ઘર એ જ સ્વર્ગ - Sandesh

ઘર એ જ સ્વર્ગ

 | 5:38 am IST

ચિંતન ।  પ્રજ્ઞાા એ. પટેલ

ઘર એ જ સ્વર્ગ

બુંદ બુંદ બ્રહ્માંડ છે,

બુંદ બુંદ છે ભેદ,

બુંદ બુંદ ખુશ ખ્યાલ છે,

બુંદ બુંદ છે ખેદ.

 

માનવી સામાજિક પ્રાણી છે. તે કુટુંબ તથા સમાજમાં રહીને પોતાની પ્રગતિ સાધે છે. કમનસીબે આજનો યુગ અર્થપ્રધાન બનતો જાય છે અને માનવી ભૌતિક સિદ્ધિની દોટમાં બેબાકળો બનતો જાય છે. વધુ ને વધુ મેળવાના મોહમાં તે આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાતો જાય છે. અંતે તે કુટુંબજીવનનો આનંદ ગુમાવી બેસે છે. ઘર કે જે તેનું સ્વર્ગ છે તેનું મૂલ્ય તે ખોઈ બેસે છે. નોર્મન-પાર્સેવલ નામના અંગ્રેજ ચિંતકે કહ્યું છે, ”આ દુનિયામાં ઘણાં લોકો કેટલીક વસ્તુઓ તેમને સુખી બનાવશે એમ માનવીને પરિશ્રમપૂર્વક ચોતરફ દોડધામ કરતા હોય છે.”

જ્યારે સૌથી વધુ મૂલ્યવાન વસ્તુઓ તેમની નજર સમક્ષ સતત હોય છે તેમની તેઓ અવગણના કરતા હોય છે. એ અત્યંત મૂલ્યવાન વસ્તુઓમાંથી એક ઘર-હોમ છે.

જનસેવા એ જ પ્રભુસેવા છે, એ સિદ્ધાંતના પ્રણેતા મહાત્મા કોન્ફ્યુશિયસ જણાવે છે, ”જાડા ચોખા મને ખાવા મળે, પીવા માટે થોડું પાણી હોય, મારા હાથનું ઓશીકું કરીને ઊંઘી શકું- બસ આ સ્થિતિમાં પણ હૈયામાં આનંદ ઊભરાય છે. ગમે તે રીતે મેળવેલાં ધન અને માન મને તરતાં વાદળ સમાન લાગે છે.”

પ્રત્યેક મનુષ્યે સંસારનું સુખ માણવું હોય તો પોતાનો ગૃહસ્થી ધર્મ બરાબર સમજવો પડશે. ‘ધરતીનો છેડો ઘર’, ‘ઘરના દાઝયા વનમાં ગયા તો વનમાં લાગી લ્હાય’ એ ઉક્તિઓ સંસાર સાગર તરવા માટે બોધક છે. સંતકવિ મીરાંબાઈએ તેથી જ ગાયું છે :

‘હાલવા જઈએ તો અમે

હાલી નવ શકીએ, વહાલા.’

બેસવા જઈએ તો અમે બળી મળીએ,

દવ લાગ્યો રે ડુંગરિયે, અમે કેમ કરીએ?

તુલસી રામાયણના રચયિતા કવિ શ્રી તુલસીદાસે ગૃહસ્થી ધર્મ દ્વારા ઘરને સ્વર્ગમાં પલટવાનો માર્ગ ચીંધતાં જણાવ્યું છે :

‘પ્રથમ માણસ બનો પછી તમે જોશો કે એ બધાં અને બીજું સર્વ કાંઈ તમારી પાછળ પાછળ આવશે. એ ધિક્કારપાત્ર હોય, એ કૂતરાં જેવો એકબીજા પ્રત્યેને ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને માણસ બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કંઈક સુવાસ મૂકતા જાવ.’

જબ તુમ આયો જગત મેં,

જગત હસ્યો, તુમ રોય,

અબ ઐસી કરની કર ચલો,

તુમ હસો જગ રોય !

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મગુરુ શ્રીમદ્ રાજચંદ્રે ‘મોક્ષમાળા’માં પ્રત્યેક ઘર કઈ રીતે સ્વર્ગ બની શકે તેનું સુંદર નિરૂપણ કર્યું છે :

”તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે.

જેને ઘરે આ દિવસ ક્લેશ વગરનો સ્વચ્છતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘરે પવિત્રતાનો વાસ છે.

કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાાંકિત ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણ સુંદરી, સંગીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની છે તેનો આજનો દિવસ વંદનીય છે.”

ઘર એ તો ઘર છે, કંઈ માત્ર મકાન નથી. ભાડાનું મકાન પણ કુટુંબના સભ્યોની સંવાદિતાથી પોતાનું ઘર બની જાય છે. મકાન સાથેનું મમત્વ કુટુંબ જીવનનું રહસ્ય છે, જે તેમાં ‘ઘર’રૂપી પ્રાણ પૂરે છે. એક જ ડાળના પંખીની જેમ કુટુંબના સૌ સભ્યો હળીમળીને રહે અને સુખ-દુઃખના સાથી બની રહે તો ઘર એ જ તેમનું સ્વર્ગ બની રહે છે.

ભલે પછી ગરીબીમાં જીવવાનું હોય, પણ જો સંતોષરૂપી ધન હોય તો બંગલાની વ્યથાઓથી ઝૂંપડીનું સુખ ચડી જશે.

અંગ્રેજ કવિ શેલીએ કહ્યું છે :

”આપણે આગળ જોઈએ છીએ, પાછળ જોઈએ છીએ અને જે નથી તે મેળવવાનો હંમેશા પ્રયાસ કરીએ છીએ. તેથી જ અશાંતિ અનુભવીએ છીએ, પણ જે મળ્યું છે તેનાથી શાંતિ અનુભવતા નથી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન