How Binny Bansal's Surprise Exit From Flipkart?
  • Home
  • Ahmedabad
  • ફ્લિપકાર્ટના બિન્ની બંસલનું રાજીનામું : સ્ટોરી બડી ફિલ્મી હૈ

ફ્લિપકાર્ટના બિન્ની બંસલનું રાજીનામું : સ્ટોરી બડી ફિલ્મી હૈ

 | 8:15 am IST

સ્નેપ શોટ

ઘરડાઓ કહેતાં કે જે ઘોડાની લગામ આપણા હાથમાં ન હોય  તે ઘોડા પર  આપણે  સવારી  ન  કરવી.  દેશની ઈ-કોમર્સ  કંપની ફ્લિપકાર્ટના ફાઉન્ડર અને સીઈઓ બિન્ની બંસલને પોતાની જ કંપનીમાંથી રાજીનામું આપી દેવું પડયું છે. હકીકતમાં બિન્ની બંસલને કંપનીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જે કંપનીની શરૂઆત બિન્ની બંસલે બેંગ્લોરમાં પોતાના મિત્ર સચિન બંસલને સાથે રાખીને ચાર લાખ રૂપિયાનાં ઇન્વેસ્ટમેન્ટથી  ૨૦૦૭માં શરૂ કરી હતી તે કંપની ૧૦ વર્ષમાં જ મિલિયોનર કંપની બની ગઈ હતી.

૨૦૧૫માં ફોર્બ્સ મેગેઝિને ફ્લિપકાર્ટ કંપનીની નેટવર્થ ૧.૩ બિલિયન ડોલર અંદાજી હતી અને ભારતના ૮૬ નંબરના રિચેસ્ટ પર્સન તરીકે ફ્લિપકાર્ટ કંપનીના સ્થાપકો બિન્ની બંસલ અને સચિન બંસલને જાહેર કર્યા હતા. ઈન્ડિયા ટુડે મેગેઝિને ૨૦૧૭માં દેશની ૫૦ પાવરફુલ વ્યક્તિઓની યાદી જાહેર કરી હતી, તેમાં ૨૬મો નંબર બિન્ની બંસલ અને સચિન બંસલનો હતો.

૩૭ વર્ષના બિન્ની બંસલ પાસે નામ, શોહરત, રૂતબો, ધન-દોલત બધું જ હતું. પોતાની કંપની ફ્લિપકાર્ટ જોરદાર ધંધો કરતી હતી. વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોન સાથે ઈન્ડિયામાં ફ્લિપકાર્ટ ધંધામાં બરાબરી કરતી હતી. એવામાં મે-૨૦૧૮માં બિન્ની બંસલે એક એવો નિર્ણય લીધો કે જેના માટે હવે આજે તે પસ્તાઈ રહ્યા હશે.

મે-૨૦૧૮માં અમેરિકાની સૌથી મોટી કંપની વોલમાર્ટને ફ્લિપકાર્ટે પોતાના ૭૭ ટકા શેર વેચ્યા. આ સોદો ઈ-કોમર્સ કંપનીઓની આંખ ઉઘાડનારો હતો. ફ્લિપકાર્ટના ૭૭ ટકા શેરના બદલામાં વોલમાર્ટે ૧.૦૫ લાખ કરોડ રૂપિયા એટલે કે ૧૬ અબજ ડોલર ચૂકવ્યા હતા. આ સોદા માટે બિન્ની બંસલને લોકો અભિનંદન આપતાં હતાં. ૩૭ વર્ષે એક ઈન્ડિયન બિલિયોનર બની જાય તે વાત જ અદ્ભુત હતી, પરંતુ આજે જ્યારે બિન્ની બંસલને પોતાની જ કંપનીમાંથી હટાવી દેવામાં આવ્યા છે ત્યારે બિન્ની બંસલને પાંચ મહિના પહેલાં અભિનંદન આપનારાં લોકો આજે કહી રહ્યાં છે કે બિન્નીએ ફ્લિપકાર્ટ વોલમાર્ટને વેચી તે નિર્ણય ખોટો હતો.

બિન્ની બંસલની સાથે આજે જે થયું તેની વધુ વાત કરતાં પહેલાં થોડા ભૂતકાળમાં જઈએ. બિન્ની બંસલ ચંડીગઢમાં રહેતા એક બેન્કકર્મચારીનો દીકરો છે. આઈઆઈટી દિલ્હીમાં ગ્રેજ્યુએશન કરી એમેઝોન કંપનીમાં નોકરી લીધી. એમેઝોનમાં નોકરી લેતાં પહેલાં બિન્ની બંસલે ગૂગલમાં જોબ મેળવવા માટે બે વખત પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને વખત બિન્ની બંસલને રિજેક્ટ કરી દેવામાં આવ્યા, ત્યારબાદ એમેઝોનમાં ૯ મહિના સુધી નોકરી કરી, આ નોકરી દરમિયાન બિન્ની બંસલને સાથી કર્મચારી સચિન બંસલ સાથે દોસ્તી થઈ ગઈ.  બંને દોસ્તોને લાગ્યું કે નોકરી બહુ થઈ ગઈ, હવે આપણે પોતાનો કંઈક ધંધો કરવો જોઈએ. ૨૦૦૭માં બંને દોસ્તોએ નોકરી છોડીને બેંગ્લોરની એક નાની ઓફિસમાંથી ઓનલાઇન બુક વેચવાનો બિઝનેસ શરૂ કર્યો. તેમની પહેલી બુક વેચાઈ તેનું નામ હતું લિવિંગ માઇક્રોસોફ્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ. જોન વૂડસે લખેલી આ બુક આંધ્ર પ્રદેશના એક કસ્ટમરે ઓનલાઇન ખરીદી હતી,  ત્યારે આ બંને બંસલ ભાગીદારોને ખબર ન હતી કે થોડાક વર્ષોમાં જ આપણે ભારતના ઈ-કોમર્સના બિઝનેસમાં એટલો ચેન્જ લાવીશું કે જેની દુનિયાએ નોંધ લેવી પડશે.

પુસ્તકો વેચતાં બંસલ ભાગીદારોને લાગ્યું કે આ ધંધામાં એકલાં પુસ્તકો વેચવાથી આપણું કામ થવાનું નથી એટલે  તેમણે પુસ્તકો સાથે મ્યુઝિક, મૂવી, ગેમ્સ અને મોબાઇલ ઓનલાઇન વેચવાનું શરૂ કર્યું. ૨૦૦૯માં તેમણે દિલ્હી અને મુંબઈમાં પણ ઓફિસો ખોલી. ૨૦૧૧ સુધીમાં કંપનીએ કેમેરા, કમ્પ્યૂટર, લેપટોપ વેચવાનું શરૂ કર્યું, હવે ફ્લિપકાર્ટ ઈન્ડિયાનાં ૬૦૦ શહેરોમાં ડિલિવરી કરતું થઈ ગયું હતું. ૨૦૧૨માં કંપનીએ પોતાની મોબાઇલ શોપિંગ એપ લોન્ય કરી અને પ્રોડક્ટમાં ફેશન, એસેસરીઝ, ટોય્સ અને પોસ્ટર વેચવાનું શરૂ કર્યું.  ૨૦૧૩માં કંપનીએ થર્ડપાર્ટી સેલર્સને પણ જગ્યા આપી.  ૨૦૧૪ના અંત સુધીમાં કંપનીની કિંમત ૧૧ બિલિયન અંકાવા લાગી. ૨૦૧૬માં બિન્ની બંસલ કંપનીના સીઈઓ બન્યા અને સચિન બંસલ એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા. ૨૦૧૬માં જ ટાઇમ મેગેઝિને દુનિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં ફ્લિપકાર્ટના બે બંસલદોસ્તોને સ્થાન આપ્યું.

હવે ફ્લિપકાર્ટ પર દુનિયાનાં વગદાર લોકોની નજર હતી. અમેરિકાની પ્રખ્યાત રિટેલર કંપની વોલમાર્ટને ભારતમાં પગપેસારો કરવો હતો અને તે માટે તે કોઈ સારો ભાગીદાર શોધતી હતી. વોલમાર્ટની નજર ફ્લિપકાર્ટ કંપની પર પડી.  વોલમાર્ટે ફ્લિપકાર્ટ ખરીદવા નાણાંકોથળી છૂટી મૂકી. બિન્ની બંસલે જે રકમ માગી તે રકમ આપવા વોલમાર્ટ તૈયાર થઈ ગઈ. મે ૨૦૧૮માં સોદો ૧ લાખ કરોડ રૂપિયામાં ફિક્સ થયો જે મુજબ ફ્લિપકાર્ટના ૭૭ ટકા શેર વોલમાર્ટનાં નામે થયા અને શરતો મુજબ બંને ફાઉન્ડર બિન્ની બંસલ અને સચિન બંસલે રાજીનામાં આપ્યાં. જોકે આ સોદા અંગે બિન્નીનો દોસ્ત સચિન રાજી ન હતો એટલે તે પોતાનો ૫.૫ ટકા ભાગ લઈ કંપનીમાંથી છૂટો થયો.  બિન્ની બંસલને કંપનીએ ફ્લિપકાર્ટના સીઈઓ તરીકે  ચાલુ રાખ્યા હતા.

હવે બિન્ની બંસલની કમબખ્તી શરૂ થઈ. બિન્નીની વિરુદ્ધ ફ્લિપકાર્ટ કંપનીની એક પૂર્વ મહિલા કર્મચારીએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો. આ આરોપ ૨૦૧૬માં લગાવવામાં આવ્યો, પરંતુ ત્યારે આરોપો ટકી શક્યા નહોતા, હવે જ્યારે કંપનીમાં વોલમાર્ટનો પ્રવેશ થયો ત્યારે મહિલાએ ફરી વાર વોલમાર્ટના સીઈઓ પાસે આરોપો મૂક્યા અને આ આરોપોને આધારે વોલમાર્ટે ઇન્ટરનેશનલ તપાસ પંચ નિમ્યં. તપાસમાં કોઈ પુરાવા મળ્યા નહીં પરંતુ તપાસ પંચે એવું તારણ કાઢયું કે બિન્ની બંસલનો વ્યવહાર પારદર્શી ન હતો. આખરે બિન્ની બંસલને રાજીનામું આપવા મજબૂર કર્યા. વોલમાર્ટનો આ આરોપ હતો કે જ્યારે ફ્લિપકાર્ટ સાથે સોદો થયો ત્યારે આ વાત અમારાથી છુપાવવામાં આવી હતી!

ભારતીય કંપનીઓએ આ ઘટનામાંથી સમજવા જેવી વાત  એ છે કે વિદેશી કંપનીઓને તમારી કંપનીમાં પાર્ટનર બનાવતાં પહેલાં સો વાર વિચારજો, તમારો જામી પડેલો ધંધો વિદેશી કંપનીઓ હસ્તગત કરી લેશે પછી તમને ચામાં પડેલી માખીની જેમ બહાર ફેંકી દેશે. મોટા રૂપિયાની લાલચમાં જ્યારે વિદેશી કંપનીઓને પોતાની કંપનીમાં મોટો સ્ટેક અપાય ત્યારે પોતે પણ કંપનીમાંથી ગમે ત્યારે બહાર જતાં રહેવું પડશે એ તૈયારી હોય તો જ વિદેશી કંપનીઓ સાથે હાથ મિલાવજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન