horizontal relationship son murder at Panchmahal
  • Home
  • Gujarat
  • પત્નીના આડાસંબંધની શંકામાં પતિ બન્યો હત્યારો, કાળજાના કટકાને ઉતાર્યો મોતને ઘાટ

પત્નીના આડાસંબંધની શંકામાં પતિ બન્યો હત્યારો, કાળજાના કટકાને ઉતાર્યો મોતને ઘાટ

 | 9:52 pm IST

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના મડા મહુડી-ગોલ્લાવ ગામે પિતાએ પોતાના પુત્રની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના મડા મહુડી ગામમાં ખેતી તેમજ છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચાલવતા મહેશ બારિયા તેના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં એક પુત્ર એક પુત્રી અને પત્ની સાથે રહેતા મહેશ બારિયાના પરિવારને આડાસંબંધના વહેમનું એવું તો ગ્રહણ લાગ્યું કે આ વહેમના ગ્રહણએ પ્રથમ 2 વર્ષના પુત્રનો ભોગ લીધો અને બાદમાં ખુદ મહેશને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો.

બનાવની હકીકત એ છે કે મહેશને તેની પત્ની નર્મદાના અન્ય કોઈ પુરુષ સાથે આડા સંબધો હોવાનો વહેમ થયો હતો. તેને લઈને જ પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. બાદમાં આ ઘર કંકાસ રોજીંદો બન્યો હતો. ત્યારે બનાવની આગલી રાત્રીએ મહેશે પોતાની પત્ની નર્મદા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જે બાબતની જાણ તેની પત્નીએ તેના પિતાને એટલે કે મહેશના સસરાને કરતા તેઓ તેમની દિકરીને તેના પિયરે તેડી ગયા હતા.

જે બાબતને લઈને મહેશ આવેશમાં આવી જતા તેણે પોતાના જ 2 વર્ષના પુત્ર ધ્રુવનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મહેશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવની જાણ મહેશના માતા પિતાને થતા ગોધરા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ધ્રુવની હત્યા અંગે તેની માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોધી આરોપી પિતાને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.

હત્યારા પિતાની પોલીસ તપાસ કરી રહી હતી. તે જ વખતે પોલીસને મડા મહુડી ગામમાં ખેતરમાં આવેલા એક કુવામાંથી પુરુષની લાશ મળી હોવાની જાણ થઇ હતી. પોલીસ દ્વારા આ લાશને કુવામાંથી બહાર કાઢી તેની ઓળખ કરવામાં આવતા તે લાશ હત્યારા પિતા મહેશ બારિયાની હોવાનું બહાર આવ્યું હતું. આમ પોતાની પત્નીના અન્ય પુરુષ સાથે આડા સંબંધની આશંકાએ મહેશે પ્રથમ પોતાના 2 વર્ષીય પુત્ર ધ્રુવની હત્યા કરી નાખી હતી. અને બાદ પોતે પણ નજીકમાં આવેલા કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

આડા સંબંધની આશંકાએ થયેલા ઝઘડામાં પત્ની પિયર જતી રહેતા લાગી આવતા પુત્રની હત્યા કરી જાતે આત્મહત્યા કરી લીધેલ છે. આમ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોધી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.