દોષિત નેતા ચૂંટણી ન લડી શકે તો પક્ષનો અધ્યક્ષ પણ કેવી રીતે બની શકે? : સુપ્રીમ કોર્ટ - Sandesh
  • Home
  • India
  • દોષિત નેતા ચૂંટણી ન લડી શકે તો પક્ષનો અધ્યક્ષ પણ કેવી રીતે બની શકે? : સુપ્રીમ કોર્ટ

દોષિત નેતા ચૂંટણી ન લડી શકે તો પક્ષનો અધ્યક્ષ પણ કેવી રીતે બની શકે? : સુપ્રીમ કોર્ટ

 | 10:45 pm IST

અદાલત દ્વારા કોઈપણ અપરાધમાં દોષિત ઠરેલી વ્યક્તિને રાજકીય પક્ષના પ્રમુખ બનાવવા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દોષિત ઠરેલો વ્યક્તિ પોતે ચૂંટણી લડવા માટે અયોગ્ય છે પરંતુ તે જ વ્યક્તિ એક રાજકીય પક્ષનો પ્રમુખ છે અને ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરે છે. બની શકે કે તેના દ્વારા પસંદ કરાયેલા ઉમેદવાર વિજેતા બનીને સરકારમાં સામેલ થઈ જાય.

આ મામલે ગંભીર વલણ અપનાવતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, જો કોઇ વ્યક્તિ જનપ્રતિનિધિ કાયદા અંતર્ગત ચૂંટણી લડી શક્તો નથી તો તે રાજકીય પક્ષ કેવી રીતે બનાવી શકે? તે રાજકીય પક્ષનો પ્રમુખ કેવી રીતે બની શકે? આવી વ્યક્તિ ચૂંટણી લડવા માટે ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરી શકે? સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે અદાલત દ્વારા દોષિત ઠરેલી વ્યક્તિ જો શાળા કે હોસ્પિટલ બનાવે તો તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ સરકાર ચલાવતી રાજકીય પાર્ટી બનાવે તો તે એક ગંભીર મામલો બની જાય છે.

દાગી નેતાઓના રાજકીય પાર્ટીના પ્રમુખ બનવા સામે વકીલ અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની બેન્ચ કરી રહી છે. આ જાહેર હિતની અરજીને ચૂંટણી પંચના વકીલ અમિત શર્માએ પણ સમર્થન આપ્યું હતું.

અરજકર્તાએ તેમની અરજીમાં દલીલ કરી છે કે કેટલાક નેતાઓ ગંભીર અપરાધિક કેસોમાં દોષિત ઠરે છે. તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ હોય છે તેમ છતાં તેઓ રાજકીય પાર્ટી બનાવી શકે છે. ઓમપ્રકાશ ચૌટાલા, લાલુ યાદવ, શશિકલા જેવા નેતાઓને અદાલતે દોષિત ઠેરવ્યા છતાં તેઓ પોતાની રાજકીય પાર્ટીઓના સર્વેસર્વા બની બેઠાં છે.

ચૂંટણી પંચના વકીલ અમિત શર્માએ ચૂંટણી પંચનો અભિપ્રાય રજૂ કરતાં જણાવ્યું હતું કે, ૧૯૯૮થી ચૂંટણી પંચ દોષિત નેતાઓ દ્વારા રાજકીય પાર્ટીના સંચાલન પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરી રહ્યું છે પરંતુ તેની પાસે આ પ્રકારનો પ્રતિબંધ લાદવાની સત્તા નથી. જો સંસદમાં જનપ્રતિનિધિ કાયદામાં સુધારો કરી આ પ્રકારની જોગવાઇ કરાય તો ચૂંટણી પંચ તેને લાગુ કરશે.