આશા-આંગણવાડી કર્મીઓના વેતનમાં ૧,૫૦૦ સુધીનો વધારો - Sandesh
  • Home
  • India
  • આશા-આંગણવાડી કર્મીઓના વેતનમાં ૧,૫૦૦ સુધીનો વધારો

આશા-આંગણવાડી કર્મીઓના વેતનમાં ૧,૫૦૦ સુધીનો વધારો

 | 2:18 am IST

। નવી દિલ્હી ।

દેશમાં આંગણવાડીમાં કામ કરતી લાખો આશા અને આંગણવાડી કર્મચારીઓ માટે ખુશખબર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર મહિનાથી આશા અને આંગણવાડી કર્મચારીઓને ચૂકવાતા માસિક માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી છે. જાહેરાત કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વેતનમાં વધારો ઓક્ટોબર મહિનાથી અમલમાં આવશે. આશા અને આંગણવાડી કર્મચારીઓને આ મારી દિવાળીની ભેટ છે. વડા પ્રધાને દેશભરની આશા, એએનએમ અને આંગણવાડી કર્મચારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કરતાં ઉપરોક્ત જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આશા અને આંગણવાડી કર્મચારીઓને રૂપિયા ૩,૦૦૦, રૂપિયા ૨,૨૦૦ અને રૂપિયા ૧,૫૦૦ ચૂકવાતાં હતાં. રાજ્ય સરકારો દ્વારા તેમને અલગ ભથ્થાં ચૂકવવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આશા અને આંગણવાડી કર્મચારીઓ દેશનો પાયો મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ નવજાત શિશુઓના આરોગ્ય અને સુખાકારી સુનિશ્ચિત બનાવે છે, સ્વચ્છતા જાળવે છે અને તેમને કુપોષણનો ભોગ બનતાં અટકાવે છે.

વડા પ્રધાને આશા અને આંગણવાડી કર્મચારીઓને કુપોષણને કારણે થતી બીમારીઓમાં ૩ ગણો ઘટાડો કરવા આહ્વાન કર્યું હતું. હાલ કુપોષણના કારણે થતી બીમારીઓમાં ફક્ત એક ટકાનો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનો દેશમાં પોષણ માસ તરીકે ઊજવાઈ રહ્યો છે. વડા પ્રધાને આશા અને આંગણવાડી કર્મચારીઓને દરેક ઘેર પહોંચી પોષણક્ષમ આહારનું મહત્ત્વ સમજાવવા હાકલ કરી હતી.

આંગણવાડી કર્મચારીઓને કેટલો વધારો મળશે?

  • માસિક ૩,૦૦૦નું માનદ વેતન મેળવનારને રૂપિયા ૪,૫૦૦ ચૂકવાશે
  • માસિક ૨,૨૦૦નું માનદ વેતન મેળવનારને રૂપિયા ૩,૫૦૦ ચૂકવાશે
  • આંગણવાડી મદદગારોને ૧,૫૦૦ના સ્થાને રૂપિયા ૨,૫૦૦ ચૂકવાશે

;