હોરમુઝ સામુદ્રધુની ફરી US-ઈરાન તંગદિલીની અડફેટે? - Sandesh
  • Home
  • World
  • હોરમુઝ સામુદ્રધુની ફરી US-ઈરાન તંગદિલીની અડફેટે?

હોરમુઝ સામુદ્રધુની ફરી US-ઈરાન તંગદિલીની અડફેટે?

 | 2:43 am IST

ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી વચ્ચે સાઉદી અરબના બે તેલ ટેન્કરને નુકસાન પહોંચ્યું છે. સાઉદી અરબે આ ભાંગફોડિયા કૃત્ય હોવાનું જણાવીને કહ્યું છે કે તેલવા વૈશ્વિક પુરવઠાની સુરક્ષાને જોખમમાં મૂકવા પ્રયાસ થયો છે. જોકે સાઉદી અરબના તેલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યા તે સ્થાન હોરમુઝ સામુદ્રીધુનીથી બહાર છે.

સંયુક્ત આરબ અમીરાતે આ ઘટનાના એક દિવસ પહેલાં જ જાણકારી આપી હતી કે ચાર વેપારી જહાજો ફુજાઇરા અમીરાત નજીક તોડફોડનો ભોગ બન્યા. ફુજાઇરા અમીરાત ખાતે વિશાલ તેલ બંકર્સ આવેલા છે અને તે સ્થાન પણ હોરમુઝ સામુદ્રીધુનીથી બહાર છે. સંયુક્ત આરબ અમીરાતે જોકે એ જાણકારી નહોતી આપી કે તે ઘટના પાછળ કોનો હાથ હતો. ઈરાનના વિદેશમંત્રાલયે આ ઘટના ચિંતાજનક અને ભયાનક હોવાનું જણાવીને તેની તપાસ થવી જોઈએ તેવી માગણી કરી હતી. પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે હોરમઝ સામુદ્રધુની છે શું? હકીકતે હોરમઝ સામુદ્રધુની તે એક જળમાર્ગ છે કે જે મધ્યપૂર્વના તેલ ઉત્પાદક દેશોને એશિયા,યુરોપ, ઉત્તર અમેરિકા અને તેનાથી આગળના બજારો સુધી જોડે છે.આ જળમાર્ગ ઈરાન અને ઓમાનને અલગ કરે છે. સાથે જ ખાડી દેશોને ઓમાનની ખાડી અને અરબી સાગર સાથે જોડે છે. આ હોરમઝ સામુદ્રધુની સૌથી ઓછી પહોળાઈ ધરાવે છે. પહોળાઈ લગભગ ૩૩ કિ.મી. છે ,અને બંને દિશામાં જહાજોના આવાગમનનો રસ્તો ત્રણ કિ.મી.નો છે.

શું બન્યું હતું ૧૯૮૮માં  

અમેરિકા – ઈરાન તંગદિલીનું નુકસાન તેલ ટેન્કરોને ભોગવવું પડે છે. જુલાઈ ૧૯૮૮માં અમેરિકી યુદ્ધ જહાજે ઈરાનના એક વિમાનને તોડી પાડયું હતું. વિમાનમાં સફર કરી રહેલા ૨૯૦ પ્રવાસીના મૃત્યુ થયા હતા. જોકે અમેરિકાએ તેના ક્રૂ મેમ્બરની ભૂલને કારણે આ ઘટના બની હોવાની સ્પષ્ટતા કરી હતી. અમેરિકાનું કહેવું હતું કે પ્રવાસી વિમાનને ક્રૂ મેમ્બર લડાયક વિમાન સમજી બેઠો હતો. જોકે ઈરાનનું કહેવું હતું કે તે જાણીબૂજીને થયેલો હુમલો હતો.

૩૦% તેલ પુરવઠો આ જળમાર્ગેથી પસાર થાય છે  અમેરિકી ઊર્જા માહિતી વહીવટીતંત્રના અંદાજ મુજબ વર્ષ ૨૦૧૬માં આ જળમાર્ગને રસ્તે પ્રતિદિન ૧.૮૫ કરોડ બેરલ તેલ પસાર થયું હતું. વિશ્વમાં થતાં તેલ પરિવહન પૈકીનો ૩૦ ટકા તેલ પુરવઠો આ રસ્તે પસાર થાય છે. તેલ બિઝનેસનું વિશ્લેષણ કરનારી કંપની વોરટેક્સાએ જણાવ્યા મુજબ ૨૦૧૭માં આ માર્ગે પ્રતિદિન ૧.૭૨ કરોડ બેરલની હેરફેર થઈ હતી. હાલમાં વિશ્વ બજારમાં પ્રતિદિન અંદાજે ૧૦ કરોડ બેરલ તેલ વેચાણ થાય છે. તૈકી ૨૦ ટકા તેલનું હોરમઝ સામુદ્રધુની જળમાર્ગને રસ્તે વહન થાય છે. મહદઅંશે કાચું તેલ સાઉદી અરબ, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત,કુવૈત કે ઇરાકથી આવે છે. તે તમામ દેશ ઓપેકના સભ્યદેશો છે. ઉપરાંત પ્રવાહી ગેસ અર્થાત એલએનજીનું પણ આ માર્ગે વહન થાય છે. કતાર પ્રવાહી ગેસની સૌથી વધુ નિકાસ કરે છે.

સુરક્ષા જવાબદારી અમેરિકી નૌકાદળની

૧૯૮૦-૮૮ દરમિયાન ઈરાન – ઇરાક યુદ્ધ વખતે બંને દેશોએ એકબીજાની તેલ નિકાસને આંચકા આપવા પ્રયાસ કર્યો હતો કે જેને ટેન્કર વોર નામ મળ્યું હતું.બહરીનમાં પડાવ નાખીને પડયા રહેતા અમેરિકાના પાંચમો નૌકાદળ યુદ્ધકાફલો આ વિસ્તારમાં વેપારી જહાજોની સુરક્ષાની જવાબદારી નિભાવે છે. પરંતુ હાલમાં અમેરિકા – ઈરાન વચ્ચે તંગદિલી વધેલી છે. અમેરિકા વિશ્વના શક્તિમાન દેશોએ ઈરાન સાથે કરેલી પરમાણુ સંધિમાંથી બહાર આવી ગયું છે અને ઈરાન પર તેલ પ્રતિબંધ લાદી દીધા છે. ચીન અને ભારતને ઈરાન પાસેથી તેલ પુરવઠો મેળવવાની જે છૂટછાટ હતી તે પણ ખતમ થઈ ચૂકી છે. અમેરિકા ઈરાનની તેલ નિકાસને શૂન્ય પર પહોંચાડવાનો ઇરાદો ધરાવે છે. વિસ્તારમાં તેથી તંગદિલી વધી રહી છે. સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ પણ હોરમઝ સામુદ્રધુની જળમાર્ગનો વિકલ્પ શોધવા લાગ્યા છે. પાઇપલાઇન ઊભી કરવા વિચારણા ચાલી રહી છે.

સામુદ્રધુની માર્ગ અવરોધવા ઈરાનની વારંવારની ધમકી  

જુલાઈ ૨૦૦૮માં અમેરિકાએ કહ્યું હતું કે ઈરાની લડાયક નૌકાઓ તેના યુદ્ધ જહાજોને ધમકીઓ આપે છે. જૂન ૨૦૦૮માં ઈરાની સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા મહમદઅલી જાફરીએ ચીમકી આપી દીધી હતી કે જો ઈરાન પર હુમલો થશે તો હોરમઝ સામુદ્રધુની જળમાર્ગ વિસ્તારમાં તેલવહન પર નિયંત્રણ મૂકી દેશે. ઈરાન વારંવાર આવી ધમકીઓ આપતું રહ્યું છે. જુલાઈ ૨૦૧૦માં આ જળવિસ્તારમાં જ જાપાની તેલ ટેન્કર એમ સ્ટાર પર હુમલો થયો હતો. અલ કાયદા સાથે સંકળાયેલી અબદુલ્લા આઝમ બ્રિગેડે તેની જવાબદારી લીધી હતી. જાન્યુઆરી ૨૦૧૨માં પણ ઈરાને અમેરિકી અને યુરોપીય પ્રતિબંધોના જવાબમાં જળમાર્ગ બંધ કરવા ધમકી આપી હતી. મે ૨૦૧૫માં તો ઈરાની જહાજોએ સિંગાપુરનો ધ્વજ ધરાવતા તેલ ટેન્કર પર ગોળીબાર કર્યો હતો. ઈરાનનું કહેવું હતું કે સિંગાપુરના તે જહાજે તેના તેલ પ્લેટફોર્મને નુકસાન પહોંચાડયું હતું. ઈરાને એક કન્ટેનરશિપને જપ્ત પણ કરી લીધું હતું. ૨૦૧૮માં પણ ઈરાનના પ્રમુખ હસન રોહાનીએ ધમકી આપી હતી કે હોરમઝ સામુદ્રધુની જળમાર્ગે જતા તેલ પુરવઠાને રોકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન