકતો નથી. કેમ એવું?

સ્પર્મ ડોનેશનની વાત વીકી ડોનરમાં કરે, માથે ટાલ પડવાની વાત બાલામાં કરે, જાડી છોકરી સાથે એરેન્જડ મેરેજની વાત દમ લગા કે હૈશામાં કરે, પ્રેમિકા સાથેની અંગત પળો વખતે પુરુષો ઉપર આવતા અદૃશ્ય પ્રેશરની વાત શુભ મંગલ સાવધાનમાં થાય, પોતે જુવાન થઇ જાય પછી એના ઘરે એક નાનું બાળક આવે એની વાત બધાઈ હોમાં થાય, અનામત અને ગામડામાં પ્રવર્તતા જાતિભેદની વાત આર્િટકલ ફિફ્ટીનમાં થાય, છોકરો છોકરીના અવાજમાં વાત કરીને ઘણા પુરુષોની હળવી સેવા કરે એ વાત ડ્રીમગર્લમાં થાય. ભારતની દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક આ બધી અસમંજસમાંથી પસાર થયેલી જ હોય છે. અમોલ પાલેકર તો ચાલ કે પોળમાં રહેતા તથા ટિપિકલ મધ્યમવર્ગીય અને શાંત સ્વભાવ ધરાવતા લોકોને વધુ કનેક્ટ કરી શકતા. જ્યારે આયુષમાનમાં રાજાથી લઈને રંક સુધીના લોકોને સાંકળી લેવાની માસૂમિયત છે, ખૂબી છે અને નિર્દોષતા છે. સાથે કોર્મિશયલ વિઝન પણ ખરું.

આયુષમાન સૌથી વધુ માર્ક્સ એટલા માટે લઇ જાય છે કે ગયા વર્ષે એની વાઈફ તાહિરાને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. એ સમય એણે જે રીતે હેન્ડલ કર્યો છે એ કાબીલેદાદ છે. કોઈ પણ સ્ત્રીને આવો જ પતિ જોઈએ જેને એના શરીર ઉપર લાગેલા જખ્મોના ડાઘ પણ ખૂબસૂરત લાગે અને એની ઉપર પણ એ કવિતા લખી શકે. કોઈ વિવાદમાં પડયા વિના શાંતિથી પોતાનું કામ કર્યે જતો આયુષમાન ધીમેધીમે ભારતીય જનમાનસમાં મોભાદાર સ્થાન જમાવી રહ્યો છે. પોતે બ્લોગર છે, કવિતાઓ લખે છે, મ્યુઝિશિયન છે, ગીત કમ્પોઝ કરી જાણે છે, ઉદ્ઘોષક છે અને કમાલનો એક્ટર છે. એકતરફી પ્રેમની સુંદરતા બતાવતી ફ્લ્મિ મેરી પ્યારી બિંદુ કરવાનું કલેજું એની પાસે છે. પણ સૌથી વધુ એ ખૂબ સારો માણસ છે. ગુરુ નાનકનો ભક્ત છે એ સાબિત થાય છે. આજના યૂથને પ્રેરણા આપવા માટે ભાષણો કર્યા વિના આવી સકસેસ સ્ટોરીની જરૂર છે. અન્ડરપ્લે કરીને ટોચ ઉપર પહોંચવું વધુ અઘરું નથી હોતું શું?

facebook.com/abhimanyu.modi.7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન